પૂછપરછ માટે હરિયાણા ગયેલી SOGને ITC માનેસરમાં ભંવરલાલ સહિત કોઇ ધારાસભ્ય ન મળ્યા

0
382
  • SOGના ADG અશોક રાઠોડના જણાવ્યા પ્રમાણે ધારાસભ્યોએ હોટલ બદલી નાખી છે
  • હરિયાણા પોલીસે પહેલા SOG ટીમને હોટલમાં જતા અટકાવી હતી, બાદમાં એન્ટ્રી અપાઇ હતી
  • રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદસિંહ ડોટાસરાએ કહ્યું- હરિયાણા પોલીસે પહેલા ધારાસભ્યોને શિફ્ટ કર્યા અને પછી ટીમને જવા દીધી

જયપુર. રાજસ્થાનના રાજકીય ઘટનાક્રમમાં લગાતાર નવા વણાંક આવી રહ્યા છે. અત્યાર સુધી એવી ચર્ચા હતી કે પાયલટ જૂથના ધારાસભ્યો માનેસરમાં ITC ગ્રાન્ડ ભારત હોટલમાં રોકાયા છે. વાયરલ ઓડિયો સંદર્ભે ધારાસભ્યોની પૂછપરછ કરવા માટે શુક્રવારે રાજસ્થાન સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમ આ હોટલ પહોંચી હતી. જોકે અહીં કોંગ્રેસના ધારાસભ્ય ભંવરલાલ શર્મા સહિત કોઇ તેમને મળ્યા ન હતા. હોટલ રજિસ્ટરમાં ભંવરલાલનું નામ લખેલું ન હતું. SOGએ લગભગ 15 મિનિટ સુધી હોટલમાં તપાસ કરી હતી. 

SOGના ADG અશોક રાઠોડે જણાવ્યું કે ધારાસભ્યોએ હોટલ બદલી નાખી છે. તેથી ટીમને ત્યાં રોકાવાનું કહેવામા આવ્યું છે. બીજી હોટલો અંગે જાણકારી મેળવવામા આવી રહી છે. ભંવરલાલ પાયલટ જૂથના ધારાસભ્ય છે. તેઓ ચૂરૂ જિલ્લાના સરદારશહેરના ધારાસભ્ય છે.  

પહેલા હરિયાણા પોલીસે રોક્યા, બાદમાં એન્ટ્રી આપી
હરિયાણા પોલીસે શુક્રવારે રાજસ્થાનની ટીમને હોટલમાં એન્ટ્રી કરવાથી રોક્યા હતા. પોલીસે કહ્યું કે દરેક દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જ ટીમને હોટલમાં પ્રવેશ આપવામા આવશે. ત્યારબાદ ટીમને હોટલમાં એન્ટ્રી આપવામા આવી હતી. ITC માનેસર હોટલની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તહેનાત છે. હવે SOGની ટીમ કોર્ટમાં ધારાસભ્યોના વોઇસ સેમ્પલ માટે પણ અપીલ કરી શકે છે જેથી ઓડિયોની હકીકત સામે આવી શકે. 

હરિયાણા સરકારે ચોર દરવાજાથી ધારાસભ્યોને મોકલી દીધા
શનિવારે કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષ ગોવિંદસિંહ ડોટાસરાએ જયપુરમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે SOG એવી સંસ્થા છે અપરાધીઓને પકડવા માટે ગમે ત્યાં જઇ શકે છે. જો ત્યાંની સરકાર તેમને રોકવાનો પ્રયત્ન કરશે તો કાયદો વ્યવસ્થા નહીં જળવાય અને અરાજકતા ફેલાઇ જશે. હરિયાણા સરકારે ચોર દરવાજેથી ધારાસભ્યોને લઇ જવા માટે ટીમને હોટલ બહાર રોકી રાખી હતી. શું આ સચ્ચાઇ છે ? શું સચિન પાયલટ અને કોંગ્રેસના ધારાસભ્યો એ જણાવશે કે તેમને પોતાના રાજ્યની પોલીસ પર ભરોસો કેમ નથી ?

વાયરલ ઓડિયો ટેપમાં શું છે ?
ગુરૂવારે રાત્રે જે ઓડિયો વાયરલ થયા તેમાં ધારાસભ્યોની હોર્સ ટ્રેડીંગ અંગે વાતચીત થતી હોય તેવું લાગે છે. તેમાં એક વ્યક્તિ પોતાને સંજય જૈન અને બીજી વ્યક્તિ ગજેન્દ્રસિંહ તરીકે ઓળખ આપે છે. વાતચીતમાં ભંવરલાલ શર્મા નામનો પણ ઉલ્લેખ છે. ઓડિયોમાં એક વ્યક્તિ કહે છે કે ટૂંક સમયમાં 30ની સંખ્યા પૂરી થઇ જશે. ત્યારબાદ  વિજયી ભવ: કહે છે. એક વ્યક્તિ વાતચીત દરમિયાન કહે છે કે અમારા સહયોગી દિલ્હીમાં બેઠા છે અને પૈસા લઇ ચૂકયા છે. પહેલો હપ્તો પહોંચી ગયો છે. વાતચીત દરમિયાન પોતાને ગજેન્દ્રસિંહ કહેતી વ્યક્તિ સરકારને ઘૂંટણિયે લાવવાની વાત કહે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here