- ટ્રાયલ માટે વોલિયંટર્સની પસંદગી કરવાનું કામ હોસ્પિટલના ફાર્માકોલોજી વિભાગના અધિકારીઓને આપવામાં આવ્યું હતું
- ટ્રાયલ માટે બનેલી કમિટી માથાનો દુખાવો, ચક્કર આવવા, ઉલટી સહિતના વિવિધ મુદ્દાઓ પર સાત દિવસ મોનિટરિંગ કરશે
દેશની પ્રથમ કોરોના વેક્સીનની હ્યુમન ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. પ્રથમ તબક્કાના ટ્રાયલમાં 375 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત બાયોટેકની વેક્સીનની હ્યુમન ટ્રાયલની પ્રોસેસ 15 જુલાઈથી શરૂ થઈ ગઈ છે. દેશની 12 મોટી હોસ્પિટલ્સમાં ટ્રાયલ કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રાયલમાં સામેલ કેટલાક લોકોને રસી આપવામાં આવશે અને કેટલાક લોકોને સામાન્ય સારવાર આપવામાં આવશે. તેની સરખામણીના આધારે એ જાણી શકાશે કે આ રસી કેટલી અસરકારક છે. ચાલો દેશમાં ટ્રાયલની સ્થિતિ વિશે વિગતવાર જાણીએ.
પ્રથમ તબક્કાની ટ્રાયલ અહીં શરૂ થઈ
ICMRએ વેક્સીન ટેસ્ટિંગ માટે 12 દેશની હોસ્પિટલોની પસંદગી કરી છે, જેમાં AIIMS-દિલ્હી, AIIMS પટના, કિંગ જ્યોર્જ હોસ્પિટલ-વિશાખાપટ્ટનમ, PGI-રોહતક, જીવન રેખા હોસ્પિટલ-બેલગમ, ગિલુરકર મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ-નાગપુર, રાણા હોસ્પિટલ-ગોરખપુર, SMR હોસ્પિટલ-ચેન્નાઈ, નિઝામ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ-હૈદરાબાદ, કલિંગા હોસ્પિટલ ભુવનેશ્વર, પ્રખર હોસ્પિટલ – કાનપુર અને ગોવાની એક હોસ્પિટલ પણ સામેલ છે.
AIIMS પટનાઃ દેશમાં વેક્સીનનો પ્રથમ ડોઝ AIIMSમાં આપવામાં આવ્યો
હ્યુમન ટ્રાયલની પહેલી શરૂઆત પટના AIIMSથી થઈ હતી. દેશમાં પ્રથમ રસીનો ડોઝ અહીંના એક યુવાનને આપવામાં આવ્યો હતો. AIIMSના MS ડો.સીએમ સિંહે જણાવ્યું કે, વેક્સીનની દેખરેખ માટે એક ટીમ બનાવવામાં આવી છે. ટીમમાં 30 વર્ષીય યુવક પર આ રસીનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. અડધો ml ડોઝ આપ્યા બાદ તેમને 4 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા. 7 દિવસ પછી અસર જોવા માટે તેમને ફરી બોલાવવામાં આવ્યા છે. હવે બીજો ડોઝ 14 દિવસ પછી આપવામાં આવશે. અહીં રસીની ટ્રાયલ કુલ 50 લોકો પર થશે. મેડિકલ ટેસ્ટ બાદ બાકીના લોકોને ટ્રાયલમાં સામેલ કરવામાં આવશે.
PGI રોહતકઃ ત્રણ વોલિયન્ટર્સને 3 માઇક્રોગ્રામનો ડોઝ આપવામાં આવ્યો
- શુક્રવારથી અહીં ટ્રાયલ શરૂ થઈ હતી. આ ટ્રાયલમાં 3 વોલિયન્ટર્સ સામેલ થયા છે. તેઓ સોફ્ટવેર એન્જિનિયર, શોપ કીપર અને સોશિયલ એક્ટિવિસ્ટ છે. તેમના ડાબા હાથમાં 3 માઇક્રોગ્રામ રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો. ડોઝ આપ્યા બાદ ફાર્માકોલોજી ડિપાર્ટમેન્ટના પ્રોફેસર અને પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર ડો. સવિતા વર્મા, કો-ઇન્વેસ્ટીગેટર સ્ટેટ નોડલ અધિકારી ડો.ધ્રુવ ચૌધરી અને કમ્યુનિટી ડિપાર્ટમેન્ટ પ્રોફેસર ડો. રમેશ વર્માની હાજરીમાં ત્રણ કલાક મોનિટરિંગ કરવામાં આવ્યું હતું.
- આ ત્રણેય વોલિયન્ટર્સને કોઈ સાઇડ ઇફેક્ટ ન થઈ હોવાથી તેમને અત્યારે ઘરે મોકલી દેવામાં આવ્યા છે. ક્લિનિકલ ટ્રાયલ કમિટીના સભ્યો સાત દિવસ સુધી સતત ત્રણેયનું ફોલોઅપ લેશે. હાથમાં જ્યાં વેક્સીન લગાવવામાં આવી છે ત્યાં હાથમાં દુખાવો, સોજો અને સુન્ન થવાના લક્ષણો જોવા નથી મળ્યાં. માથાનો દુખાવો, ચક્કર આવવા, ઉલટી થવી સહિતના અન્ય ઘણા મુદ્દા પર સાત દિવસ મોનિટરિંગ કરવામાં આવશે. શુક્રવારે વધુ 10 વોલિયન્ટર્સની પ્રોસેસ પૂરી થઈ ગઈ છે.
નિમ્સ હૈદરાબાદઃ બે લોકોનું સિલેક્શન થયું, અન્ય 20 વોલિયન્ટર્સે ટ્રાયલ કરવાની હા પાડી
હૈદરાબાદની નિઝામ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના જણાવ્યા મુજબ, 2 વોલિયન્ટર્સને ટ્રાયલ માટે ફાઇનલ કરવામાં આવ્યા છે. તેમના સેમ્પલ વેરિફિકેશન માટે દિલ્હી મોકલવામાં આવ્યા છે. અપ્રૂવલ મળતા જ ટ્રાયલ શરૂ કરી દેવામાં આવશે. બે વોલિયન્ટર્સમાં એકને રસી આપવામાં આવશે અને બીજાને સામાન્ય સારવાર આપવામાં આવશે. 24 કલાક તેમનું સતત નિરીક્ષણ કરવામાં આવશે. ટ્રાયલ શરૂ થયાના 10 દિવસની અંદર વેક્સીનનું સેફ્ટી લેવલ ચેક કરવામાં આવશે.