પરિવારની આર્થિક સ્થિતિ નબળી પડતા વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલમાં પ્રવેશ લીધો
રાજકોટ. કોરોના મહામારીને કારણે લોકોની હાલત ભારે ખરાબ થઇ ગઇ છે અને સંખ્યાબંધ લોકો બેરોજગાર બન્યા છે તો વેપારી-ઉદ્યોગપતિઓની હાલત પણ કફોડી બની છે ત્યારે તેની અસર હવે ખાનગી સ્કૂલની સંખ્યા પર પડી છે. આ વર્ષે રાજકોટ જિલ્લામાં ખાનગી સ્કૂલમાં ધો.9 થી 12માં અભ્યાસ કરતા 10480 વિદ્યાર્થીએ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલમાં એડમિશન લીધા છે. ડીઇઓ આર.એસ.ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં 42 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી સ્કૂલ અને 250 જેટલી ગ્રાન્ટેડ સ્કૂલ આવેલી છે. જેમાં આ વર્ષે લોકડાઉન બાદ ધો.9 થી 12માં ખાનગી સ્કૂલના 10480 વિદ્યાર્થીએ એડમિશન લીધા છે.
આ કારણોસર ખાનગીમાંથી સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલમાં પ્રવેશ લીધો
- લોકડાઉનના કારણે પરિવારની આર્થિક સ્થિતિ નબળી પડી
- સરકારી સ્કૂલમાં એક રૂપિયો પણ ફી નથી અને ગ્રાન્ટેડમાં પણ નજીવી ફી છે ત્યારે ખાનગી સ્કૂલની ફી તોતિંગ છે.
- સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલમાં પાઠ્ય પુસ્તકો, ડ્રેસ, શિષ્યવૃત્તિ , સ્કૂલબેગ, ચોપડાઓ ફ્રીમાં મળે છે, જ્યારે ખાનગી સ્કૂલમાં તોતિંગ ફી ઉપરાંત પાઠ્ય પુસ્તકથી લઇને ડ્રેસ, સ્કૂલબેગ, વોટરબેગ, ચોપડા બધું બજારમાંથી લેવું પડે છે.
- ધો.9ની વિદ્યાર્થિનીઓને સરસ્વતી સાઇકલ સાધન સહાય યોજના હેઠળ મફત સાઇકલ પણ અપાય છે.
- સૌથી મહત્ત્વનું પરિબળ ખાનગી સ્કૂલમાં મોટાભાગના શિક્ષકો લાયકાત વગરના હોય છે અને સરકારી તથા ગ્રાન્ટેડ સ્કૂલમાં તમામ શિક્ષકો લાયકાતવાળા તથા અનુભવી હોય છે.
