પુલ પર અંધારાને કારણે બાઇક સાથે દંપતી નદીમાં ખાબક્યું
ગીર સોમનાથ. ગીર સોમનાથના ગોરખમઢી નજીક ગત રાત્રે એક દંપતી પુલ પરથી બાઇક પર પસાર થઇ રહ્યું હતું. પરંતુ અંધારાને કારણે પુલ પરથી દંપતી બાઇક સાથે સરસ્વતી નદીમાં ખાબક્યું હતું. આ અંગેની જાણ સ્થાનિક લોકોને થતા તેઓએ NDRFને જાણ કરતા ટીમ દોડી આવી હતી. NDRFની ટીમે શોધખોળ હાથ ધરતા યુવાન મળી આવ્યો હતો અને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યારે રાતભરની શોધખોળ બાદ NDRFની ટીમને વહેલી સવારે નદીમાંથી યુવાનની પત્નીનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.
પતિ-પત્ની પોતાના ગામ બરૂલા જતા હતા
ગોરખમઢી પાસે સરસ્વતી નદી પર પુલ આવેલો છે. આ પુલ પરથી દંપતી પોતાના ગામ બરૂલા તરફ જઇ રહ્યું હતું. પરંતુ પુલ પર અંધારૂ હોવાથી આ અકસ્માત સર્જાયો હતો.ઘટનાની જાણ થતા સ્થાનિક તરવૈયાઓ પણ દોડી આવ્યા હતા. NDRFની આખી રાતની શોધખોળ બાદ આજે સવારે પરિણીતાનો મૃતદેહ મળી આવ્યો હતો.