- સિવિલ સ્મીમેરના તબીબ, પાલિકાના એન્જિનિયર, નવસારીના ટીડીઓ કોરોના સંક્રમિત
- પાલિકાના ક્લાર્ક, પ્રિન્સીપાલ, બિલ્ડર, વકીલ, ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ કોરોના સંક્રમિત
સુરત. મહાનગર પાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 9996 થવાની સાથે દસ હજાર નજીક પહોંચી ગઈ છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 432 થઈ ગયો છે. ગત રોજ શહેર જિલ્લામાં 276 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કુલ 6391 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે.
સિવિલ-સ્મીમેરના વધુ 3 તબીબ સંક્રમિત
સિવિલ કેમ્પસમાં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા વધુ એક તબીબ સંક્રમિત થયા છે. તેવી જ રીતે રાંદેર વિસ્તારમાં રહેતા અને સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતા વધુ એક તબીબ પણ સંક્રમિત થયા છે. જ્યારે વરાછા વિસ્તારમાં રહેતા અને સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતા અન્ય એક તબીબ પણ સંક્રમિત થયા છે. શનિવારે ત્રણે તબીબોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
નવસારીના TDO, પાલિકાના એન્જિનિયર અને ક્લાર્ક સંક્રમિત
સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં રહેતા અને નવસારીના તાલુકા વિકાસ અધિકારી પણ સંક્રમિત થયા છે. તેવી જ રીતે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં જ રહેતા અને પાલિકાના સાઉથ ઝોનમાં ફરજ બજાવતા આસી. એન્જિનિયરને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. જ્યારે રાંદેર વિસ્તારમાં રહેતા અને પાલિકામાં ફરજ બજાવતા ક્લાર્ક પણ સંક્રમિત થયા છે. તેવી જ રીતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં ફરજ બજાવતા પ્રિન્સિપાલ પણ સંક્રમિત થયા છે.
પાલિકાના SSI, કમ્પ્યુટર ઓપરેટર અને આશા વર્કર પણ સંક્રમિત
સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં રહેતા અને પાલિકામાં વડોદ ખાતે ફરજ બજાવતા SSIને પણ ચેપ લાગ્યો છે. તેવી જ રીતે પાલિકામાં વેસુ ખાતે ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટરને પણ ચેપ લાગ્યો છે. જ્યારે સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં રહેતા અને લિંબાયત ઝોનમાં ફરજ બજાવતા આશા વર્કર પણ સંક્રમિત થયા છે.
નર્સ, લેબ ટેક્નિશિયન અને ક્રાઈમબ્રાંચના કોન્સટેબલને પણ ચેપ લાગ્યો
નવી સિવિલ હોસ્પિટલની 2 નર્સ, મેત્રેય હોસ્પિટલની નર્સ તેમજ સ્મીમેર હોસ્પિટલના લેબ ટેક્નિશિયન અને ઈલેક્ટ્રિશિયનને પણ ચેપ લાગ્યો છે.ક્રાઈમબ્રાંચના કોન્સટેબલને પણ કોરોના સંક્રમિત થયા છે.