જામનગર ઠેબા બાયપાસ પાસે પ્લાસ્ટિક દાણાની આડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતો ટ્રક પકડાયો

0
406

60 પેટીથી વધુ દારૂ, ટ્રક અને કાર કબજે ચાલક-કિલનર અને રાજકોટનો શખ્સ ઝબ્બે સઘન પૂછતાછ

જામનગર-કાલાવડ રોડ પર ઠેબા બાયપાસ પુર્વે એક ખાનગી સ્કુલ પાસે સીટી એ પોલીસે પ્લાસ્ટીક દાણાના જથ્થામાં સંતાડી લઇ જવાતા દારૂના સાંઇઠ પેટીથી વધુ જથ્થા સાથે ચાલક, કિલનર અને પાયલોટીંગ કરનારા રાજકોટના કાર ચાલકને દબોચી લીધો છે.જેની પોલીસે સઘન પુછપરછ હાથ ધરી છે. દારૂનો જથ્થો જામનગર પંથકના શખ્સને સપ્લાય કરવાનો હોવાનુ જાણવા મળ્યુ છે.

ખાનગી સ્કુલ પાસે સીટી એ પોલીસે દારૂનો માતબર જથ્થો પકડી પાડ્યો
શહેરની ભાગોળે સીટી એના પીઆઇ એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. વી. મોઢવાડીયા અને સ્ટાફ પેટ્રોલિંગ કરી રહયો હતો જે વેળા હે.કો. સંદીપભાઈ ચુડાસમા અને યોગરાજસિંહ રાણા સહિતની ટીમને દારૂનો માતબર જથ્થો જામનગર તરફ આવી રહ્યો હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસએ ઠેબા બાયપાસ નજીક એક ખાનગી સ્કુલ પાસેના રોડ પર વોચ વોઠવીને શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક ટ્રકને આંતરી લીધો હતો. ટ્રકની તલાશી લેતા પ્લાસ્ટીક દાણાના બાચકા નીચે છુપાવીને દારૂનો જથ્થો લઇ જવાતો હોવાનુ ખુલ્યુ હતુ.આથી પોલીસે તેના ચાલક રાજેશ રવુભા કંચવા અને કિલનર રવિરાજસિંહ નિરૂભા જાડેજાને દબોચી લીધા હતા અને ટ્રકમા઼ તપાસણી દરમિયાન સાંઇઠ પેટીથી વધુ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જયારે ટ્રક આગળ એક ઇકો કાર પણ પાયલોટીંગ કરી રહી હોવાનુ ખુલ્યુ હતુ.પોલીસે ઇકો કારના ચાલક રાજકોટના સતિષ રસીકભાઇ વિશાણીને પકડી પાડી દારૂનો જથ્થો,ટ્રક અને કાર સહિતનો મુદામાલ કબજે લીધો હતો.પ્રાથમિક પોલીસ પુછપરછ દરમિયાન દારૂનો જથ્થો જામનગર પંથકના એક શખ્સને સપ્લાય કરવાનો હોવાનુ જાણવા મળ્યુ છ. આ જથ્થો દમણ તરફથી લાવવામાં આવી રહયો હોવાનુ સામે આવ્યુ છે.પોલીસે ત્રિપુટીની સધન પુછપરછ સાથે તપાસ આગળ ધપાવી છે.

અહેવાલ સાગર સંઘાણી, જામનગર,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here