અમરનાથ યાત્રા પર આતંકવાદી હુમલાનો ખતરો રાજનાથ સિંહે કર્યાં બાબા બર્ફાનીનાં દર્શન
શ્રીનગર | (જી.એન.એસ.) સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરના બે દિવસીય પ્રવાસ પર છે. ગયા શુક્રવારે લદ્દાખમાં રાજનાથ સિંહે જવાનો સાથે મુલાકાત કરી ગલવાન ઘાટીમાં શહીદ થયેલા જવાનો વિશે વાત કરી હતી. ગઈ કાલે રાજનાથ સિંહે અમરનાથ મંદિરની મુલાકાત લઈ બાબા બર્ફાનીનાં દર્શન કર્યાં હતાં.
આ દરમિયાન એલજી જીસી મુર્મૂએ આગામી અમરનાથ યાત્રાની તૈયારીઓ અને નવા ગઠિત કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષા સ્થિતિ વિશે રાજનાથને માહિતી આપી હતી. રાજનાથ સિંહ સાથે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવાણે હાજર રહ્યા હતા.
આ પહેલાં રાજનાથ સિંહે શ્રીનગરમાં ચિનાર કૉર્પ્સના કમાન્ડરની સાથે બેઠક કરીને સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી હતી. રાજનાથ સિંહ જમ્મુ-કાશ્મીર સરહદની સુરક્ષાને લઈને સંતુષ્ટ જણાયા. તેમણે સેનાને કહ્યું કે દુશ્મનોની કોઈ પણ નાપાક હરકતનો મુકાબલો કરવા માટે હંમેશાં સતર્ક રહેવું જરૂરી છે.
જોકે મળતી માહિતી મુજબ ચાલુ વર્ષે અમરનાથ યાત્રા દરમિયાન આતંકવાદી હુમલો થવાની સંભાવના છે. આ અંગે સેનાએ કહ્યું છે કે, આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રાળુઓને નિશાન બનાવી શકે છે.