- શહેર જિલ્લામાં મૃત્યુઆંક 446 અને કુલ 6613 રિકવર થયા
- શહેરની સાથે જિલ્લામાં પણ કેસમાં વધારો, આંક 1771 થયો
સુરત. શહેરમાં કોરોનાના સંક્રમણમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા દસ હજારને પાર કરી 10287 થઈ ગઈ છે. જ્યારે આજે સિવિલ હોસ્પિટલના એક હેડ નર્સનું કોરોનાથી મોત થયું છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃત્યુઆંક 446 થઈ ગયો છે. ગત રોજ શહેર જિલ્લામાં વધુ 222 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા 6613 પર પહોંચી ગઈ છે.
12 દિવસથી દાખલ હેડ નર્સનું કોરોનાથી મોત
સુરત સિવિલ હોસ્પિટલના એક હેડ નર્સનું કોરોના વાયર્સમાં સપડાયા બાદ મૃત્યુ થયું છે. રશ્મિતાબેન પટેલ (ઉ.વ. 57, રહે. સ્ટાફ ક્વાર્ટસ, સુરત નર્સિંગ કમ્પાઉન્ડ) શરદી, ખાસી, તાવ અને શરીરના દુઃખાવાને લઈ સિવિલમાં દાખલ કરાયા હતા. દરમિયાન તેમને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી 12 દિવસથી સિવિલ MICUમાં દાખલ હતા અને આજે મૃત્યુ થયું છે. જેથી પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે. જ્યારે હવે મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફના મૃત્યુને લઈ કર્મચારીઓ ચિંતિત થઈ ગયા છે.
DGVCLના કર્મચારી, ગુજરાત ગેસના કર્મચારી સંક્રમિત
રાંદેર વિસ્તારમાં રહેતા ટોરેન્ટ પાવરના એન્જિનિયર, રાંદેર વિસ્તારમાં રહેતા ટોરેન્ટ પાવરના અન્ય કર્મચારી તેમજ વરાછા વિસ્તારમાં રહેતા ટોરેન્ટ પાવરના એન્જિનિયર અને ઉધના વિસ્તારમાં રહેતા ટોરેન્ટ પાવરના મીટર ઈન્સ્પેક્ટર સંક્રમિત થયા છે. તેવી જ રીતે રાંદેર વિસ્તારમાં રહેતા L&Tના એન્જિનિયર, ઉધના વિસ્તારમાં રહેતા ગુજરાત ગેસ કંપનીના ટેક્નિશિયન અને સાઉથ વેસ્ટ ઝોન વિસ્તારમાં રહેતા અને DGVCLમાં કીમ ખાતે ફરજ બજાવતા કર્મચારી પણ સંક્રમિત થયા છે.
સિવિલ-સ્મીમેર અને પાલિકાના ડોક્ટર અને નર્સ સંક્રમિત
સિવિલ કેમ્પસમાં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા બે તબીબ, વરાછા વિસ્તારમાં રહેતા અને સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ, કતારગામ વિસ્તારમાં રહેતા ખાનગી હોસ્પિટલના તબીબ તેમજ પાલિકાના વેસ્ટ ઝોનમાં ફરજ બજાવતા તબીબ અને પાલિકાના સાઉથ ઝોનમાં ફરજ બજાવતા તબીબ સંક્રમિત થયા છે. તેવી જ રીતે રાંદેર વિસ્તારમાં રહેતા અને સિવિલના સ્ટોરમાં ફરજ બજાવતા ક્લાર્કને પણ ચેપ લાગ્યો છે. જ્યારે સિવિલ કેમ્પસમાં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સ, રાંદેર વિસ્તારમાં રહેતા અને સ્મીમેરમાં ફરજ બજાવતા નર્સ, વરાછા વિસ્તારમાં રહેતા અને સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સ અને સાઉથ ઝોન વિસ્તારમાં રહેતા અને સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતા વોર્ડ બોય પણ સંક્રમિત થયા છે.
સાંસદ દર્શના જરદોષના PAને પણ કોરોનાનો ચેપ લાગ્યો
શહેરના સાંસદ દર્શના જરદોષના પર્સનલ આસીસ્ટન્ટને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. કોરોનાના લક્ષણો જણાતા તેમની તપાસ કરવામાં આવી હતી. જેનો રવિવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેમને હોમ આઈસોલેશનમાં સારવાર આપવામાં આવી રહી છે.
પાલિકાના ક્લાર્ક, SI, SSI પણ સંક્રમિત
પાલિકાના લિંબાયત ઝોનના ક્લાર્ક પણ સંક્રમિત થયા છે. તેવી જ રીતે મોટા વરાછા વિસ્તારમાં ફરજ બજાવતા પાલિકાના સેનેટરી ઈન્સ્પેક્ટર તેમજ ઉધના સાઉથ ઝોનમાં ફરજ બજાવતા SSI પણ સંક્રમિત થયા છે. તેવી જ રીતે લિંબાયત ઝોનની સમિતિની સ્કૂલના પ્રિન્સિપાલ અને ટીચર પણ સંક્રમિત થયા છે.