રાજકોટમાં કોરોનાથી 3ના મોત, જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા 1 હજારને પાર

0
513
દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની કાર્યવાહી હાથ ધરીઉનામાં બેંક કર્મચારીને પોઝિટિવ રિપોર્ટ આવતા આજે બેંક બંધ કરવામાં આવી

રાજકોટ. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજે ત્રણ દર્દીના કોરોનાથી મોતી નીપજ્યા છે. જેમાં ગોંડલના  ગુંદાળા રોડ રામેશ્વર પાર્કમાં રહેતા પાનીબેન પરસોત્તમભાઇ (ઉં.વ.75)નો સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1 હજારને પાર થઇ ગઇ છે. 

રાજકોટ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1017 થઇ
રાજકોટમાં રવિવારે વધુ 49 કેસ આવતા કુલ આંક 1017 થયો છે. તેથી હવે રાજકોટ કોરોનાની બાબતમાં સુરક્ષિત છે તે કહેવું તંત્ર માટે અઘરૂં પડશે. રવિવારે વધુ 5 મોત સાથે  કુલ મોતનો આંક 76 થયો છે. જેમાંથી રાજકોટ જિલ્લાના 50 છે. રવિવારે જે નવા 49 કેસ નોંધાયા છે. તેમાં 38 રાજકોટ શહેર જ્યારે 11 રાજકોટ ગ્રામ્યમાં નોંધાયા છે. હોસ્પિટલમાં હજુ પણ રાજકોટ તેમજ અન્ય જિલ્લા સહિત કુલ 254 (94 ખાનગી હોસ્પિટલ) સારવાર લઈ રહ્યાં છે. જેમાંથી 23 વેન્ટિલેટર પર છે. નજીવા લક્ષણો ધરાવતા 40ને કોવિડ કેર સેન્ટરમાં રખાયા છે. જ્યારે રવિવારે વધુ 42ને ડિસ્ચાર્જ કરાયા. છેલ્લા 15 દિવસમાં જે રીતે કેસનો ઉછાળો આવ્યો છે. તેના કારણે હોસ્પિટલની સંખ્યા વધે તે માટે પ્રયાસો શરૂ થયા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં હોસ્પિટલ માટે પ્રયાસ થઈ રહ્યાં છે. 

ઈન્ફેક્શન કંટ્રોલ વધારવાની જરૂર-એક્સપર્ટ 
રાજકોટમાં કેસની સંખ્યા હવે 1000 કરતા પણ વધી ગઈ છે. બેડની સંખ્યા વધારવામાં આવી રહી છે. પણ જેટલા બેડ હશે તે તુરંત ભરાઈ જશે કારણ કે, ઈન્ફેક્શન કંટ્રોલ માટે લોકો જાગૃત નથી. કોઈ એવું ઘર કે કામનું સ્થળ કે પછી મિત્ર વર્તુળ જેમાં 10 લોકો છે અને તેમાંથી 7 ખૂબ જ કાળજી રાખે છે અને 3 નથી ધ્યાન આપતા તો તેઓ 7ની મહેનત પર પાણી ફેરવી શકે છે. આથી બેડની સંખ્યા વધારવા કરતા ઈન્ફેક્શન કંટ્રોલની કામગીરી પર વધુ ધ્યાન આપવું જોઈએ. 
– ડો. જયેશ ડોબરિયા, ક્રિટિકલ કેર નિષ્ણાત

આરોગ્ય વિભાગે કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરી
આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે.