મુંબઈ. અમિતાભ બચ્ચન હાલમાં નાણાવટી હોસ્પિટલમાં કોરોનાવાઈરસની સારવાર કરાવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં બિગ બી એક્ટિવ છે. તેઓ સોશિયલ મીડિયામાં ક્યારેક ચાહકોનો તો ક્યારેક ડોક્ટર્સનો આભાર માનતા હોય છે. હાલમાં જ અમિતાભ બચ્ચને પિતાની એક કવિતા શૅર કરી હતી.
અમિતાભ બચ્ચને પિતાની કવિતા પોસ્ટ કરી
મૈં હૂં ઉનકે સાથ, ખડી જો સીધી રખતે અપની રીઢ,
કભી નહીં જો તજ સકતે હૈં
અપના ન્યાયોચિત અધિકાર,
કભી નહીં જો સહ સકતે હૈં
શીશ નવાકર અત્યાચાર,
એક અકેલે હોં યા ઉનકે
સાથ ખડી હો ભારી ભીડ,
મૈં હૂં ઉનકે સાથ, ખડી જો સીધી રખતે અપની રીઢ. – હરિવંશરાય બચ્ચન
આ એમના માટે જે આપણી સુરક્ષા કરે છે.
આ પહેલાં પરિવારની તસવીર શૅર કરી ચાહકોનો આભાર માન્યો હતો
અમિતાભે સન્ડે દર્શનની એક તસવીર શૅર કરી હતી, જેમાં તે દીકરા અભિષેક, પૌત્રી આરાધ્યા તથા પુત્રવધૂ ઐશ્વર્યા રાય સાથે જોવા મળે છે. આ તસવીર શૅર કરીને બિગ બીએ કહ્યું હતું, ‘અમે તમારો પ્રેમ જોઈ શકીએ છીએ, અમે તમારી પ્રાર્થના સાંભળીએ છીએ, અમે હાથ જોડીને તમારો આભાર વ્યક્ત કરીએ છીએ.’
ઐશ્વર્યા-આરાધ્યાની તબિયતમાં સુધારો
ઐશ્વર્યા તથા આરાધ્યાને શુક્રવાર (17 જુલાઈ)ની સાંજે નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. બંનેમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યાં હતાં. સૂત્રોના મતે, હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ ઐશ્વર્યાનો તાવ ઓછો થયો અને ગળાના ઇન્ફેક્શનમાંથી પણ રાહત છે. તેની તબિયત સ્થિર છે. આરાધ્યાને હવે તાવ નથી. બંનેને આઇસોલેશન વોર્ડમાં ડો. બર્વે અને ડો. અંસારીની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. આ બંને ડોક્ટર્સ જ ઘણા સમયથી બચ્ચન પરિવારના મેડિકલ કન્સલ્ટન્ટ છે. ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા અને આરાધ્યાનો કોરોના રિપોર્ટ 12 જુલાઈ, રવિવારે પોઝિટિવ આવ્યો હતો. તે સમયે બંનેમાં કોરોનાના કોઈ લક્ષણો જોવા મળ્યાં નહોતાં અને તેથી જ બંને ઘરમાં ક્વૉરન્ટીન હતાં. 17 જુલાઈ, શુક્રવારે અચાનક બંનેની તબિયત બગડતા પરિવાર ચિંતિત થઇ ગયો અને તેમને હોસ્પિટલમાં એડમિટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સૌ પહેલાં સાંજે 6 વાગ્યાની આસપાસ પહેલાં આરાધ્યાને હોસ્પિટલ ખસેડવામાં આવી ત્યારબાદ 8:30 વાગ્યે ઐશ્વર્યાને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેનો સિટી સ્કેન કરવામાં આવ્યો હતો.
11 જુલાઈએ અમિતાભ-અભિષેકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો
11 જુલાઈ, શનિવારે અમિતાભનો એન્ટિજન ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમનામાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળ્યા હતા. તેમને તાવ હતો અને ઓક્સિજન લેવલ પણ ઘટી ગયું હતું. અભિષેક બચ્ચન એકદમ એસિમ્પ્ટોમેટિક હતો અને કોઈ લક્ષણ જોવા મળ્યા નહોતા. તેમ છતાં સાવચેતી માટે તે હોસ્પિટલમાં એડમિટ થઇ ગયો. બચ્ચન પરિવારમાં માત્ર જયા બચ્ચનનો જ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
આજે હોસ્પિટલમાં અમિતાભ અને અભિષેકનો દસમો દિવસ
અમિતાભ અને અભિષેક હોસ્પિટલમાં એડમિટ થયાને નવ દિવસ પસાર થઇ ગયા છે. ગયા શનિવારે હળવા લક્ષણો દેખાયા બાદ 44 વર્ષીય અભિષેક જાતે ગાડી ચલાવીને પિતા સાથે નાણાવટી હોસ્પિટલમાં એડમિટ થયો હતો. બંનેએ કોવિડ પોઝિટિવ હોવાની વાત ટ્વિટર પર શૅર કરી હતી.