પશ્ચિમ રેલવેની LHB કોચ ધરાવતી તમામ ટ્રેનો 130ની સ્પીડે દોડશે, મુંબઈ – વડોદરા વચ્ચે 26 મિનિટ બચાવશે

0
304
જરૂરી મેન્ટેનન્સ માટે મેગા બ્લોક લોકડાઉન દરમિયાન સમય મળી રહેતાં કામગીરી વધુ આસાન બનીવડોદરા-દિલ્હીની મુસાફરીમાં મુસાફરોનો 1 કલાક જેટલો સમય બચશે

વડોદરા. રેલવે દ્વારા આગામી સમયમાં રેલ વ્યવહાર પૂર્વવત થાય ત્યારે એલએલબી કોચના રેક ધરાવતી તમામ મેલ એક્સપ્રેસ ટ્રેન 130ની સ્પીડ પર ચલાવવાનો નિર્ણય કર્યો છે. જેનાથી મુંબઇ-વડોદરાની મુસાફરીમાં અંદાજે 26 મિનિટ જેટલો સમય બચશે. જ્યારે દિલ્હી-વડોદરાની ટ્રેન મુસાફરીમાં એક કલાક જેટલો સમય ઓછો લાગશે. કોરોના મહામારીના લોકડાઉન દરમિયાન રેલવે દ્વારા રચનાત્મક પ્રવૃત્તિ અને ઇનોવેટિવ કામ હાથ ધરવામાં આવ્યા હતા.

મુંબઈ -વડોદરા વચ્ચેની મુસાફરીમાં 26 મિનિટ જેટલો સમય બચાવશે
જે પૈકી પાર્સલ ટ્રેનના ઇનોવેશનને અભૂતપૂર્વ સફળતા મળી છે ત્યારે બીજી બાજુ રેલવેને સ્પીડ વધારવા માટેના જરૂરી મેન્ટેનન્સ માટે મેગા બ્લોક લોકડાઉન દરમિયાન મળી રહેતાં સિગ્નલિંગ, ટ્રેક અને કમ્યુનિકેશનમાં જરૂરી કામગીરી કરવામાં આવી હતી. રેલવે મંત્રાલય દ્વારા ટ્રેનોની સ્પીડ વધારવા માટે મંજૂરી પણ આપી દેવામાં આવી છે. હાલમાં તમામ શિડ્યૂલ ટ્રેનના રિ-શિડ્યૂલ અંગેની કામગીરી હાથ ધરવામાં આવી છે. વેસ્ટર્ન રેલવેની 70 ટકા ટ્રેનમાં એલએચબી કોચના રેક લગાવવામાં આવ્યા છે. 130ની સ્પીડે મુંબઈ -વડોદરા વચ્ચેની મુસાફરીમાં 26 મિનિટ જેટલો સમય બચાવશે. હાલ બરોડા એક્સપ્રેસ 7:30 કલાકમાં મુંબઈ પહોંચાડે છે. જ્યારે વડોદરા- દિલ્હી વચ્ચેની મુસાફરીમાં લોકોનો એક કલાક જેટલો સમય બચશે.

કામગીરી માટે 11 કલાકનો મેગા બ્લોક લેવાયો હતો
રેલવે દ્વારા મુંબઈમાં મીઠી નદી ઉપર આવેલ બ્રિજના ગડર બદલવા માટે 11 કલાકનો મેગા બ્લોક લેવામાં આવ્યો હતો તેમજ સુરત-ઉધના વચ્ચે બ્રિજનો ગડર બદલવામાં આવ્યો  હતો. આ સિવાય રેલવે ટ્રેકની બાજુમાં દીવાલ બનાવી ઢોરને આવતા અટકાવાયા તેમજ સિગ્નલિંગ સિસ્ટમને સમગ્ર રૂટ ઉપર અપડેટ કરવામાં આવી છે. ચેકિંગ દરમિયાન જોખમી જણાયેલા આરઓબી અને એફઓબી મેન્ટેનન્સ કરવામાં આવ્યું હતું.

રતલામથી લીમખેડા વચ્ચેનો પહાડી રસ્તો બાધક
વડોદરાથી દિલ્હીના રૂટમાં રતલામ સુધી રાજધાની એક્સપ્રેસ 130ની સ્પીડે ચાલે છે ત્યારબાદ લીમખેડા સુધી 110 અને લીમખેડા બાદ માત્ર 100ની સ્પીડે ટ્રેન ચલાવવી પડે છે. સમગ્ર રૂટ ઉપર પહાડી વિસ્તાર આવેલો હોવાથી સ્પીડ મળતી નથી. જેથી આ રૂટ ઉપર માત્ર એક કલાક બચશે.

ઝીરો બેઝ ટાઇમ ટેબલ પર કામગીરી થઇ રહી છે
રેલવે મંત્રાલય દ્વારા 130ની સ્પીડ માટે મંજૂરી આપવામાં આવી છે. શિડ્યૂલ ટ્રેન જ્યારે શરૂ થશે ત્યારથી આ મુજબ ટ્રેન ચલાવવામાં આવશે. વેસ્ટર્ન રેલવે દ્વારા ઝીરો બેઝ ટાઈમ ટેબલ ઉપર કામગીરી થઇ રહી છે. રેલવે દ્વારા હાલમાં તમામ શિડ્યૂલ ટ્રેનના રિ-શિડ્યૂલ અંગે કામગીરી હાથ ધરવામાં આવી છે. તમામ ટ્રેનોના શિડ્યૂલ બદલાશે. >  સુમિત ઠાકુર, સી.પી.આર.ઓ., પશ્ચિમ રેલવે

વડોદરાથી 67 ટ્રેનમાં lhb રેક

  • વડોદરા રેલવે સ્ટેશનથી 97 એક્સપ્રેસ ટ્રેન પસાર થાય છે, જેમાં રાજધાની ટ્રેન સામેલ કરીએ તો 107 ટ્રેન થાય છે.
  • રેલવે દ્વારા તબક્કાવાર તમામ ટ્રેનોમાં એલએચબી રેડ લગાવવામાં આવશે.
  • સાદા કોચ ધરાવતી ટ્રેનોની મહત્તમ સ્પીડ 110 હોય છે.