પિયર જવાના મુદ્દે પતિ-પત્ની વચ્ચે અવાર-નવાર ઝઘડા થતાં હતાંક્રાઈમ પેટ્રોલ જોઈને પતિને મારવા માટે પ્લાન ઘડ્યો, પહેલા પતિ બચી ગયો તો બીજી વાર આંખે પાટા બાંધીને મારી નાખ્યો
ગાંધીનગર. સેક્સ, સસ્પેન્સ અને સરેન્ડર જેવી કહાનીઓ માત્ર ટીવી સિરિયલ કે ફિલ્મમાં જોવા મળે છે એવું નથી. આવી ઘટનાઓ વાસ્તવિક જીવનમાં પણ બને છે. ગાંધીનગરમાં પત્નીએ તેના પતિને ઝેર આપ્યું પણ તે મર્યો નહીં એટલે ક્રાઇમ સિરિયલના પ્લોટની જેમ પત્નીએ પતિ સાથે બેડરૂમમાં મીઠી મીઠી વાતો કરી આંખે પાટા બાંધવાની રમત રમી હતી. પતિ પણ પત્નીની વાતોમાં આવીને આંખે પાટા બાંધી દેતા તરત જ પત્નીએ ચાકુ કાઢીને પતિના પેટ ઉપરાછાપરી ઘા મારીને આંતરડા બહાર કાઢી નાખ્યા હતા. રોજ ક્રાઇમ પેટ્રોલ અને CID જેવી સિરિયલ જોવાના કારણે પત્નીએ હત્યા બાદ પુરાવા નાશ કરવા માટે પણ પ્રયત્નો કર્યા હતા. હાલ પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી લીધી છે.

10 દિવસ પહેલા ગાંધીનગર દંપતી ભાડાના મકાનમાં રહેવા આવ્યું હતું
ભલભલાના રૂંવાડા ઊભા કરી દે એવી કહાની ગાંધીનગરમાં બની છે. જનમ જનમ એકબીજાની સાથે રહેવાની સોગંધ ખાનાર પતિ-પત્ની વચ્ચે એવું કંઈક બન્યું કે એકને અન્યની હત્યા કરવાનો વિચાર આવ્યો હતો. ગાંધીનગરમાં રહેતા મૂળ બનાસકાંઠાના થરાદ પાસેના વાકજી ચૌધરી અને તેની પત્ની ઉમિયા ચૌધરી 10 દિવસ પહેલા ભાડે મકાન રાખીને રહેતા હતા.
પિયર જવાના મુદ્દે બંને વચ્ચે ઝઘડા થતાં
પત્ની વારે ઘડીએ પિયર જતી હોવાથી પતિ તેને આમ ન કરવા રોકતો હતો. પરંતુ નાની મોટી બાબત ઘરમાં જ શાંત થઈ જતી હતી. 14મી જુલાઈની રાતે ઉમિયાએ વાકજીને કહ્યું કે, આપણી વચ્ચે ઝઘડો થાય છે અને ઘરમાં આર્થિક સમસ્યા પણ છે. હું તમારા માટે ભભૂત લાવી છું. આ ખાઈ લો બધી બાબત શાંત થઈ જશે.
ભભૂતના નામે ઉંદર મારવાની દવા આપી
પત્નીએ ભભૂત આપતા પતિ પણ ખાવા માટે તૈયાર થઈ ગયો હતો. પણ એ ભભૂત નહીં ઉંદર મારવાની દવા હતી. પતિને ભૂભતના નામે પત્નીએ આપેલા ઝેરની 2 કલાક સુધી કોઈ અસર થઈ ન હતી. જેથી પત્નીને ચિંતા વધી કે જો પતિને ખબર પડશે તો શું થશે? જેથી તેણે રોજ ક્રાઈમની ઘટનાઓની ટીવી સિરિયલ જોઈ હતી. તેના આધારે એવા જ કોઈ એપિસોડનો પ્લોટ વિચારીને પતિ સાથે પ્રેમભરી વાતો કરવા લાગી હતી.
આંખે પાટા બાંધવાની રમતનો પ્લાન ઘડ્યો
થોડીવાર બાદ તેણે પતિની આંખો પર પાટા બાંધીને એક રમત રમવા માટે કહ્યું હતું. જેથી પતિ પણ તૈયાર થઈ ગયો હતો. થોડીવાર પ્રેમભરી વાતો કરતી ઉમિયાએ તેના પતિને બીજી વાતે ચડાવીને એક તિક્ષ્ણ ચાકુ તેના પતિના પેટમાં માર્યું અને ઉપરાઉપરી ઘા કરવા લાગી હતી. જેથી તેના પતિના આંતરડા પેટ બહાર આવી ગયા હતા.
હત્યા બાદ પુરાવા નાશ કરવા પ્રયાસ
પતિના મોત બાદ તેણે પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ હથિયારને પાણીથી ધોઈ નાખ્યું હતું. પછી ઉમિયાએ તેના પિતાને ફોન કર્યો અને તેના પતિની તબિયત સારી નથી તેમ જણાવ્યું હતું. થોડીવાર બાદ પોલીસ પણ ત્યાં પહોંચી અને વાકજી લોહીના ખાબોચિયામાં લથપથ પડ્યો હતો. પોલીસે ઉમિયાને પૂછ્યું હતું પણ જવાબ આપતી ન હતી. પરંતુ આખરે કડક પૂછપરછમાં ઉમિયાએ પોલીસને તમામ વાત જણાવી દીધી હતી.