સૌરાષ્ટ્રના તમામ શિવાલયોમાં દર્શન માટે ભક્તોએ માસ્ક પહેરવું ફરજિયાતસોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન માટે વ્યવસ્થા કરવામાં આવી
રાજકોટ. કોરોના મહામારીને કારણે સંક્રમણ વધે નહીં તે માટે સૌરાષ્ટ્રના અમુક મંદિરોમાં દર્શન માટે ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આવતીકાલ મંગળવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના મંદિરોમાં ભક્તો ભોલેનાથ સમીપ નહીં જઇ શકે. મંદિર દ્વારા બહાર પાડવામાં આવેલા નિયમો ભક્તોએ પાળવાના રહેશે. જેમાં માસ્ક ફરજિયાત પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી છે. શિવભક્તો શિવલિંગ પર ના દૂધ ચઢાવી શકે કે ના અભિષેક કરી શકે.

રાજકોટના શિવાલયોમાં શ્રાવણ માસને લઇને તૈયારી કરવામાં આવી
શ્રાવણ માસને લઇને રાજકોટના પૌરાણિક મંદિર રામનાથ મહાદેવ મંદિર અને પંચનાથ મહાદેવ મંદિરમાં તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં મંદિરમાં ત્રણ ફૂટ દૂરથી જ દર્શન થઇ શકશે. દર્શન કરીને તાકીદે ભક્તોએ નીકળી જવાનું રહેશે. કોઈ દુધ નહીં ચડાવી શકે કે અભિષેક નહીં કરી શકે. માત્ર દૂરથી ભક્તોએ દર્શન કરવાના રહેશે. કોઈ ભક્ત પૂજા પણ નહીં કરી શકે. આવું રામનાથ મહાદેવ મંદિરના પૂજારી દ્વારા જણાવવામાં આવ્યું છે.
ભાવનગરના તખ્તેશ્વર મહાદેવ મંદિરમાં તૈયારી કરાઈ
વર્ષો પહેલા ભાવનગરના રાજવી તખ્તસિંહજીની યાદમાં ટેકરી પર તખ્તેશ્વર મહાદેવજી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આવતીકાલથી શ્રાવણ માસનો પ્રારંભ થઇ રહ્યો છે. ભક્તો માટે શ્રાવણ માસમાં શિવજીની પૂજા અર્ચનાનું આગવું મહત્વ રહેલું છે. ત્યારે કોરોના મહામારીમાં સંક્રમણ ન વધે તે માટે તખ્તેશ્વર મહાદેવ મંદિર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરના પૂજારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, તમામ દર્શનાર્થીઓએ ફરજિયાત માસ્ક પહેરીને અને સેનિટાઈઝ કરીને પ્રવેશ આપવામાં આવશે. દર્શનાર્થીઓને દર્શન કરવા માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે. મહાદેવજીને દૂધ અને જલાભિષેક માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ગર્ભગૃહમાં પ્રવેશ કર્યા વગર ભક્તો બહાર ઉભા રહીને અભિષેક કરી શકશે.
સોમનાથ મંદિરમાં દર્શનની વ્યવસ્થા
સોમનાથ મંદિરમાં મહાદેવના દર્શન કરવા માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. શનિ, રવિ, સોમ તેમજ તહેવારોના દિવસોમાં સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં દર્શનનો સમય સવારે 6-00 થી 6-30, 7-30 થી 11-30, બપોરે 12-30 થી 6-30, અને સાયં 7-30 થી રાત્રે 9-15 સુધીનો રાખવામાં આવ્યો છે. મહત્વનું છે કે સામાન્ય દિવસોમાં સવારે 7:30 થી 11:30 અને બપોરે 12:30 થી 6:30 વાગ્યા સુધીનો હતો. પરંતુ તહેવારોને ધ્યાનમાં લઈને સોમનાથ મંદિરના ટ્રસ્ટે દર્શનાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે.