વિજય રૂપાણીએ ગાંધીનગરથી થાનગઢના 416 આવાસો અને પાટડી તાલુકા સેવાસદનનું ઈ-લોકાર્પણ કર્યુ

0
361

ગાંધીનગર. વિજય રૂપાણીએ સુરેન્દ્રનગરની થાનગઢ નગરપાલિકાએ રૂ. 18.17 કરોડના ખર્ચે નિર્માણ કરેલા 416 આવાસો અને પાટડી-દસાડા તાલુકા સેવાસદનના રૂ. 9.96 કરોડના ખર્ચે નવનિર્મિત સુવિધાસભર ભવનનું ઇ-લોકાર્પણ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સથી કર્યુ હતું.  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ગરીબ, વંચિત, શોષિત અને ઘરવિહોણા લોકોને પાકું સુવિધાયુકત આવાસ છત્ર મળે તે માટે રાજ્ય સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં છેલ્લા ત્રણ વર્ષમાં 10 લાખ આવાસો નિર્માણ કર્યા છે.

માળખાકીય સુવિધા સરકારની પ્રાથમિકતા

આ સંદર્ભમાં વિજય રૂપાણી કહ્યું કે, આવાસ યોજનાઓમાં માત્ર માથે છત જ નહીં, લાઇટ, શૌચાલય, પાણી અને પાકા રસ્તાઓ સાથેના સુવિધાસભર આવાસો આ સરકારે પૂરાં પાડ્યા છે. આવા આવાસો ગરીબ, અંત્યોદય પરિવારોને આપીને તેમનું જીવન ધોરણ ઊંચું આવે તેમને પણ વ્યવસ્થાઓનો લાભ મળે તેવી માળખાકીય સુવિધાઓને સરકારે પ્રાથમિકતા આપી છે. હરેક માનવીને ઘરના ઘરનું સપનું હોય છે. ગરીબ-વંચિત માનવીનું એ સપનું સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ અને મુખ્યમંત્રી આવાસ યોજના આશિર્વાદરૂપ બની છે.

તાલુકા સેવાસદનમાં રજૂઆતો અને પ્રશ્નોનો ઝડપી નિકાલ થશે

મુખ્યમંત્રીએ  રૂ. 9.96 કરોડના આ ભવનનો પ્રજાર્પણ કરતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, પાટડી-દસાડાના નવનિર્મિત તાલુકા સેવાસદનનું ભવન ગરીબ, સામાન્ય માનવીની રજૂઆતો-પ્રશ્નોના ઝડપી નિકાલ અને ભ્રષ્ટાચાર રહિત પારદર્શી શાસન વ્યવસ્થાના વર્કકલ્ચરનું કેન્દ્ર બનશે. સરકારની યોજનાઓ છેક ગ્રામીણસ્તર સુધી, છેવાડાના માનવી સુધી સુપેરે પહોંચે તે હેતુસર જિલ્લા-તાલુકા અને ગ્રામ્યકક્ષા સુધી યોજનાઓના અમલનું ડિસેન્ટ્રલાઇઝેશન-વિકેન્દ્રીકરણ કરીને પ્રધાનમંત્રીના નયા ભારતના નિર્માણને પાર પાડ્યું છે.

નરેન્દ્ર મોદીના વખાણ કર્યા

તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળથી જ આખું વર્કકલ્ચર – કાર્યસંસ્કૃતિ લોકોને સમર્પિત બને અને પ્રજાજનોના કાર્યો ઝડપી-થાય તેવી નેમ સાથે અદ્યતન સુવિધાસભર ભવનોના નિર્માણથી ઊભું કર્યુ છે તેને આપણે વધુ સુદ્રઢતાથી આવા વધુ ભવનો દ્વારા આગળ ધપાવી રહ્યા છીયે. રાજ્ય અને કેન્દ્ર સરકાર ગરીબ, પીડિત, શોષિત, વંચિતો, નિરાધાર વૃદ્ધો, દિવ્યાંગો હરેક માટે કલ્યાણ યોજનાઓથી સર્વાંગી જનહિતના ભાવ સાથે કર્તવ્યરત છે તેની વિશદ છણાવટ કરી હતી. 

આવાસના લાભાર્થીઓને શુભેચ્છાઓ આપી

તેમણે કહ્યું કે, ઘર-ઘર શૌચાલય, જનધન યોજનાથી ગરીબોને આર્થિક સહાય, નિરાધાર-વિધવા-દિવ્યાંગ પેન્શન, આયુષ્યમાન ભારત, મા-અમૃત્તમ, વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અને ગરીબ-જરૂરતમંદોને રાહતદરે અનાજ જેવી યોજનાઓથી આપણે અંત્યોદય ઉત્થાન અને રામરાજ્યની કલ્પના સાકાર કરવી છે. મુખ્યમંત્રીએ આવાસ લાભાર્થીઓને ઉજ્જવળ ભાવિની શુભેચ્છાઓ અને તાલુકા સેવાસદનથી કર્મયોગીઓને જનસેવા-લોકહિત કામો માટે આપીને અગ્રેસર બનાવવાની શુભેચ્છાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here