5 દિવસ ઉના બંધ રહેશે, બજારોમાં ખરીદી કરવા લોકોની પડાપડી, સાસણ ગીરમાં ચાર દિવસ સ્વયંભૂ લોકડાઉન

0
394
  • ઉનામાં ખરીદી કરવા આવેલા લોકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો
  • જૂનાગઢના MLA ભીખાભાઇ જોશીએ કલેક્ટરને લોકડાઉનની માંગ સાથે પત્ર લખ્યો

ગીર સોમનાથ. ઉનામાં લોકલ સંક્રમણને લઈ દિન પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસનો આંકડો વધી રહ્યો છે. ત્યારે લોકલ સંક્રમણને અટકાવા ઉના નગરપાલિકા તથા વેપારી અસોસિએશન દ્વારા ઉનામાં 21થી 25 જુલાઇ સુધી જનતા કર્ફ્યુનું એલાન કરવામાં આવ્યું છે. આજે ઉનાના લોકો જીવન જરૂરી ચીજવસ્તુ લેવા બજારોમાં પડાપડી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે. ખરીદીની લ્હાયમાં લોકો સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતા. મોટાભાગના લોકો માસ્ક વિના જ ખરીદી કરતા નજરે પડ્યા હતા. સાસણ ગીરમાં ચાર દિવસ સ્વયંભૂ લોકડાઉન રહેશે.

જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશીએ લોકડાઉનની માંગ સાથે કલેક્ટરને પત્ર લખ્યો
જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશીએ જૂનાગઢ કલેક્ટરે પત્ર લખ્યો છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, જૂનાગઢ શહેરમાં હાલ કોરોના સંક્રમણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધતું જાય છે. રોજના 15થી 20 પોઝિટિવ કેસ આવે છે. છેલ્લા 10 દિવસમાં 150 કેસ નોંધાયા છે. આ સંક્રમણ રોકવા વહેલી તકે જૂનાગઢ શહેરમાં લોકડાઉન અથવા આંશિક લોકડાઉન લાગુ કરવા માંગ છે.  તેમજ સુરત, વડોદરા અને અન્ય રાજ્યમાંથી આવતા કોકોનું સાબલપુર ચેકપોસ્ટ પર થર્મલ સ્કેનિંગ અને તમામ પ્રકારની આરોગ્ય ચકાસણી થાય અને બહારથી આવતા લોકો દ્વારા સંક્રમણ રોકવા યોગ્ય કાર્યવાહી કરવા માંગ છે.

સાસણ ગીર 4 દિવસ બંધ રહેશે
સાસણ ગીરમાં ચાર દિવસ સયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સાસણ  ગીરમાં કાલથી ચાર દિવસીય લોકડાઉન માટે નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાના વધતા કેસોને લઈને ગ્રામ પંચાયત,  વેપારી મંડળ અને વન વિભાગની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here