મોદી-શાહની રાજકીય કોર કમિટીના સભ્ય એવા સી આર પાટીલને ગુજરાત ભાજપના પ્રમુખનો શિરપાવ

0
361

ભાજપ હાઈ કમાન્ડે આપ્યો નવા રાજકીય સમીકરણોનો નિર્દેશ, વર્ષોથી ચાલતો સૌરાષ્ટ્રનો દબદબો ઘટ્યોવર્ષો પહેલાં કાશીરામ રાણાને પ્રમુખપદ બાદ દક્ષિણ ગુજરાત ભાજપ માટે પછાત જેવું બની ગયું હતું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની નજીકના મનાતા અને મોદી-શાહની પોલિટિકલ કોર કમિટીના સભ્ય એવા સી. આર. પાટીલને હાઈ કમાન્ડે ભાજપના નવા પ્રમુખ બનાવીને ગુજરાતમાં નવા રાજકીય સમીકરણોની શરૂઆત કરી છે,  વર્ષો બાદ ગુજરાત ભાજપના પ્રમુખપદે સૌરાષ્ટ્રનો દબદબો પણ છીનવાઇ ગયો છે.

લોકસભા ચૂંટણીમાં શાહના સાથીદાર રહ્યા

2014 અને 2019ની લોકસભાની ચૂંટણી વખતે અમિત શાહના સાથીદાર બનીને ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ચૂંટણીના સંગઠનથી માંડીને વ્યૂહ રચના કરવામાં અગ્રેસર રહેલા એવા સી. આર. પાટીલને ભાજપ હાઈ કમાન્ડે એક નવી જવાબદારી ગુજરાત ભાજપના પ્રમુખની સોંપીને તેઓ મોદી-શાહના નજીક હોવાનું પુરવાર કર્યું છે.

મહારાષ્ટ્રથી ઉત્તર પ્રદેશ સુધી લોકસભા ચૂંટણીમાં મહેનત

લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્રથી માંડીને ઉત્તર પ્રદેશ સુધી ભાજપને જીતાડવા માટે સી. આર. પાટીલે ખૂબ મોટી પરંતુ પડદા પાછળની જવાબદારી સોંપવામાં આવી હતી. જેમાં સી. આર. પાટીલે સફળતા મેળવ્યા બાદ તેમને કેન્દ્રીય મંત્રી બનાવવા માટેની પણ ચર્ચા ચાલી હતી. પરંતુ સી. આર. પાટીલને કેન્દ્રીય મંત્રીને બદલે ગુજરાત ભાજપની સત્તા એટલે કે ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે.

હાઈ કમાન્ડનો નવા રાજકીય સમીકરણોનો નિર્દેશ

છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત ભાજપના પ્રમુખથી માંડીને ઉચ્ચ હોદ્દા પર સૌરાષ્ટ્રનું જ રાજ ચાલતું હતું, વર્ષો પહેલા દક્ષિણ ગુજરાતના કાશીરામ રાણાને ભાજપ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. તે પછી દક્ષિણ ગુજરાત ભાજપ માટે પછાત બની ગયું હતું. પરંતુ હવે, સી. આર. પાટીલને મૂકીને ભાજપના રાષ્ટ્રીય નેતાઓએ નવા રાજકીય સમીકરણોનો નિર્દેશ આપી દીધો છે.
સતત ત્રણ ટર્મથી સાંસદ
સી.આર.પાટીલે 2009માં નવસારી લોકસભા બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ પહેલીવાર લોકસભા ચૂંટણી લડી હતી. જેમાં તેમનો વિજય થયો હતો. ત્યાર બાદ 2014માં નવસારી લોકસભાની બેઠક પર ભાજપે ફરીથી સી.આર.પાટીલને ઉમેદવાર બનાવ્યા હતા. જેમાં તેમણે કોંગ્રેસનાં ઉમેદવાર મકસુદ મિર્ઝાને 5.58 લાખ મતોની સરસાઈથી પરાજિત કર્યા હતા. જેમાં સી.આર. પાટીલને કુલ 8,20,831 મત મળ્યા હતા. જ્યારે મકસુદ મિર્ઝાને ફક્ત 2,62,715 મત મળ્યા હતા. એટલું જ નહીં, સૌથી વધુ લીડથી જીત મેળવનાર સાંસદમાં સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે રહ્યા હતા. બે ટર્મ સાંસદ રહ્યા બાદ 2019માં પણ તેઓ નવસારી બેઠક પરથી ચૂંટણી લડ્યા અને ત્રીજીવાર સાંસદ બન્યા.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને સી.આર પાટીલને સુભેચ્છા પાઠવી.