આ ઓટોમેટિક થર્મલ સ્કેનર બોડી ટેમ્પરેચરનું એલર્ટ આપે ત્યારબાદ જ આગળ જઇ શકાય છે
અમદાવાદ. વિશ્વમાં હાલ કોરોના મહામારી ફેલાયી છે, ત્યારે આવી સ્થિતિમાં ભારતીય રેલ્વેના કર્મચારીઓ પણ આ વૈશ્વિક રોગચાળાને રોકવામાં પ્રયત્ન કરી રહ્યા છે. પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ દ્વારા એક નવીન પ્રયોગ કરીને બ્રોડગેજ કોચિંગ ડેપોના રેલ કર્મીઓ દ્વારા ઓટોમેટિક ઇન્ફ્રારેડ થર્મલ સ્ક્રિનિંગ ઉપકરણ તૈયાર કરવામાં આવ્યું છે.
સ્ટાફના બોડી ટેમ્પરેચરને ઓટોમેટિક રીતે માપવામાં સક્ષમ
આ અંગે મંડળ રેલના દીપક કુમાર ઝાએ રેલકર્મીઓ દ્વારા થર્મલ સ્કેનિંગ અંગે જણાવ્યું હતું કે, અમારા કર્મચારીઓ ઘણા કુશળ છે અને સંકટ સમયમાં પણ નવી શોધ કરતા રહે છે. આ દરમિયાન હમણાં જ અમદાવાદ સ્થિત બ્રોડગેજ કોચિંગ ડેપોના જુનિયર એન્જિનિયર પ્રભુલાલ બી.બઘેલ, ટેક્નિશિયન સર્વેશ ચૌહાન તથા હેલ્પર માતાદીન અને કમલેશ સૈનીએ એક એવું ઉપકરણ તૈયાર કર્યું છે. જે સ્ટાફના બોડી ટેમ્પરેચરને ઓટોમેટિક રીતે માપવામાં સક્ષમ છે.
બોડી ટેમ્પરેચર 99થી ઉપર જશે તો તે રેડ સિગ્નલ તથા ઓડિયો એલાર્મ વાગશે
આ કર્મચારીઓએ નોન-કોન્ટેક્ટ થર્મોમીટર, 10 વોલ્ટ ડીસી એડેપ્ટર, પીવીસી બોક્સ, રિલે, બઝર અને ડિસ્ટન્સ સેન્સરને જોડીને ઓટોમેટિક ઇન્ફ્રારેડ થર્મલ સ્ક્રિનિંગ ઉપકરણ તૈયાર કર્યું છે. જે વીજળી અથવા બેટરી બન્નેથી ચલાવી શકાય છે. આ ઉપકરણની સામે કોઈ કર્મચારી ઉભો રહેશે તો તે દૂરથી જ તેનું તાપમાન માપશે અને જો તેના શરીરનું તાપમાન 99 હશે, તો તે ગ્રીન સિગ્નલ બતાવશે અને 99થી ઉપર જશે તો તે રેડ સિગ્નલ બતાવશે તથા ઓડિયો એલાર્મથી પણ સૂચિત કરશે. આ ઉપકરણ ફક્ત 2800 રૂપિયામાં બનાવીને નોંધપાત્ર કાર્ય કર્યું છે.