7 ગામને પાલિકામાં સામેલ કરવાનો વિવાદ, સરપંચોના વિરોધ બાદ ગ્રામ પંચાયતોના રેકોર્ડ સીલ કરવાની કામગીરી મુલતવી

0
301
  • ઉંડેરા, ભાયલી, બીલ, સેવાસી, વડદલા, કરોળિયા અને વેમાલી ગામના વિરોધ વચ્ચે પાલિકામાં સમાવેશ કરાયો હતો
  • વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા બાદ રેકોર્ડ સીલ કરવા અંગેનો આખરી નિર્ણય લેવાશે

વડોદરા. વડોદરા મહાનગરપાલિકાની હદમાં સામેલ કરાયા બાદ જિલ્લા પંચાયત દ્વારા 7 ગ્રામ પંચાયતના રેકોર્ડ સીલ કરવાની કામગીરી હાથ ધરી હતી. દરમિયાન આજે તાલુકા પંચાયત ખાતે પહોંચેલા સરપંચોએ આ નિર્ણયનો વિરોધ કરતા હાલ પૂરતી કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે અને હવે  જિલ્લા પંચાયતની સામાન્ય સભા બાદ આખરી નિર્ણય લેવામાં આવશે.

7 ગામના સરપંચે વડોદરા તાલુકા પંચાયતની કચેરીમાં જઇને વિરોધ કર્યો
વડોદરા ગ્રામ્યની 7 ગ્રામ પંચાયતનો વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ કરાયો છે. આ વહીવટી પ્રક્રિયાના ભાગ સ્વરૂપે 7 ગામોના સરપંચ અને તલાટી હવે જે જૂના કામો ચાલુ છે, તે પૂરતુ જ કામ કરી શકશે, નવા કામો શરૂ કરી શકશે નહીં. સરપંચ અને તલાટીને પાલિકાના ધારાધોરણ મુજબ કામ કરવાનું રહેશે. વડોદરા જિલ્લા પંચાયતના અધિકારીઓને 7 ગ્રામ પંચાયતોમાં મોકલીને રેકોર્ડને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જોકે આ પ્રક્રિયા મામલે સાતેય ગામના સરપંચોએ વાંધો ઉઠાવ્યો હતો. અને આજે વડોદરા તાલુકા પંચાયતની કચેરી ખાતે ધસી જઇને આ નિર્ણયનો વિરોધ કર્યો હતો.

જિલ્લા પંચાયતની સામાન્ય સભામા આખરી નિર્ણય લેવાશે
બીલ ગામના સરપંચ જય ભટ્ટે રજૂઆત કરી હતી કે, આગામી 21 જુલાઇના જિલ્લા પંચાયતની સભામાં મળવાની છે, જેમાં જિલ્લા પંચાયતના આખરી નિર્ણય બાદ કાયદા મુજબ નિર્ણય લેવો જોઇએ.

જિલ્લા વિકાસ અધિકારીએ રેકોર્ડ સીલ કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો
તાલુકા પંચાયતની કચેરીએ તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કર્યાં બાદ તાલુકા વિકાસ અધિકારીએ આ અંગેની રજૂઆત જિલ્લા વિકાસ અધિકારી કિરણ ઝવેરી સુધી પહોંચાડી હતી અને અંતે જે આદેશ કરવામાં આવ્યો છે તેને મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ, જાહેરનામા મુજબ ટૂંક જ સમયમાં રેકોર્ડ આપવા જ પડશે તેવું તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here