
ત્રણ વ્યક્તિને ઇજા, 3 પૈકી 2 વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા રાજકોટ ખસેડાઈ
અમરેલી. અમેરલી-બગસરા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં એક જ પરિવારના 4 વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. મૃતકમાં સાસુ-વહુ અને બે બાળકોનો સમાવેશ થાય છે. મૃતક બંને બાળકો ભાઇ-બહેન હતા. જ્યારે 3 વ્યક્તિને ઇજા પહોંચતા 2ને ગંભીર ઇજા સાથે રાજકોટ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા છે. જ્યારે એક વ્યક્તિને અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. મૃતક તમામ ગાવડકા ગામમાં રહેતા હતા. એક જ કારમાં 7 લોકો સવાર હતા.
ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થયા
ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. તેમજ 108 મારફત ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા છે. 108ના EMTએ જણાવ્યું હતું કે, અમરેલી-બગસરા રોડ પર આ ઘટના બની હતી. આથી 108ને કોલ મળતા અમરેલીથી બે અને બગસરાથી એક 108 ઘટનાસ્થળે દોડી આવી હતી.