કોરોના વાઈરસનું સંક્રમણ વધતા સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં વધુ 350 બેડની સુવિધા ઉભી કરાશે

0
317

વડોદરા શહેર અને જિલ્લા ઉપરાંત મધ્ય ગુજરાતમાંથી દર્દીઓ આવતા હોવાથી બેડની સંખ્યા વધારવાનો નિર્ણય લેવાયો

વડોદરા. વડોદરામાં વધી રહેલા કોરોના વાઈરસના સંક્રમણના વ્યાપને ધ્યાનમાં લઇ તંત્ર દ્વારા સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં વધુ 350 બેડ વધારવાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરામાં કોરોના વાઈરસે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રોજ 75થી વધુ પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. આગામી દિવસોમાં વધુ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત વડોદરાની આસપાસ આવેલા આણંદ, ભરૂચ, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાંથી કોરોના પોઝિટિવ દર્દીઓ વડોદરામાં સારવાર લેવા માટે આવી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા આગામી દિવસોમાં બેડની અછત ઉભી ન થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.

OSD કહે છે કે, સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવામાં આવશે
OSD ડો. વિનોદ રાવે જણાવ્યું હતું કે, કોરોનાના વધતા વ્યાપને ધ્યાનમાં લઇને સયાજી હોસ્પિટલમાં અને ગોત્રી હોસ્પિટલમાં બેડની સંખ્યામાં વધારો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. અને બંને હોસ્પિટલના સુચારૂ સંચાલન માટે એડમિનિસ્ટ્રેટર તરીકે વુડાના CEO અશોક પટેલ અને એડવાઇઝર તરીકે ડો. મીનુ પટેલની નિમણૂંક કરવામાં આવી છે.

ગોત્રી હોસ્પિટલમાં 150 બેડ મળી કુલ 350 બેડની સુવિધા ઉભી કરાશે
ઉલ્લેખનિય છે કે, કોરોના વાઈરસની સારવાર માટે સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલ અને વડોદરાની ખાનગી હોસ્પિટલોમાં બેડની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. તેમ છતાં, કોરોનાના વધી રહેલા વ્યાપને પગલે આગામી દિવસોમાં વધુ બેડની જરૂરીયાત ઉભી થવાની છે, ત્યારે તંત્ર દ્વારા સયાજી હોસ્પિટલમાં 200 અને ગોત્રી હોસ્પિટલમાં 150 બેડ મળી કુલ 350 બેડની સુવિધા ઉભી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here