શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ સોમનાથ દાદાના ભક્તોને પોલીસે માર્યા, મંદિરમાં વ્યવસ્થાનો અભાવ

0
600
  • ડાકોર, કુબેરભંડારી સહિતના મંદિરો બંધ રાખ્યા તો સોમનાથ મંદિર કેમ ખુલ્લુ?
  • તંત્રની અણઆવડતના કારણે કોરોના સંક્રમણનો ભય
  • પોલીસ અને પ્રશાસન મંદિરની વ્યવસ્થામાં નિષ્ફળ નીવડ્યું

વેરાવળ. આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે જ સોમનાથ દાદાના ભક્તો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. સોમનાથ મહાદેવના મંદિરમાં ભક્તોની ભીડ જામી હતી અને કોવિડની ગાઈડલાઈનના લીરે લીરા ઉડ્યા હતા. મંદિર પરિસરમાં ધક્કામુક્કી અને ટોળાશાહીના દ્રશ્યો સામે આવ્યાં હતા. પોલીસે ભક્તો પર લાઠીચાર્જ કર્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરતાં ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો. જેના કારણે પોલીસ અને ભક્તો વચ્ચે મારામારીની ઘટના બની હતી. સવાલ એ થાય છે કે ડાકોર, કુબેરભંડારી સહિતના મંદિરો બંધ રાખવામાં આવ્યાં છે તો પછી સોમનાથ મંદિર કેમ ખુલ્લુ રાખવામાં આવ્યું છે?

ભક્તો અને પોલીસ વચ્ચે મારામારીના દ્રશ્યો જોવા મળ્યાં
સોમનાથ મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવા જતા પોલીસ અને દર્શનાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે ભક્તો પર છૂટા હાથે મારામારી કરી હતી. તો રોષે ભરાયેલા ભક્તોએ પોલીસને પણ તમાચો મારી દીધો હતો. જેને લઈને પરિસ્થિતિ ઉગ્ર બની હતી. મંદિરમાં વ્યવસ્થાના અભાવના કારણે મારામારીના અને ભીડના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

કોરોના સંક્રમણ ફેલાશે તો જવાબદાર કોણ?
કોવિડ ગાઈડલાઈનના ચુસ્ત પાલન માટેના ટ્રસ્ટના અને તંત્રના દાવા પોકળ સાબિત થયા છે. સોમનાથ મંદિરમા ભક્તોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ભક્તોએ માસ્ક પણ નથી પહેર્યું અને ન તો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવી રહ્યું. સોમનાથ ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર મુકપ્રેક્ષક બનીને તમાસો જોઈ રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. એક તરફ ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સવાલ એ થાય છે કે કોરોના સંક્રમણ વધુ ફેલાશે તો જવાબદાર કોણ?

ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના કેસ 200ને પાર
ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે જ 18 કેસ પોઝિટિવ નોંધાયા હતા અને જિલ્લામાં પોઝિટિવ આંક 200ને પાર પહોંચી ગયો છે. ત્યારે સોમનાથ મંદિરમાં આ પ્રકારની ભીડ જોવા મળતા કોરોના સંક્રમણ વધવાનો ભય જોવા મળી રહ્યો છે. 

દર્શનાર્થીઓ માટે સોમનાથ મંદિરના સમયમા ફેરફાર કરાયો
ઉલ્લેખનીય છે કે, શ્રાવણ માસમાં ગુજરાતના પ્રખ્યાત સોમનાથ મંદિરના સમયમા ફેરફાર કરાયો છે. દર્શનાર્થીઓ સરળતાથી દર્શન કરી શકે તેના માટે આ નિર્ણય લેવાયો છે. શનિવાર, રવિવાર અને સોમવારના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. શ્રાવણ મહિનામાં મંદિર સવારે 6. 30 ના બદલે 6 વાગ્યે ખોલવામાં આવશે. તો સાંજે 7.30 ના બદલે 9.15 સુધી મંદિર ખુલ્લુ રખાશે. જેથી ભક્તો વધુ સમય લાભ લઈ શકે. પવિત્ર શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને શનિવાર, રવિવાર અને સોમવારના દિવસોમાં સવારે 6:00 થી 6:30 અને સાંજે 7:30 થી 09:15 સુધી વિશેષ દર્શનનો સમય રહેશે. સામાન્ય દિવસોમાં સવારે 7:30 થી 11:30 અને બપોરે 12:30 થી 6:30 વાગ્યા સુધી દર્શન કરી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here