- ભીડભંજન હનુમાન મંદિર પાસે ભરાતા માર્કેટમાં તંત્ર દ્વારા લોકો પર કડક કાર્યવાહી નહીં થાય સ્થિતિ બગડશે
- ખરીદી કરવા અને ફરવા નીકળેલા લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ખુલ્લેઆમ ભંગ કરાય છે
અમદાવાદ. સમગ્ર ગુજરાતમાં રોજે રોજ કોરોનાનાં કેસ વધી રહ્યા છે. આ બધાની વચ્ચે કેટલાંક વિસ્તારમાં લોકો સ્વૈચ્છાએ ઘરમાં રહી રહ્યા છે. તેની વચ્ચે અમદાવાદના બાપુનગરમાં માહોલ કંઈક અલગ છે. અહીંયા રસ્તાની વચ્ચે લારીઓ ઊભી છે અને લોકો બિંદાસ્ત લટાર મારવા નીકળી રહ્યા છે. જાણે કોઈ મેળો ભરાયો હોય એ રીતે. આ બધાની વચ્ચે જો તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોરોનાનો ગ્રાફ વધતા વાર નહીં લાગે.
બાળકો સાથે કેટલાક વાલીઓ પણ ઉમટે છે
બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડ ભંજન હનુમાનજી મંદિર પાસે લોકો જાણે મેળો ભરાયો હોય તેમ ફરતા નજરે ચડે છે. બાપુનગર ચાર રસ્તા સુધી લોકો રસ્તા પર લારીઓ ઊભી રાખે છે અને વેપાર કરે છે. જો કે આ વચ્ચે અહીં.લોકો મિત્રો સાથે લટાર મારવા નીકળી રહ્યા છે. એટલું જ નહીં લોકો પોતાના બાળકો સાથે પણ અહીંયા આવી રહ્યા છે. જ્યારે આ સમયમાં સોશિયલ ડિસ્ટન્સ મહત્વનું છે. તેવા સમયમાં અહીંયા લોકો ટોળે વળેલા જોવા મળે છે. મુખ્ય માર્ગ પર ટુ વ્હીલર પણ લઈને નીકળવું મુશ્કેલ બને તેવી ભીડ હોય છે..