ગુજરાતમાં પોલીસ પર સોશિયલ મીડિયા બંધી, સુનિતા યાદવ, ગ્રેડ પે વધારા બાબતે સોશિયલ મીડિયામાં મુદ્દો ઉછળતાં લેવાયેલો નિર્ણય

0
304

અમદાવાદ. સૂરતમાં મંત્રી કિશોર કાનાણીના પુત્રને કર્ફ્યુ ભંગ બદલ જાહેરમાં ખખડાવ્યાનો કિસ્સો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો અને તે પછી હમણાં પોલીસ કર્મચારીઓએ હેશટેગ થકી ગ્રેડ પે વધારાની માંગણી કરી. આ બન્ને બાબતોને લઇને રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ પોલીસ કર્મચારીઓ માટે સોશિયલ મીડિયાના વપરાશ માટેની ગાઇડલાઇન જાહેર કરી મનફાવે તે રીતે પોસ્ટ ન મૂકવાનો હુકમ કર્યો છે.

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ સ્વહસ્તાક્ષરથી પરિપત્રિત કરેલા આ હુકમ અનુસાર કોઇપણ પોલીસ કર્મચારી પોતાની સર્વિસને લગતી કોઇપણ બાબત અંગેની ટીકા કે મંતવ્ય તેઓ સોશિયલ મીડિયા પર નહીં કરી શકે જેમાં સરકાર કે પોલીસ વિભાગ વિરુદ્ધ ટીપ્પણી હોય. ખાનગી હેતુ માટે જો સોશિયલ મીડિયાનો કોઇ પોલીસકર્મી ઉપયોગ કરે તો તેણે સ્પષ્ટ કરવું પડશે કે તે તેનો વ્યક્તિગત અભિપ્રાય છે અને સત્તાવાર નથી અને આવી ટીપ્પણી તેમની સેવાના નિયમોથી વિપરીત નથી. કોઇપણ પોલીસ કર્મીએ સોશિયલ મિડિયા પર તેવી કોઇપણ પોસ્ટ મૂકવી નહીં કે જેથી કરીને જાહેર અધિકારી તરીકે તેમની છબિને નુકશાન થાય કે સરકારી કે પોલીસ વિભાગને બદનામ કરે. સુનિતા યાદવે જે રીતે સૂરતમાં પોતાની કાર્યવાહી રેકોર્ડ કરાવી હતી તે સંદર્ભ આમાં સૂચિત છે.

આ ઉપરાંત પોતાની રીતે રાજકીય પ્રવૃત્તિથી પ્રેરિત કોઇપણ પ્રકારની પોસ્ટ નહીં કરી શકે કે પોતાના નિવેદન જાહેર નહી કરી શકે. આ ઉપરાંત જ્યાં કોઇ વોટ્સએપ કે સોશિયલ મિડિયા ગ્રુપ કે પ્લેટફોર્મ પર જાતિ, ધર્મ, રાજકારણ અંગેની ચર્ચા થતી હોય ત્યાં પોતાની રીતે ટીપ્પણી નહીં કરી શકે કે આવા ગૃપના સભ્ય પણ નહીં રહી શકે, માત્ર ગુપ્તચર વિભાગના કર્મીઓ ઉપલા અધિકારીની પરવાનગી સાથે આવા ગૃપમાં રહી શકે છે. આ ઉપરાંત પોતાની સેવામાં મેળવેલી ઉપલબ્ધિ જેવી કે ડિટેક્શન કે અન્ય કોઇપણ બાબત જે તે નિયુક્ત થયેલાં અધિકારીએ જ સોશિયલ મીડિયા પર કરવાની રહેશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here