સી.આર. પાટિલને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવાતા સમીકરણો પણ બદલાયાં
અમદાવાદ. સંગઠનમાં આવેલાં આ ઓચિંતા ફેરફારને કારણે હવે સરકારમાં બદલાવો થવાની ચર્ચા શરુ થઇ ગઇ છે. સૌરાષ્ટ્રના પાટીદાર નેતા હાલ ગુજરાતમાં કોઇ મહત્ત્વના સ્થાને ન હોવાથી વર્તમાન સરકારમાં કોઇ ફેરફાર ચોક્કસ થશે તેવો ક્યાસ હાલ ભાજપના સંગઠનનના નેતાઓ જ કાઢી રહ્યાં છે. વિજય રૂપાણીની કેબિનેટનું વિસ્તરણ થાય અને તેમાં કોઇ એવાં ફેરફાર જોવા મળે તેવી પણ હવે વાત થઇ રહી છે. ભાજપમાં આજે ઘણાં લોકો મુખ્યમંત્રી પણ બદલાઇ જશે તેવી વાત કરતાં અચકાતાં નથી.
હાલ ભાજપના ઘણાં ધારાસભ્યોમાં હવે આ વાતને લઇને નવો ઉત્સાહ પેદા થયો છે. જો કે વર્તમાન કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવે તો વર્તમાન કેબિનેટમાંથી પાંચથી છ મંત્રીને પડતાં મૂકી આઠ કે દસ નવા મંત્રીઓને લેવામાં આવે તેવું મનાઇ રહ્યું છે. આ સાથે મુખ્યમંત્રી પોતાના સંસદીય સચિવ તરીકે પણ કેટલાંક ધારાસભ્યોની નિમણૂંક કરશે.
છેલ્લાં કેટલાંય સમયથી મંત્રીમંડળના બદલાવની વાતો અંદરખાને અને ક્યારેક જાહેરમાં ચર્ચાઇ છે. અમુક મંત્રીઓને પડતાં મૂકવામાં આવશે અને અમુક નવા લોકોને શામેલ કરવામાં આવશે તેવી ગણતરી લગાવાઇ રહી છે. હવે સી આર પાટીલની નિમણૂંક પછી વિસ્તરણ જલ્દી થાય તેવી વાતને જોર મળ્યું છે.
વર્તમાનમાં કેબિનેટના સભ્ય એવા એક સિનિયર મંત્રીના જણાવ્યા મુજબ, હાલ આ સંપૂર્ણ તબક્કો આશ્ચર્યનો છે. ખરેખર પાટીલની આ હોદ્દા પરની નિયુક્તિ અંગે કોઇ કલ્પના પણ ન કરી શકે. તેથી હવે સરકારમાં આગામી સમયમાં શું થશે તે અંગે અત્યારથી ચોક્કસ કાંઇ કહેવું મુશ્કેલ છે, પરંતુ ઇશારો સ્પષ્ટ છે કે કાંઇક નવાજૂની થવા જઇ રહી છે.
ગુજરાત ભાજપના એક એકમના અધ્યક્ષના જણાવ્યા અનુસાર મંત્રીમંડળમાં ચોક્કસપણે મોટા ફેરફારો નિશ્ચિત છે. આમ પણ હવે પેટાચૂંટણી આવી રહી છે તેથી આ બધો સમયગાળો પરિવર્તનનો ગણીએ તો ઘણાં બધાં વર્તમાન મંત્રીઓને પડતાં મૂકવામાં આવે તો નવાઇ નહીં. અલગ-અલગ ભાજપના નેતાઓનું મંતવ્ય છે કે પક્ષમાં જ્ઞાતિ સમીકરણ જળવાય તેના બદલે સરકારમાં તેનું સંતુલન બને તે મહત્ત્વનું છે. તેથી હવે જો મંત્રીમંડળની ફરીથી સંરચના થશે.
અટકળો
સૌરાષ્ટ્રના પાટીદાર નેતા કોઇ મહત્ત્વના સ્થાને ન હોવાથી સરકારમાં ફેરફાર ચોક્કસ થશે તેવો ક્યાસ ભાજપના નેતાઓ જ કાઢી રહ્યાં છે.
અભિનંદન આપતા ટ્વિટ કરવા આદેશ
સી આર પાટીલની ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂંક થયા બાદ ગુજરાત ભાજપના સરકાર અને સંગઠનના તમામ નેતાઓને પાટીલને શુભેચ્છા આપતી ટ્વીટ કરવાના આદેશ હાઇકમાન્ડમાંથી થયા હતા. નિમણૂંક બાદ અડધો કલાક જેટલાં શરુઆતના ગાળામાં કોઇ નેતાએ આવી ટ્વીટ કરી ન હતી, પરંતુ દિલ્હીથી ફોન આવતાં તમામ લોકોએ એક પછી એક ટ્વીટ કરવાનું શરુ કર્યું હતું.

રાજકારણ હોય કે ચૂંટણીનું વ્યવસ્થાપન સીઆર સામે હાર્દિક હજુ બાળક છે
ક્ષેત્ર | સી આર પાટિલ, ભાજપ પ્રદેશ પ્રમુખ | હાર્દિક પટેલ, ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ |
રાજકારણનો અનુભવ | સી આર પાટીલ વર્ષોના અનુભવી પીઢ રાજકારણી છે, 1989થી પક્ષીય રાજકારણમાં છે અને ત્રણ વાર તો લોકસભા ચૂંટણી સતત જીતી ચૂક્યા છે. | હાર્દિક પટેલ હજુ કોઈ ચૂંટણી લડી નથી. કોંગ્રેસમાં જોડાયાને દોઢ વર્ષ માંડ થયું છે અને 27 વર્ષની ઉંમરે તે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે. |
ચૂંટણી વ્યવસ્થાપન | 2014માં નરેન્દ્ર મોદીને વારાણસીમાં લોકસભા ચૂંટણી જીતાડવા કામ કર્યું. પોતે ત્રીજા સૌથી વધુ બહુમતીથી જીત્યા. | હાર્દિકને આંદોલન થકી મેળવેલ સમર્થન ટકાવી રાખવામાં નિષ્ફળ. ગત વિધાનસભા ચૂંટણીમાં સફળતા ન મળી. |
હાઇકમાન્ડ સાથેનું જોડાણ | સંગઠનમાં કામ પાર પાડવાની તાકાતને કારણે પાટિલને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખૂબ અંગત સંબંધ છે. | હાર્દિક કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીની ખૂબ નજીક છે. તેઓ યુવાન હોવાથી રાહુલ ગાંધીની પસંદ છે. |
સામાજિક જોડાણ | સી આર પાટિલ મૂળ મહારાષ્ટ્રના મરાઠા જ્ઞાતિના છે પરંતુ વર્ષોથી તેમનું કુટુંબ ગુજરાતમાં સ્થાયી છે. | ગુજરાતમાં વર્ચસ્વ ધરાવતા પાટીદાર જ્ઞાતિમાંથી આવે છે અને વિરમગામ પાસે તેનું મૂળવતન છે. |
ગુનાહિત ઇતિહાસ | પાટિલના ચૂંટણી સોગંદનામા અનુસાર સજાપાત્ર હોય તેવા ગુન્હા હેઠળ 1 કેસ હતો જેનો આખરી હુકમ બાકી હતો. | હજુ પણ અલગ-અલગ કેટલીય કોર્ટમાં રાજદ્રોહ, લોકોને ઉશ્કેરવા, તોફાનો કરાવવા, જેવા વિવિધ કેસ પેન્ડિંગ છે. |
ભાજપમાં અત્યાર સુધીના પ્રદેશ પ્રમુખો
કેશુભાઈ પટેલ | પટેલ | સૌરાષ્ટ્ર | 1980-1983 |
સ્વ. મકરંદ દેસાઈ | બ્રાહ્મણ | સૌરાષ્ટ્ર | 1983-1985 |
ડો. એ.કે. પટેલ | પટેલ | ઉ. ગુજરાત | 1985-1986 |
શંકરસિંહ વાઘેલા | ક્ષત્રીય | ગાંધીનગર | 1986-1991 |
સ્વ. કાશીરામ રાણા | ઓબીસી | સુરત | 1991-1996 |
વજુભાઈ વાળા | ક્ષત્રીય | સૌરાષ્ટ્ર | 1996-1998 |
રાજેન્દ્રસિંહ રાણા | ક્ષત્રીય | સૌરાષ્ટ્ર | 1998-2005 |
વજુભાઈ વાળા | ક્ષત્રીય | સૌરાષ્ટ્ર | 2005-2006 |
પરષોત્તમ રૂપાલા | પટેલ | સૌરાષ્ટ્ર | 2006-2010 |
આર.સી. ફળદુ | પટેલ | સૌરાષ્ટ્ર | 2010-2016 |
વિજય રૂપાણી | જૈન | સૌરાષ્ટ્ર | 2016 |
જીતુ વાઘાણી | પટેલ | સૌરાષ્ટ્ર | 2016-2020 |