અમદાવાદ : ધાબા પર લાઉડ સ્પીકર વગાડનાર યુવકોની ઉત્તરાયણ બગડી, પોલીસે ફરિયાદ દાખલ કરી

0
269

અમદાવાદ : કોરોનાની મહામારી વચ્ચે રાજ્યમાં ઉત્તરાયણના તહેવાર ઉજવવા માટે સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી. ગાઈડલાઈન મુજબ ઉત્તરાયણમાં ધાબા પર લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ હતો. છતાં પણ  શહેરના ખાડિયા વિસ્તારમાં લાલાભાઈની પોળમાં ધાબા પર જોર જોરથી લાઉડસ્પીકર વગાડવામાં આવતાં ખાડિયા પોલીસે બે લોકો સામે જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધ્યો છે.

ઉત્તરાયણના તહેવારને લઈ સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી. જેનો અમલ થાય તેના માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને સર્વેલન્સ રાખવામાં આવી રહ્યું હતું. ખાડિયા પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળી હતી ત્યારે લાલાભાઈની પોળમાં આવેલા એક ધાબા પર જોર જોરથી મ્યુઝિક વાગતું હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું.

જેના કારણે પોલીસ ધાબા પર પહોંચી અને લાઉડસ્પીકર બંધ કરાવી દીધું હતું. પોલીસે અરુણ માજી અને સમર દુલાલ નામના બે શખ્સ સામે ગાઈડલાઈન મુજબ ઉત્તરાયણમાં ધાબા પર લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં જાહેરનામાનો ભંગ કરતા ગુનો નોંધી ધરપકડ કરી હતી. અને પોલીસે લાઉડસ્પીકર પણ કબજે કર્યા હતા.

સરકાર દ્વારા લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ તો ફરમાવ્યો હતો પરંતુ અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ ધાબા પર લોકોએ મ્યુઝિક સિસ્ટમ લગાવી અને ગીતો વગાડી ઉત્તરાયણ ઉજવી હતી. ધીમા અવાજે લાઉડસ્પીકર પર ગીતો-ગરબા લગાવી નાચ્યાં પણ હતા. જો કે પોલીસે ઉત્તરાયણનો તહેવાર હોવાથી આંખ અને કાન બંને બંધ રાખી દઈ જેણે મોટી માત્રામાં ઉજવણી કરી હોય તે જ લોકો સામે કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે શહેરમાં માત્ર એક જ પોલીસ સ્ટેશનમાં લાઉડસ્પીકર વગાડવાનો ગુનો નોંધાયો છે.