રાજકોટ. રાજકોટ મહાનગરપાલિકાએ જુદા જુદા લોકેશન પર આવાસ યોજના બનાવી છે અને 23636 આવાસની ફાળવણી કરી છે. આવાસની ફાળવણી બાદ આવાસ ભાડે આપી દેવાની ઘટનાઓ વધી રહી છે. આ ઉપરાંત અનેક આવાસમાં હજુ સુધી કોઇ રહેવા પણ ન આવ્યું હોય તેવા પણ અનેક આવાસ છેે. જેના પગલે મનપાના આવાસ વિભાગે 1976થી આજ સુધીમાં બનેલી તમામ આવાસ યોજનામાં ચેકિંગ શરૂ કર્યું છે અને બંધ તેમજ ભાડે આપેલા આવાસનો રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે. ત્યાર બાદ આ તમામ બંધ અને ભાડે આપેલા આવાસના માલિકોને નોટિસ આપવામાં આવશે.
1976થી આજ સુધીમાં મનપાએ જુદા જુદા 15 લોકેશન પર 23636 આવાસનું નિર્માણ કર્યું છે. આવાસ યોજના બનાવવા પાછળનો મૂળ હેતુ શહેરી વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારોને ઘરનું ઘર મળી રહે તે છે, પરંતુ અનેક લોકો આવાસ યોજનાના જ્યારે પણ ફોર્મ બહાર પડે ત્યારે ફોર્મ ભરે અને ડ્રોમાં આવાસ લાગ્યા બાદ તે આવાસ ભાડે આપી દે છે. આ ઉપરાંત અનેક લોકોએ પોતાના આવાસ હજુ સુધી ખોલ્યા પણ નથી. જેના પગલે આવાસ યોજનાના એસોસિએશન, સ્થાનિક લોકો સહિતના મનપામાં ફરિયાદ કરે છે અને તેના પગલે મનપાએ તમામ આવાસ યોજનાનું ચેકિંગ કરવાનું નક્કી કર્યું છે. ચેકિંગ માટે 13 ટીમ બનાવી છે.