કન્ટ્રોલ રૂમમાં ઘૂસી શખ્સે કહ્યું, ‘70% પોલીસ મારી દુશ્મન છે’, પોલીસે થોડીવાર સહન કર્યા બાદ સારી રીતે સરભરા કરી

0
344

પુત્રી સાથે ધસી ગયેલા આંબેડકરનગરના શખ્સની ધમકી, બધા બહાર નીકળો એટલે છરીના ઘા ઝીંકી પતાવી દઈશ

રાજકોટ. શહેરના ગોંડલ રોડ પર સત્તર દિવસ પૂર્વે કાર પર ચડી ધમાલ કરનાર આંબેડકરનગરના શખ્સે પોલીસ કન્ટ્રોલ રૂમમાં તેની સગીરવયની પુત્રી સાથે ઘૂસીને પોલીસ સાથે ધમાલ કરી હતી. 70 ટકા પોલીસ મારી દુશ્મન છે, બહાર નીકળો એટલે તમામને છરીના ઘા ઝીંકી પતાવી દઇશ તેવી બૂમો પાડી હોબાળો મચાવ્યો હતો. બાદમાં પોલીસે પણ ‘સરભરા’ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. 

અભદ્ર ભાષામાં બૂમો પાડતો હતો
પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફરજ બજાવતાં પીએસઆઇ એમ.જે.રાઠોડ સહિતનો સ્ટાફ રવિવારે બપોરે કન્ટ્રોલ રૂમમાં ફરજ પર હતો ત્યારે નાનામવા પાસેના આંબેડકરનગરમાં રહેતો ભૂપત પીઠા રાઠોડ (ઉ.વ.45) ખુલ્લી જીપ સાથે પોલીસ કમિશનર કચેરીમાં ઘૂસ્યો હતો, તેની સાથે તેની 16 વર્ષની પુત્રી પણ હતી, કન્ટ્રોલ રૂમમાં જતાં જ ભૂપતે 70 ટકા પોલીસ મારી દુશ્મન છે, તેમ કહી જોરજોરથી બોલવાનું શરૂ કર્યું હતું, ફરજ પર રહેલા મહિલા પીએસઆઇ કડછાએ જે કોઇ ફરિયાદ હોય તે લેખિતમાં આપવાનું કહેતાં જ ભૂપત ઉશ્કેરાયો હતો અને ગાળો ભાંડવા લાગ્યો હતો. 

પોલીસે આગવી ઢબે સરભરા કરી
પીએસઆઇ રાઠોડ સહિતના સ્ટાફે ગાળો નહીં બોલવાનું કહેતા ભૂપતે તેની પુત્રીને મોબાઇલમાં શૂટિંગ કરવાનું કહેતા તેણે કેમેરો ચાલુ કરતા મહિલા પોલીસે તેને અટકાવી હતી, તે સાથે જ ભૂપત ત્રાડૂક્યો હતો અને તેણે કહ્યું હતું કે, બહાર નીકળો એટલે તમામને છરીના ઘા ઝીંકી પતાવી દઇશ. બેફામ બનેલા ભૂપતને અટકાવવાની કોશિશ કરનાર કોન્સ્ટેબલ પી.એમ.ઝાલા અને કે.ડી. ઝાલા સાથે ઝપાઝપી કરી હતી. ભૂપતે હોબાળો મચાવતા કમિશનર કચેરીમાં હાજર પોલીસ અધિકારીઓ પણ કન્ટ્રોલ રૂમે દોડી ગયા હતા અંતે પોલીસે ભૂપતને સકંજામાં લઇ આગવીઢબે તેની સરભરા કરી હતી. પોલીસે ભૂપતની જીપ ચેક કરતા સીટ નીચેથી પાંચ ફૂટનો ધોકો મળી આવ્યો હતો. 

સત્તર દિવસ પહેલા પણ ધમાલ કરી હતી
અંતે બનાવ અંગે પીએસઆઇ રાઠોડે ફરિયાદ નોંધાવતાં પ્ર.નગરના પીઆઇ ચાવડા સહિતના સ્ટાફે ભૂપત અને તેની પુત્રી સામે ફરજમાં રુકાવટ અને ધમકી દેવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સત્તર દિવસ પૂર્વે ભૂપતે ટ્રાફિકનો મેમો નહીં ભરવાના મુદ્દે પણ ગોંડલ રોડ ચોકડીએ પોતાની કાર પર ચડી ધમાલ કરી ટ્રાફિકજામ કર્યો હતો તે વખતે પણ તેની સામે ફરજમાં રુકાવટનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here