શું હાર્દિક પટેલ ‘આપ’માં જોડાય તેવી શકયતા ગુજરાતના રાજકીય વર્તુળોમાં જબરી ચર્ચા

0
1008

અમદાવાદ,: ગુજરાતના રાજકીય વર્તુળોમાં એક ચર્ચાએ જોર પકડ્યું છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જબરજસ્ત જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી હવે દિલ્હીની બહાર બીજા રાજયોમાં પોતાનું વર્ચસ્વ જમાવવા તૈયારી કરી રહ્યું છે. તેની શરુઆત ગુજરાતમાં કોંગ્રેસના પાટીદાર નેતા હાર્દિક પટેલના આપ પ્રવેશથી થઈ શકે છે.

આ અનુમાન તેવા સમયે આગળ આવી રહ્યું છે જયારે ગુજરાતમાં રાજયસભાની ૪ બેઠકોની ચૂંટણી પહેલા કોંગ્રેસ પોતાના ગુજરાત યુનિટમાં મોટાપાયે ફેરફાર કરવા માટે પ્લાનિંગ કરી રહી છે. જોકે આ અનુમાનને ત્યારે હવા વધારે મળી જયારે હાર્દિક પટેલે દિલ્હી વિધાનસભા ચૂંટણી જીતવા પર અરવિંદ કેજરીવાલને અભિનંદન પાઠવતા તેમની સાથેનો એક ફોટોગ્રાફ ટ્વીટ કર્યો. આ ટ્વીટ એવા સમયે આવ્યું જયારે કોંગ્રેસ દિલ્હીમાં એક પણ બેઠક જીતી શકી નથી. તેવામાં મળતા અહેવાલ મુજબ આગામી મહિનામાં દિલ્હીથી આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓ ગુજરાત મુલાકાતે આવી શકે છે. જેઓ ગુજરાતમાં આપને મજબૂત કરવા અંગેના વિકલ્પો તૈયાર કરશે. જોકે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓએ આ વાતને રદિયો આપતા કહ્યું કે, ‘લોકો અફવાઓ ફેલાવી રહ્યા છે હાર્દિક કોંગ્રેસમાં છે અને કોંગ્રેસ સાથે જ રહેશે.’ આ નિવેદન પાસના નેતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા અતુલ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, ‘રાજય સરકાર જૂના કેસમાં પાટીદાર નેતાઓને ફસાવીને તેમની પજવણી કરવા માગે છે. જે અંગે હાર્દિકના પત્ની કિંજલ અને અન્ય કોંગ્રેસ નેતાઓએ સોમવારે અમદાવાદ કલેકટરને રાજય સરકાર દ્વારા કરવામાં આવતી હેરાનગતી અંગે એક આવેદનપત્ર આપ્યું છે.’જયારે હાર્દિકના ટીકાકારોએ કહ્યું કે, ‘તે પોતાની પાર્ટી સાથે જ રાજકીય રમત રમી રહ્યો છે. હાર્દિક રાજયસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પર દબાણ લાવીને રાજયસભાની ટિકિટ મેળવવા માગે છે અથવા તો કોંગ્રેસમાં કોઈ મહત્વનું પોસ્ટિંગ મેળવવા માગે છે.’ બીજી તરફ આમ આદમી પાર્ટીએ બે વર્ષ પહેલા ગુજરાતમાં પોતાનું સમગ્ર યુનિટ વિખેરી નાખ્યું હતું. જોકે દિલ્હીમાં મળેલી જવલંત જીત બાદ ફરી એકવાર આપ પોતાની કિસ્મત અજમાવવા માગે છે. આમ આદમી પાર્ટી આગામી દિવસોમાં ગુજરાતમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીથી રાજયમાં ફરી એકવાર ચૂંટણીના મેદાનમાં ઉતરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here