શ્રી ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ચાર વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાઈ લાઈવ આરતી

0
466

લાખો ભાવિકોએ લાઈવ આરતીનો લ્હાવો લીધો
ભાવિકોએ ઘરે બેઠાં લાઈવ આરતીના દર્શન કરી મા ખોડલનું પૂજન કર્યું

રાજકોટઃ 21 જાન્યુઆરીનો દિવસ દર વર્ષે ખોડલધામ માટે મહત્વનો હોય છે. 21 જાન્યુઆરી 2017ના દિવસે શ્રી ખોડલધામ મંદિરમાં મા ખોડલ સહિત 21 દેવી-દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. શ્રી ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ચાર વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા લાઈવ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. 21 જાન્યુઆરી ને ગુરુવારના દિવસે લાખો ભક્તોએ આ લાઈવ આરતીનો લ્હાવો લીધો હતો.
21 જાન્યુઆરીએ દર વર્ષે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ધામધૂમથી પાટોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે અને મોટી સંખ્યામાં ભાવિકો મા ખોડલના દર્શનાર્થે ઉમટી પડતાં હોય છે. પરંતુ આ વર્ષે મહામારીના કારણે લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થવું હિતાવહ ન હોવાથી શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટીમંડળ દ્વારા પાટોત્સવની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું. જેથી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને ચાર વર્ષ પૂર્ણ થવાના અવસરે લાઈવ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ લાઈવ આરતી શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ઓફિશિયલ ફેસબુક પેઈજ, યુટ્યુબ ચેનલ અને વેબસાઈટ પર 21 જાન્યુઆરીએ સવારે 6-15 કલાકે લાઈવ કરવામાં આવી હતી. લાઈવ આરતીનો લાખો ભક્તોએ ઘરે બેઠાં લ્હાવો લીધો હતો અને મા ખોડલના દર્શન કરી પાટોત્સવની ઉજવણી કરી હતી.
ભક્તોએ ઘરે જ મા ખોડલનું પૂજન પણ કર્યું હતું. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સર્વે ભક્તોને આહ્વાન કરવામાં આવ્યું હતું કે સૌએ ઘરે જ મા ખોડલની મૂર્તિ કે છબીનું સ્થાપન કરીને કંકુ અને ચોખાથી ચાંદલો કરવો, ત્યારબાદ મા ખોડલને ચુંદડી પહેરાવવી અને ફૂલનો હાર અર્પણ કરવો. ત્યારબાદ મા ખોડલને પ્રસાદ ધરીને દિવો પ્રગટાવી પૂજન કરવું. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના આ આહ્વાનને ઝીલી ભક્તોએ ખોડલની મૂર્તિ કે છબીનું સ્થાપન કરીને પૂજન કરી આશીર્વાદ લીધા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here