મંદિર સુધી પહોંચવા 3 ચેકિંગ પોઇન્ટ છતાં અઢી હજાર ભક્તો કેવી રીતે અંદર પહોંચી ગયા? ભીડ મેનેજ કરવાને બદલે પોલીસ ભક્તોને મારે છે

0
306
  • જો ભક્તોને મેનેજ કરવાની ત્રેવડ નહોતી તો મંદિર ખુલ્લું જ શું કામ રાખ્યું? તેવો સવાલ લોકોમાં ઉઠ્યો
  • સુરક્ષા વ્યવસ્થા સુધારી ચોક્કસ સંખ્યામાં ભક્તોને અંદર જવા દેવાનું આયોજન કર્યુ હોત આ ઘટના બની ન હોત

રાજકોટ. આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ત્યારે 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ સોમનાથ મહાદેવની સમક્ષ ભક્તો પર પોલીસે લાઠી વરસાવી હતી. મંદિરમાં વ્યવસ્થાપકોની અણઆવડતનો ભોગ ભક્તો બનતા રોષ જોવા મળી રહ્યો છે. સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે કોઇ પણ વ્યક્તિએ ત્રણ ચેકિંગ પોઇન્ટ પસાર કરવા પડે છે. જ્યારે એક VIP ચેકિંગ પોઇન્ટ છે. આમ મંદિર બહાર 500 મીટર અંતરથી જ ત્રણ ત્રણ ચેકિંગ પોઇન્ટ હોવા છતાં એકસાથે અઢી હજાર ભક્તો મંદિર પરિસરમાં કેવી રીતે પહોંચ્યા તે સવાલ ઉઠ્યો છે. આજે શ્રાવણ માસનો પહેલો દિવસ હોવાથી ભક્તોનો પ્રવાહ વધુ હોવાની જાણ ટ્રસ્ટને હોવા છતાં પણ આયોજન કેમ ન કરી શક્યું? તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે. મંદિરમાં ઝેડ પ્લસ સુરક્ષા છે. જો સુરક્ષા વ્યવસ્થા સુધારી ચોક્કસ સંખ્યામાં ભક્તોને અંદર જવા દેવાનું આયોજન કર્યુ હોત આ ઘટના બની ન હોત. 

કોરોના મહામારી છતાં અણઆવડતને લઇ ઘટના બની 
હાલ કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે  ડાકોર, કુબેરભંડારી સહિતના મંદિરો બંધ રાખ્યા તો સોમનાથ કેમ ખુલ્લું રખાયું? તેવો સવાલ પણ ઉઠ્યો છે. જો સોમનાથ મહાદેવ મંદિર ખુલ્લું જ રાખવું હોય તો ટ્રસ્ટ દ્વારા સુચારૂ આયોજન કરવું જોઇતું હતું. ટ્ર્સ્ટ દ્વારા પહેલેથી જ આયોજન કરવામાં આવ્યું હોત તો આજે જે ઘટના બની તે  બની ન હોત. કોરોના વાઇરસને લઇને મંદિરમાં 15-15 કે 50-50 ભક્તોના સમૂહને મોકલવા જોઇએ, આ ભક્તો દર્શન કરી બહાર ન નીકળે ત્યાં સુધી અન્ય ભક્તોને અંદર પ્રવેશવા દેવા જોઇએ નહીં તેવું ભક્તો જ કહી રહ્યા છે. પરંતુ આજે તો એકસાથે મંદિર પરિસરમાં અઢી હજાર જેટલા ભક્તો પહોંચી ગયા હતા. આ લોકોને કોરોનાનું સંક્રમણ થાય તો તેના માટે જવાબદાર કોણ?, શું ચેકિંગ પોઇન્ટ પર યોગ્ય ચેકિંગનો અભાવ છે?  શું ટ્રસ્ટ અને પોલીસ વચ્ચે સંકલનનો અભાવ છે? તેવા સવાલો ઉઠી રહ્યા છે. સોમનાથ જાવ એટલે પહેલા બારોબારના રસ્તા બેરીકેટ કરેલા જોવા મળે છે. પછી અન્ય બેરીકેટ આવે અને અહીં  VIPઓની એન્ટ્રી છે. સાવ મંદિર પરિસરમાં એકદમ ચેકિંગ સાથે મોટું ચેકિંગ પોઇન્ટ આવે છે.  તેમ છતાં આજે આટલી મોટી સંખ્યામાં ભક્તો અંદર કેવી રીતે પહોંચી ગયા.

સોમનાથ મંદિરમાં ભાવિકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ

ભક્તોને મેનેજ કરવાની ત્રેવડ નહોતી તો મંદિર ખુલ્લું જ શું કામ રાખ્યુ? 
સોમનાથ મહાદેવ મંદિર ટ્ર્સ્ટ દ્વારા કોરોનાને લઇને કોઇ યોગ્ય સુચારૂ આયોજન જ ન હોય તેવા દ્રશ્યો આજે જોવા મળ્યા હતા. જો ભક્તોને મેનેજ કરવાની ત્રેવડ નહોતી તો મંદિર ખુલ્લું જ શું કામ રાખ્યું? તેવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે. ટ્રસ્ટ દ્વારા મંદિરમાં પ્રવેશતા પહેલા ભક્તોએ ફરજિયાત માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું, દરેક ભક્તને સેનિટાઇઝ કરવા, દર્શન કર્યા બાદ ભક્તને તાત્કાલિક બહાર કાઢવા સહિતના નિયમો બનાવવામાં આવ્યા છે. પરંતુ આ તમામ નિયમોનો ઉલાળ્યો થતો હોયો તેવા દ્રશ્યો આજે જોવા મળ્યા હતા. ચેકિંગ પોઇન્ટ પર ભક્તોના ચેકિંગમાં ચૂક રહેતી હોય તેવી ચર્ચા પણ ભક્તોમાં થઇ રહી છે. 

સોમનાથ મહાદેવના દર્શન માટે ભાવિકોનું ચેકિંગ પોઇન્ટ પર ચેકિંગભક્તો પર હાથ ઉપાડવાની સત્તા પોલીસને કોણે આપી?
ભક્તો પર હાથ ઉપાડવાની સત્તા પોલીસને કોણે આપી? આ અંગે ટ્રસ્ટીઓએ પણ મૌન સેવી લીધું છે. હજી તો આખો શ્રાવણ માસ બાકી છે તો કંઇ રીતનું આયોજન કરવામાં આવ્યું છે તે અંગે પણ લોકોમાં ચર્ચા થઇ રહી છે. પોલીસ, પ્રસાશન અને ટ્ર્સ્ટની અણઆવડતનો ભોગ ભક્તો બની રહ્યા છે. 

પોલીસ સાથે ટ્ર્સ્ટની બેઠક યોજાઇ
સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, આજે સવારે શ્રાવણ માસનો પહેલો દિવસ હોવાથી એકસાથે લોકો ભેગા થયા હતા. આથી પોલીસે સોશિયલ ડિસ્ટન્સ રાખવા જણાવ્યું હતું. પોલીસ અને લોકોની વચ્ચે સંકલનના અભાવને કારણે ઘર્ષણ થયું હતું. હવે આવી ઘટના ન બને તે માટે અમે પોલીસ સાથે બેઠક કરી હતી અને યોગ્ય વ્યવસ્થા જળવાશે.

ગઇકાલે હાર્દિક પટેલ સાથે કોંગી કાર્યકરો મોબાઇલ અને કેમેરા સાથે ઘૂસ્યા હતા
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પેટલનો ગઇકાલે જન્મદિવસ હોવાથી તે સોમનાથ મંદિરે દર્શન કરવા આવ્યો હતો. પરંતુ હાર્દિક સાથે કોંગ્રેસના કાર્યકરો મોબાઇલ અને કેમેરા સાથે મંદિર પરિસરમાં ઘૂસી ગયા હતા. કાર્યકરોએ હાર્દિક સાથે સેલ્ફી પણ લીધી હતી. મંદિરમાં ઝેડ પ્લસ સુરક્ષા હોવાથી મોબાઇલ અને કેમેરા લિ જવા પર પ્રતિબંધ છે તેમ છતાં કોંગ્રેસના કાર્યકરોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું કે પછી ચેકિંગ વગર જ અંદર જવા દીધા હતા તે સવાલ ઉઠ્યો છે. તેમજ સોશિયલ ડિસ્ટન્સના પણ લીરેલીરા ઉડ્યા હતા.  આજે આ જ ઘટનાનું પુનરાવર્તન થયું અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here