કોસ્મેટિક્સના ધંધાની આડમાં ડુપ્લિકેટ સેનેટાઇઝર બનાવવાના કૌભાંડનો પર્દાફાશ, 7 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ

0
320
  • ભેજાબાજે કોરોનાની મહામારીનો લાભ લઇને રાતોરાત રૂપિયા કમાઇ લેવાનો પ્લાન ઘડ્યો હતો
  • પોલીસે ગોડાઉનમાં રેડ પાડી ત્યારે પણ ભેજાબાજ ડુપ્લિકેટ સેનેટાઇઝર બનાવી રહ્યો હતો

વડોદરા. કોસ્મેટિક્સના ધંધાની આડમાં ડુપ્લિકેટ સેનેટાઇઝર બનાવવાના ચાલી રહેલા કૌભાંડનો સમા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ભેજાબાજ વેપારીની રૂપિયા 7 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સમા પોલીસે બાતમીને આધારે ગોડાઉનમાં રેડ કરી
વડોદરા શહેરના સમા પોલીસને ન્યુ સમા રોડ ઉપર આવેલી બી-6, પંચશીલ સોસાયટીમાં રહેતો અનિલ ત્રિલોકચંદ મિત્તલ રહે છે અને તે કોસ્મેટિક્સનો ધંધો કરે છે. અને તેનું ગોડાઉન અંકુર રેસિકમ પ્લાઝામાં આવેલું છે. આ ગોડાઉનમાં ડુપ્લિકેટ સેનેટાઇઝર બનાવીને બોટલો તેમજ કારબામાં ભરીને વેચી રહ્યો છે. અને તે હાલમાં પણ ડુપ્લિકેટ સેનેટાઇઝર બનાવી રહ્યો છે. તેવી માહિતી મળી હતી. સમા પોલીસ મથકના PI પી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ સ્ટાફના ASI નરેશકુમાર જયંતિલાલ, આનંદસિંહ ગોવિંદસિંહ, ભગવાનભાઇએ અંકુર પ્લાઝા સ્થિત અનિલ મિત્તલના ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડો પાડ્યો, ત્યારે ભેજાબાજ વેપારી સેનેટાઇઝર બનાવવાની કામગીરી કરી રહ્યો હતો. પોલીસે ગોડાઉનમાંથી સેનેટાઇઝરનો લુઝ જથ્થો, કેમિકલ, રો-મટીરીયલ, તથા પેકિંગ કરેલો જથ્થો મળીને કુલ 7,07,760 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ભેજાબાજ કેયા બ્યુટી કેર નામના લેબલ લગાવીને ડુપ્લિકેટ સેનેટાઇઝર બજારમાં વેચતો હતો
ભેજાબાજ વેપારી અનિલ મિત્તલ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લોદરા ખાતે આવેલા કેયા બ્યુટી કેર નામના લેબલ લગાવીને ડુપ્લિકેટ સેનેટાઇઝરના બજારમાં વેચતો હતો. પોલીસે ભેજાબાજ વેપારી અનિલ મિત્તલની ધરપકડ કરી હતી. 

રાતોરાત કમાઇ લેવા માટે ડુપ્લિકેટ સેનેટાઇઝર બનાવતો હતો
કોરોના વાઈરસની મહામારીમાં સેનેટાઇઝરનો ઉપયોગ વધી ગયો હોવાથી અનિલ મિત્તલ જેવા ભેજાબાજોએ રાતોરાત કમાઇ લેવા માટે ડુપ્લિકેટ સેનેટાઇઝર બનાવી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, અગાઉ પણ ગુજરાતના વિવિધ શહેરોમાંથી ડુપ્લિકેટ સેનેટાઇઝર બનાવવાના કૌભાંડોનો પર્દાફાશ થયો છે. જેમાં આજે વડોદરામાં ડુપ્લિકેટ સેનેટાઇઝર બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થતાં સમા પોલીસે ભજાબાજ વેપારી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here