મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૌથી મોટી જાહેરાત, ગુજરાત પોલીસખાતામાંથી આર. આર. સેલની નાબૂદી

0
271

ગાંધીનગર : રાજ્યમાં લાંચ રૂશ્વત વિરોધી ઝૂંબેશના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા એન્ટિ કરપ્શન બ્યૂરોને આવા તત્વોને ઝડપી પાડવા માટે છૂટો દોર આપવામાં આવ્યો છે. એસીબીના વડા કેશવકુમાર અને રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીએ આ અંગે એક પ્રેસ કૉન્ફરન્સ સંબોધી છે અને તેના વિશે માહિતી આપી છે.

સરકાર દ્વારા કરપ્શન અંગે જે રેપિડ કાર્યવાહી કરવામાં આવી રહી છે તે અંગે આજે રૂપાણી સરકારની કામગીરીને બિરાદવતો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. એસીબીના વડા કેશવકુમાર અને મુખ્યમંત્રી રૂપાણીએ આ અંગે માહિતી આપી હતી. આ પ્રેસ કૉન્ફરન્સમાં સીએમ રૂપાણી, મહેસુલ સચિવ પકંજ કુમાર, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા, રાજ્યના ગૃહમંત્રી ઉપસ્થિત રહ્યા હતા.

સીએમ રૂપાણીએ કહ્યું કે ‘કાયદો વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે માથાભારે તત્વો માથું ન ઉંચકે તે માટે લેન્ડગ્રેબિંગ, સાયબર ક્રાઇમ, ટપોરીઓ જે શરૂઆત કરે અને તેને અંકુશમાં ન કરીએ તો મોટી ગેંગ બનતી હોય છે. ગત વિધાનસભામાં અમે ગુંડાધારો, લેન્ડ ગ્રેબિંગ, ખોટા દસ્તાવેજ વગેરેના ગુનાઓ અંગે કાયદા ઘડ્યા છે. આ અંગે સરકારે અધિકારીઓને છૂટો દોર આપ્યો છે. હજુ પણ આપણે એવી રીતે આગળ વધી રહ્યા છે કે ઓછામાં ઓછી ચોક્કસ સજા પડે અને ભ્રષ્ટાચારીઓ પર ધાક બેસાડવી પડે. આવક કરતાં વધુ મિલકતના કેસમાં તો સાત મહિના આઠ મહિના એક કેસમા જતા હોય છે,ત્યારે આવા કેસ માટે જરૂરિયાત મુજબ વધારે સ્ટાફ, સાધનો, ટેકનોલોજી આપણે આપી રહ્યા છે.

સીએમ રૂપાણીએ આ અંગે જણાવ્યું હતું કે રાજ્યમાં એન્ટિ કરપ્શન બ્યૂરોને સરકાર દ્વારા ફ્રી હેન્ડ આપવામાં આવ્યો છે. વર્ષ 2016માં 258 કેસ, 2017માં 148, 2018માં 332, 2019માં 255, 2020માં 199 કરપ્શનના કેસ કરવામાં આવ્યા છે. 2016માં 433 વ્યક્તિ, 2017માં 213, 2018માં 730, 2019માં 470, 2020માં 310 લાંચિયા વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

2016માં 26 કરોડ, 2018માં 15, 2018માં
3 કરોડ, 2019માં 47 કરોડ, 2020માં 50.55 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર પકડવામાં આવ્યો છે. 2021માં 8 દિવસમાં 33 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર પકડવામાં આવ્યો છે.

220 કરોડથી વધુની જમીનમાં લેન્ડગ્રેબિંગની અરજી આવી

આ પ્રેસ કૉન્ફરન્સમાં લેન્ડ ગ્રેબિંગ અંગે મહેસૂલ સચિવ પંકજ કુમારે કહ્યું કે સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ પસાર કર્યો હતો. આ અંગે અત્યારસુધીમાં 647 અરજીઓ આવી છે જેની તપાસ કરવામાં આવી છે. અત્યારસુધીમાં 16 એફઆઈઆર દાખલ કરી અને 34 લેન્ડગ્રેબરનો સમાવેશ થાય છે. 1 લાખ 35000 ચોરસમીટરથી વધુની જમીન છે. આ જમીનની જંત્રી કિંમત 220 કરોડથી વધારે સંકળાયેલી છે. આ 16 એફઆઈઆરથી આટલા મોટા પ્રમાણમાં દબાણ થયેલી જમીનોનાં મામલા સામે આવ્યા છે.

1240 વ્યક્તિને પાસા થયા

આ પ્રેસ કૉન્ફરન્સમાં ડીજીપી આશિષ ભાટીયા પણ ઉપસ્થિતિ રહ્યા હતા. રાજ્યના પોલીસ વડા ભાટીયાએ જણાવ્યું કે પાસામાં સાયબર ક્રાઇમ સહિતની નવી કેટેગેરી ઉમેરવામાં આવી છે. 31 માર્ચ 1240 વ્યક્તિઓને પાસા કરવામાં આવ્યા છે. પાસાનો ઉપયોગ કરી માથાભારે વ્યક્તિઓને જેલમાં ધકેલવામાં આવ્યા છે. આ સાથે ગુજસીટોકનો કાયદો ઘડવામાં આવ્યો છે. અત્યારસુધીમાં કુલ 11 કેસમાં 100થી વધુ માથાભારે આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં 20,000થી વધુ નાસતા ફરતા આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

આરઆરસેલની નાબૂદી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે 1995થી ચાલતી આરઆરસેલ નાબૂદ કરવામાં આવી છે. હવે ટૂંક સમયમાં પોલીસના બોડી પર કેમેરો લાગશે તેની સમગ્ર કાર્યવાહી કોઈ ત્રીજી વ્યક્તિ નિહાળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

રાજ્યના તમામ જિલ્લામાં સાયબર પોલીસ મથક બનશે
મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે આરઆરસેલની નાબૂદી કરી અને એસપીની સત્તામાં વધારો કરવામાં આવશે, આ ઉપરાંત હાલની સ્થિતિને જોતા સાયબર ક્રાઇમના ગુનાઓ વધતા દરેક જિલ્લામાં સાયબર પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે.

PI-PSIના યૂનિફોર્મ પર કેમેરા લાગશે

પ્રેસ કૉન્ફરન્સમાં માહિતી આપવામાં આવાી કે રાજ્યમાં આગામી દિવસોમાં તમામ પીઆઈ અને પીએસઆઈના યૂનિફોર્મ પર બોડી કેમેરા લગાડવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here