કસ્ટોડિયલ ડેથ બાદ લાશ સગેવગે કરવા મામલે હાઇકોર્ટના આદેશ બાદ ફતેગંજના PI-PSI સહિત 6 પોલીસ સામે હત્યાનો ગુનો દાખલ

0
362
  • 7 મહિના પહેલા ફતેગંજ પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીઓએ માર મારતા ચોરીના શકમંદનું મોત થયું હતું
  • PI ગોહિલ અને PSI રબારી સહિત 6 પોલીસકર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો, હજી સુધી એકપણ આરોપી પકડાયો નથી

વડોદરા. 7 મહિના પહેલા ચોરીની શંકામાં ઝડપાયેલા આધેડનું ફતેગંજ પોલીસ મથકના તત્કાલિન PI ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને PSI દશરથ રબારી સહિત સર્વેલન્સ સ્ક્વોડના 6 પોલીસ જવાનોએ માર મારતા મોત નીપજ્યું હતું. આ ચકચારી બનાવમાં હાઇકોર્ટના આદેશાનુસાર તમામ 6 આરોપીઓ સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ બનાવમાં હજી સુધી એક પણ આરોપી ઝડપાયો નથી. 

અમદાવાદનો શેખ બાબુ શેખ ફેરી કરીને ચાદરો વેચતો હતો
મૂળ તેલંગાનાના વતની શેખ બાબુ(ઉં.62) અમદાવાદમાં રહેતા હતા અને રોજ વડોદરા સહિત વિવિધ શહેરોમાં ફેરી ફરીને ચાદરો વેચતા હતા. 10 ડીસેમ્બર-2020ના રોજ તેઓ તેઓના જમાઇ ઇબ્રાહિમખાન કાસીમખાન પઠાણ(રહે. તેલગાંણા) સાથે વડોદરા આવ્યા હતા. જ્યાં બંનેએ સેન્ટ્રલ એસ.ટી. ડેપો પાસે નાસ્તો કર્યો હતો. ત્યારબાદ બાબુ શેખ સાઇકલ ઉપર ચાદરો મુકીને ફેરી ફરવા માટે ગયા હતા.

ગુનો કબુલ કરાવવા પોલીસે થર્ડ ડિગ્રી ટોર્ચર કરતા આધેડનું મોત થયું હતું
દરમિયાન ફતેગંજ પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના જવાનો ટી.પી.-13 વિસ્તારમાં રહેતા સતીષ ઠક્કરના ઘરમાં થયેલી ચોરીના ગુનામાં શેખ બાબુ શેખની શકદાર તરીકે અટકાયત કરી હતી અને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં લઇ આવ્યા હતા. જ્યાં કમ્પ્યુટર રૂમમાં ખુરશી ઉપર પટ્ટાથી બાંધી દીધા હતા. અને ચોરીની કબુલાત કરાવવા માટે શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. હાથની વચ્ચે પેન ફસાવી ગુનો કબુલ કરાવવા માટે થર્ડ ડિગ્રી ટોર્ચર કર્યું હતું. જેમાં તેઓનું મોત નીપજ્યું હતું. શેખ બાબુ શેખનું મોત નીપજતાં ફતેગંજ પોલીસ મથકના તત્કાલિન પી.આઇ. ધર્મેન્દ્રસિંહ બુટકસિંહ ગોહિલ, પી.એસ.આઇ. દશરથ માધાભાઇ રબારી, અ.લો.ર. પંકજ માવજી, અ.લો.ર. યોગેન્દ્રસિંહ જીલણસિંહ, અ.લો.ર. રાજેશ સવજી અને હિતેશ શંભુભાઇએ મળીને લાશ સગેવગે કરી દીધી હતી.

સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપ્યા બાદ હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો
નોંધનીય છે કે, મોડી રાત સુધી સસરા શેખ બાબુ શેખ સેન્ટ્રલ એસ.ટી. ડેપો પરત ન આવતા તેઓએ પોતાના તેલંગાણા ખાતે રહેતા સાળા સલીમ બાબુ શેખને ફોન ઉપર જાણ કરી હતી. અને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં બાબુ શેખ ગુમ થયાની અરજી આપી હતી. સયાજીગંજ પોલીસ મથકના ACP પરેશ ભેંસાણીયા દ્વારા તપાસ કરવામાં આવી હતી. પરંતુ, તેઓ મળી આવ્યા ન હતા. બીજી બાજુ બાબુ શેખના પુત્ર સલીમ શેખ અને જમાઇએ ગુમ શેખ બાબુ શેખની તપાસ ચાલુ રાખી હતી. અને પોલીસ કમિશનર સહિત હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

પોલીસે ફરિયાદની કોપી ડિલીટ કરીને પુરાવાનો નાશ કર્યો હતો
દરમિયાન આ બનાવની તપાસ પોલીસ કમિશનર અનુપસિંહ ગેહલોતે ACP જી.એસ. પાટીલને કરવા માટે હુકમ કર્યો હતો. ACP જી.એસ. પાટીલની લાંબી તપાસ અને વિવિધ લોકોના લીધેલા નિવેદનોમાં ફતેગંજ પોલીસ મથકના તત્કાલિન PI ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને તેમના સર્વેલન્સ સ્ટાફ દ્વારા શેખ બાબુ શેખની અટકાયત કરીને તેઓને માનસિક, શારીરીક ત્રાસ આપતા મોત નીપજ્યું હોવાની હકીકત બહાર આવી હતી. આ સાથે તેઓની લાશ સગેવગે કરી દીધી હોવાની હકીકત બહાર આવી હતી. ઉપરાંત ફરિયાદની કોપી પણ ડિલીટ કરીને પુરાવાનો નાશ કર્યો હોવાની અને બી સમરી ભરી દીધી રિપોર્ટ રજૂ કરી દીધો હોવા સુધીની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. 

હાઇકોર્ટે બાબુ શેખ બાબુને 10 જુલાઇએ હાજર કરવા માટે આદેશ કર્યો હતો
બીજી બાજુ હાઇકોર્ટ બાબુ શેખને 10 જુલાઇ-2020ના રોજ હાજર કરવા માટે આદેશ કર્યો હતો. જોકે, 10 જુલાઇ આવે તે પહેલાંજ ACP જી.એસ. પાટીલે બાબુ શેખના મોત માટે જવાબદાર 1) PI ધર્મેન્દ્રસિંહ બટુકસિંહ ગોહિલ (રહે. 61, સર્વોદય સોસાયટી, નિઝામપુરા, વડોદરા. મુળ રહે. બેન્ક કોલોની, તળાજા, ભાવનગર), 2) PSI દશરથભાઇ માધાભાઇ રબારી (રહે. કમલાપાર્ક સોસાયટી (ભગીરથ) કેડીલા રોડ, અમદાવાદ, મુળ રહે. કનીજસ મહેમદાવાદ, જિ. ખેડા)., 3) પોલીસકર્મી પંકજ માવજી (ચલાલા પોલીસ સ્ટેશન), 4) યોગેન્દ્રસિંહ જીલણસિંહ (રહે. એફ-2, શિવાસી સોસાયટી, છાણી જકાતનાકા, મુળ રહે. કમ્બોસણી, સાબરકાંઠા), 5) રાજેશ સવજીભાઇ (રહે. 105, શિવમ રેસિડેન્સી, છાણી ગામ મુળ રહે. ખાનપર, તા.જિ. મોરબી) અને 6) હિતેશ શંભુભાઇ 118, અંલકાર એપાર્ટમેન્ટ, છાણી જકાતનાકા, મુળ રહે. પ્લોટ નંબર-2427, શિવાજી સર્કલ પાસે, ઘોઘા રોડ, ભાવનગર) સામે આઇ.પી.સી. કલમ 304, 201, 203, 204 અને 34 મુજબ ફતેગંજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં હવે આ તમામ આરોપીઓ સામે હત્યાની કલમ-302નો ઉમેરો કરવામાં આવ્યો છે. 

હજી એક પણ આરોપીની ધરપકડ થઇ નથી
ઉલ્લેખનિય છે કે, શેખ બાબુ શેખના બનાવે ભારે ચકચાર જગાવતા આ તમામ આરોપીઓની પોલીસ કમિશનર દ્વારા બદલીઓ કરવામાં આવી હતી. જેમાં રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલી બદલીઓમાં પી.આઇ. ધર્મેન્દ્રસિંહ ગોહિલની અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી હતી. ફેરી ફરીને ગુજરાન ચલાવતા વેપારીને પોલીસ મથકમાં બાંધીને માર મારતા થયેલા મોતના બનાવમાં તત્કાલિન PI ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને PSI દશરથ રબારી સહિત 6 પોલીસ જવાનો સામે હત્યાની ફરિયાદ નોંધાતા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. જોકે, આ બનાવમાં હજી એક પણ આરોપીની ધરપકડ થઇ નથી. પરંતુ, આ ગુનામાં વપરાયેલી કાર કબજે કરવામાં આવી છે.