રાજકોટમાં કોરોનાથી 2નાં મોત, જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1100ને પાર

0
446
  • ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી
  • દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની કાર્યવાહી હાથ ધરી

રાજકોટ. રાજકોટમાં આજે 2 લોકોનાં કોરોનાથી મોત નિપજ્યા છે. ગોંડલ તાલુકાના બાબુભાઈ ગાંડુભાઈ લીલા (ઉં.વ.75) અને વઢવાણ તાલુકાના ઈબ્રાહિમભાઈ દાઉદભાઈ (ઉં.વ. 58)નું કોરોનાથી મોત નિપજ્યું છે. 

જામનગરમાં કોરોનાથી 2નાં મોત
જામનગરમાં આજે કોરોનાથી 2નાં મોત નિપજ્યા છે. જામનગરમાં રહેતા વસંતભાઈ ભટ્ટ (ઉં.વ.75) અને સુરેશભાઈ દેવાણી (ઉં.વ. 75)નું કોરોનાથી મોત નિપજ્યું છે. જામનગર જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધીમાં 31 લોકોનાં મોત થયા છે. 

401 દર્દીઓ સારવાર હેઠળ
મંગળવારે વધુ 58 કેસ નોંધાયા હતા. જેમાં શહેરના 45, જ્યારે ગ્રામ્ય વિસ્તારના 13 કેસ છે. તેમજ 30 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. જેમાં 28 રાજકોટના છે. હાલ 401 દર્દીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જેમાંથી 199 સરકારીમાં છે, જ્યારે 202 ખાનગી હોસ્પિટલમાં છે. જેથી ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે.

કેસ વધે તેમ ટેસ્ટ વધારવા જરૂરી
રાજ્ય સરકારના કુલ સેમ્પલ અને પોઝિટિવ કેસની સંખ્યા મુજબ પોઝિટિવિટી રેશિયો 8થી 9 ટકાની વચ્ચે છે અને જેમ જેમ ટેસ્ટની સંખ્યા વધારાશે તેમ આ રેશિયો પણ ઘટશે પણ રાજકોટમાં ટેસ્ટની સંખ્યા મર્યાદિત જ રાખી કેસ ઓછા આવે તેવા પ્રયાસો થઈ રહ્યા છે પણ તેનાથી ઊલટું થઈ રહ્યું છે. લોકોમાં સંક્રમણ ફેલાયું હોવાથી પોઝિટિવ આવવાની સંખ્યા વધી રહી છે. જેમ જેમ રેશિયો વધે તેમ તેમ કેસ વધતા હોવાથી ટેસ્ટની વધુ જરૂર છે તેમ સાબિત થાય અને ટેસ્ટ વધારવા પડે જો કે રાજકોટમાં કેસ વધી રહ્યા છે પણ ટેસ્ટ ન વધારાતા હોવાની સાબિતિ પોઝિટિવિટી રેશિયો આપી રહ્યો છે.

એક્સપર્ટઃ શંકાસ્પદ અને દર્દીના સંપર્કવાળાના સેમ્પલ લેવા જોઈએ
કોમ્યુનિટી હેલ્થમાં જેમ જેમ પોઝિટિવિટી રેશિયો વધુ હોય તેમ સંક્રમણ વધુ છે તેમ કહેવાય. જો ટેસ્ટની સંખ્યા વધારાય તો શક્ય તેટલા કેસ સામે આવે અને પછી આ રેશિયો ઘટતો જાય.રેશિયો ઘટાડવા માટે આડેધડ અને ખોટા સેમ્પલ કરતાં પોઝિટિવ દર્દી છે તેના સંપર્કો જેમ કે પરિવાર અને સહકર્મચારીના બધાના સેમ્પલ લેવા જોઈએ. – ડો. બિમલ બૂચ, નિવૃત્ત આરએમઓ

આરોગ્ય વિભાગે કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરી
આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે.