- પિડિયાટ્રિશ્યન, બેંક મેનેજર અને હેલ્થ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા
- શહેરની સાથે જિલ્લામાં પણ કોરોનાના કેસમાં વધારો થયો, આંક 1922
સુરત. મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે, શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 10872 થઈ ગઈ છે. આ સાથે કોરોનાનો કુલ મૃત્યુઆંક 483 થઈ ગયો છે. ગત રોજ શહેરમાંથી 101 અને જિલ્લામાંથી 40 દર્દીઓ સહિત 141 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. જેથી કુલ 7076 જેટલા કોરોનાના દર્દીઓ રિકવર થયા છે.
સુમુલના માજી ચેરમેન અને તેમની પત્ની સંક્રમિત હોસ્પિટલમાં દાખલ
ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘ અને સુમુલ ડેરીના માજી ચેરમેન અને માજી સાંસદ માનસિહ પટેલ અને તેમની પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવતા ચલથાણની સંજીવની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. તાવ, શરદી અને ખાંસીની તકલીફ જણાતા તપાસ કરાવી હતી. જેમાં મંગળવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
એક્ષપોર્ટર, યાર્નના વેપારી, ટ્રાવેલર્સ સંક્રમિત
સાઉથ વેસ્ટ ઝોન વિસ્તારમાં રહેતા અને કોલસો એક્ષપોર્ટ કરતા એક્ષપોર્ટર પણ સંક્રમિત થયા છે. તેવી જ રીતે સાઉથ વેસ્ટ ઝોનમાં જ રહેતા અને યાર્નનો વેપાર કરતા વેપારી પણ સંક્રમિત થયા છે. જ્યારે કતારગામ વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા ટ્રાવેલર્સને પણ ચેપ લાગ્યો છે.
નવી સિવિલના ડોક્ટર, નર્સ અને પ્રાઈવેટ પિડિયાટ્રિશ્યન પણ સંક્રમિત
સિવિલ કેમ્પસમાં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા વધુ બે તબીબ સંક્રમિત થયા છે. તેવી જ રીતે સાઉથ વેસ્ટ ઝોનમાં રહેતા અને કેશવ ચીલ્ડ્રન હોસ્પિટલના પિડિયાટ્રિશ્યન તેમજ રાંદેર વિસ્તારમાં રહેતા અને ગગન ચીલ્ડ્રન હોસ્પિટલના પિડિયાટ્રિશ્યન પણ સંક્રમિત થયા છે. નવી સિવિલ કેમ્પસમાં રહેતા અને નવી સિવિલમાં ફરજ બજાવતા નર્સ, રાંદેર વિસ્તારમાં રહેતા નવી સિવિલ હોસ્પિટલના નર્સ તેમજ સાઉથ ઝોન વિસ્તારમાં રહેતા સ્મીમેરના મેલ નર્સ અને મસ્કતી હોસ્પિટલના વોર્ડ બોય પણ સંક્રમિત થયા છે.
રિલાયન્સના એક્ઝિક્યુટિવ, એન્જિનિયર અને શીપીંગ કર્મચારી પણ સંક્રમિત
સાઉથ વેસ્ટ ઝોન વિસ્તારમાં રહેતા અને રિલાયન્સ હજીરામાં ફરજ બજાવતા એક્ઝિક્યુટિવ, રાંદેર વિસ્તારમાં રહેતા રિલાયન્સના એન્જિનિયર, તેમજ રાંદેર વિસ્તારમાં રહેતા અને રિલાયન્સ હજીરા ખાતે ફરજ બજાવતા શીપીંગ કર્મચારી પણ સંક્રમિત થયા છે.
પાલિકા તેમજ જિલ્લાના હેલ્થ કર્મચારીઓમાં સંક્રમણ
ઓરણા પ્રાઈમરી હેલ્થ સેન્ટરના હેલ્થ વર્કર સંક્રમિત થયા છે. તેવી જ રીતે વરાછા ઝોનના મુકાદમ, વરાછા ઝોનના વીબીડીસી વિભાગના બેલદાર, રાંદેરના એસએસઆઈ, સેટ્રલ ઝોનના એસઆઈ, સાઉથ ઝોન બમરોલીના એએનએમ, તેમજ ઉત્રાણ અર્બન હેલ્થ સેન્ટરના નર્સ પણ સંક્રમિત થયા છે.