એક જ દિવસમાં કોરોનાથી 21 મોત, વધુ 298 પોઝિટિવ આવ્યા, માત્ર 141 સાજા

0
404

સ્મશાનભૂમિ રાત્રે પણ કાર્યરત

સુરત. શહેરમાં 225 અને જિલ્લામાં 73 સાથે મંગળવારે શહેર જિલ્લામાં કોરોનાના 298 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 10872 થઈ ગઈ છે. મંગળવારે અત્યાર સુધીમાં સૌથી વધુ 21 કોરોના પોઝિટિવ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. આ સાથે કોરોનાનો કુલ મૃતાંક 483 થઈ ગયો છે. શહેરમાંથી 101 અને જિલ્લામાંથી 40 દર્દીઓ સહિત 141 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા મંગળવારે તેમને રજા આપવામાં આવી છે. શહેર જિલ્લામાં મંગળવારે સામે આવેલા પોઝિટિવ કેસોમાં ખાસ કરીને સુમલ ડેરીના માજી ચેરમેન અને તેમની પત્ની, નવી સિવિલ હોસ્પિટલના તબીબ, પિડિયાટ્રિશ્યન, બેંક મેનેજર, એક્ષપોર્ટર, રિલાયન્સના એન્જિનિયર તેમજ કર્મચારી અને પાલિકાના હેલ્થ કર્મચારીઓનો સમાવેશ થયો છે.

સુમુલના માજી ચેરમેન માનસિંહ પટેલને ચેપ
ગુજરાત રાજ્ય ખાંડ ઉદ્યોગ સંઘ અને સુમુલ ડેરીના માજી ચેરમેન અને માજી સાંસદ માનસિહ પટેલ અને તેમની પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવતા ચલથાણની સંજીવની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. તેમને તાવ, શરદી અને ખાંસીની તકલીફ હતી. આ સાથે સિવિલ કેમ્પસમાં રહેતા અને સિવિલ હોસ્પિટલના વધુ બે તબીબ સંક્રમીત થયા છે. તેવી જ રીતે સાઉથ વેસ્ટ ઝોનમાં રહેતા અને કેશવ ચીલ્ડ્રન હોસ્પિટલના પિડિયાટ્રિશ્યન તેમજ રાંદેર વિસ્તારમાં રહેતા અને ગગન ચીલ્ડ્રન હોસ્પિટલના પિડિયાટ્રિશ્યન પણ સંક્રમીત થયા છે. નવી સિવિલ કેમ્પસમાં રહેતા અને નવી સિવિલમાં ફરજ બજાવતા નર્સ, રાંદેર વિસ્તારમાં રહેતા નવી સિવિલ હોસ્પિટલના નર્સ તેમજ સાઉથ ઝોન વિસ્તારમાં રહેતા સ્મીમેરના મેલ નર્સ અને મસ્કતી હોસ્પિટલના વોર્ડ બોય પણ સંક્રમીત થયા છે.

રિલાયન્સના એક્ઝિ.એન્જિનિયર અને શિપિંગ કર્મચારી પણ સંક્રમિ
સાઉથ વેસ્ટ ઝોન વિસ્તારમાં રહેતા અને રિલાયન્સ હજીરામાં ફરજ બજાવતા એક્ઝિક્યુટિવ, રાંદેર વિસ્તારમાં રહેતા રિલાયન્સના એન્જિનિયર, તેમજ રાંદેર વિસ્તારમાં રહેતા અને રિલાયન્સ હજીરા ખાતે ફરજ બજાવતા શીપીંગ કર્મચારી પણ સંક્રમીત થયા છે.

કોરોના ગાઇડલાઇનથી મંગળવારે 43 લાશોનું અંતિમસંસ્કાર કરાયું
એકસાથે 21 કોરોના દર્દીઓના મોતને પગલે મંગળવાર ખુબ ગોઝારો રહ્યો હતો. જ્યારે આ એક દિવસમાં જ 43 મૃતદેહોની કોવિડ ગાઇડ લાઇન મુજબ વિધિ કરવામાં આવી હતી. કોવિડ પ્રોટોકોલ મુજબ થયેલી વિધિનો આંક સુરતમાં હવે 1300 સુધી પહોંચી ગયો હોવાનું પણ જાણવા મળ્યું હતું. 21 સત્તાવાર મોતની યાદી સાથે મંગળવારે ફાયર વિભાગે ખાનગી હોસ્પિટલમાંથી 14 જ્યારે સ્મીમેરમાંથી 3 મૃતદેહોની અંતિમ વિધિ કરી હોવાનું જણાવ્યું હતું. તેવી જ રીતે એકતા ટ્રસ્ટે 26 મૃતદેહોનો કબજો મેળવી અંતિમ સંસ્કાર કર્યાં હોવાનું ઉમેર્યું હતું. 

કામરેજના 80 વર્ષીય વૃદ્ધનું કોરોનાની સારવાર દરમિયાન મોત
કતારગામ દરવાજાના 35 વર્ષીય યુવક, નાના વરાછાના 65 વર્ષીય વૃદ્ધા, મોટા વરાછાના 65 વર્ષીય વૃદ્ધ, પાંડેસરાના 59 વર્ષીય વૃદ્ધ, રાંદેરના 62 વર્ષીય વૃદ્ધ, પાલનપોરના 74 વર્ષીય વૃદ્ધ, સૂમૂલ ડેરી રોડના 68 વર્ષીય વૃદ્ધ, અમરોલીના 40 વર્ષીય યુવાન, ઉમરવાડાના 67 વર્ષીય વૃદ્ધા, હીરાબાગના 47 વર્ષીય આધેડ, ગોપીપુરાના 64 વર્ષીય વૃદ્ધા, સિટીલાઈટના 89 વર્ષીય વૃદ્ધ, નાનપુરાના 84 વર્ષીય વૃદ્ધ અને કતારગામના 70 વર્ષીય વૃદ્ધા તેમજ જિલ્લામાં ઓલપાડના બરબોધનના 75 વર્ષીય વૃદ્ધ, બારડોલીના 58 વર્ષીય આધેડ, કામરેજના પાસોદરાના 74 વર્ષીય વૃદ્ધા અને 70 વર્ષીય વૃદ્ધા, ઓલપાડના ઉમરગામના 65 વર્ષીય વૃદ્ધ, પલસાણાના 47 વર્ષીય આધેડ અને કામરેજના 80 વર્ષીય વૃદ્ધનું કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.