- વીડિયો યુવકોએ પોતોના મોબાઈલમાં કેદ કરી લીધો
- ઉશ્કેરાઈ ગયેલા પાલિકા અધિકારીએ હાથ ઉગામ્યો
સુરત. શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકમાં ધરખમ વધારો થયો છે. ત્યારે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના પાલન માટે પાલિકા દ્વારા કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. પાલિકાના અધિકારીઓ રસ્તે જતા લોકોએ માસ્ક ન પહેર્યા હોય તો દંડ વસૂલ કરે છે. ત્યારે પાલિકાના અધિકારીઓનો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં બાઈક ચાલક શ્રમજીવીઓ સાથે મારવા અને ગાળો આપતા હોવાનું સામે આવ્યું છે. જ્યારે બાઈકની ચાવી કાઢી સાઈડમાં લેવા પણ દબાણ કરે છે.
બાઈકની ચાવી કાઢવાનો પ્રયાસ કરી બાઈક સાઈડમાં લેવા દબાણ કર્યું
વાઈરલ વીડિયો પ્રમાણે, એક બાઈક પર બે શ્રમજીવી યુવક જતા હોય છે. દરમિયાન પાલિકા અધિકારીઓ અટકાવે છે. જેમાં બાઈક પાછળ સવાર યુવકનું માસ્ક પવનના કારણે થોડું નીચે હોવાથી તેની પાસેથી દંડ વસૂલ કરવાની તૈયારી કરે છે. દરમિયાન બંને યુવકો તેનો વિરોધ કરે છે. જેથી ઉશ્કેરાઈ ગયેલા એક પાલિકા અધિકારી હાથ ઉગામે છે અને બાઈકની ચાવી કાઢવાનો પ્રયાસ કરી બાઈક સાઈડમાં લેવા દબાણ કરે છે. જોકે, યુવકોના વિરોધના કારણે વધું ઉશ્કેરાઈ ગયેલા પાલિકાના અધિકારી ગાળો આપવા લાગે છે. આ તમામ ઘટનાનો વીડિયો યુવકોએ પોતોના મોબાઈલમાં કેદ કરી લીધો હોય છે. જે હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.
અધિકારીઓને રોડ પર કામગીરી કરવામાં જોર આવે છે
પાલિકાના અધિકારીઓના વાઈરલ વીડિયો સાથે લખાયું છે કે, પાલિકાના અધિકારીઓ વાણી વિલાસ ભૂલ્યા છે. વાહનમાંથી ચાવી કાઢવાની સતા કોના દ્વારા અપાઈ છે. દબંગગીરી સાથેની કામગીરી આ અધિકારીઓને રોડ પર કામગીરી કરવામાં જોર આવતું હોય એમ લોકો સાથે વર્તન કરાઈ રહ્યું છે. જેથી પાલિકા કમિશનર માટે આવા અધિકારીઓને સભ્યતાના ક્લાસ આપવા પડકારરૂપ છે.