ગુજરાત પોલીસમાં ઈ ગુજકોપ પ્રોજેકટ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેકટ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓને દર માસે ઈ-કોપ એવોર્ડ એનાયત કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેમાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લા તથા બ્રાન્ચમાંથી સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓની દરખાસ્ત મંગાવી, કમિટી દ્વારા વિજેતાઓના નામ નક્કી કરી, ઈ-કોપ એવોર્ડ એનાયત કરી, ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા ના હસ્તે સન્માન કરી, સન્માન પત્ર પણ એનાયત કરવામાં આવે છે.
જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા જૂનાગઢ શહરમાંથી ગુમ થયેલ મધુરમ વિસ્તારના અશ્વિનભાઈ પ્રેમજીભાઈ પરમારની તપાસ બનાવની ગંભીરતા આધારે પહેલેથી જ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.કે.ગોહિલ, વાયરલેસ પીએસઆઈ પી.એચ.મશરૂ સહિતના પોલીસ અધિકારીઓની જૂનાગઢ પોલીસની સ્થાનિક સી ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચ, કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ, ટેક્નિકલ સેલ જેવી જુદી જુદી તપાસ ટીમો દ્વારા ગુમ થયેલ અશ્વિનભાઈ પરમારની તપાસ દરમિયાન અશ્વિનભાઈએ ગાડી ભાડે લઈ જનારે રેલવે સ્ટેશન બોલાવેલાની તથા ત્યાંથી ચોટીલા દર્શન કરવા ગયેલાની હકીકત જાણવા મળેલ હતી. જૂનાગઢ પોલીસ ટીમ દ્વારા જહેમત ઉઠાવી, રેલવે સ્ટેશન તથા સમગ્ર જૂનાગઢ શહેરના બનાવ સમયના તથા બનાવ બાદના સીસીટીવી ફુટેજ આધારે ગાડી ભાડે લઈ જનાર બાબતે ઝીણવટ ભરી તપાસ કરતા, રેલવે સ્ટેશન ખાતે ભાડે ગાડી લઈ જનાર પુરુષ મહિલા સાથે મોટર સાયકલ ઉપર આવેલ અને આ બંનેને મુકવા માટે એક યુવાન મોટર સાયકલ લઈને આવેલાનું જાણવા મળેલ હતું. જેના આધારે મોટર સાયકલને સીસીટીવી આધારે રૂટ ટ્રેક કરતા, જમાલવાડી વિસ્તારમાંથી યુવાન અને સ્ત્રી ચાલતા નજરે પડેલ અને ત્યારબાદ મોટર સાયકલ સવાર સાથે બેસેલા જણાયેલ હતા. સીસીટીવીનો ઝીણવટ ભરી રીતે અભ્યાસ કરવામાં આવતા, મોટર સાયકલ નમ્બર GJ-03-JE-8249 જાણવા મળેલ હતો. જે મોટર સાયકલ નમ્બર આધારે પોકેટ કોપ એપ્લિકેશન તેમજ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના ડેટા આધારે તેમજ આરટીઓ એજન્ટ દ્વારા માહિતી મેળવી, સરનામું મેળવતા દેવેન નાનજી કાતરિયા રહે. ખડીયા તા.જી. જૂનાગઢ મળી આવેલ હતું. આ સરનામા આધારે ફરીથી રેલવે સ્ટેશનના સીસીટીવી ચેક કરવામાં આવતા…ગાડી ભાડે રાખી…રેલવે સ્ટેશન ખાતેથી ગાડીમાં બેસતો ઈસમ નાનજી ભીમા કાતરિયા આહીર ઉર્ફે નાસીરખાન ભીખુભાઈ પઠાણ હોવાની વિગત જાણવા મળેલ હતી અને મોટર સાયકલ લઈને મુકવા આવેલ યુવાન સુખનાથ ચોક જમાલવાડી ખાતે રહેતો ઈરફાન મહમદસફી રફાઈ ફકીર હોવાની વિગતો સપાટી ઉપર આવેલ હતી. ઈરફાનની તપાસમાં પોલીસ ટીમને મોકલતા, તેને પોલીસ શોધતી હોવાની જાણ થતાં, ઈરફાન તેની પત્ની સાથે ઘર બંધ કરીને નીકળી ગયેલ હતો. ત્યારબાદ જૂનાગઢ પોલીસને આ તપાસમાં બનાવ ગંભીર હોવાનો અંદેશો અગાઉથી જ આવી ગયેલ હતો.

બીજી તરફ, ગુમ થયેલ યુવાન અશ્વિન પરમારના કુટુંબીજનો સાથે જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ સતત રાત દિવસ સંકલન રાખી, તેઓએ તથા જૂનાગઢ પોલીસના તમામ સ્ટાફ દ્વારા પોતાના કુટુંબનો વ્યક્તિ ગુમ થયેલ હોય તે રીતે સંવેદના દેખાડી, માહિતીઓ મેળવવાનું ચાલુ રાખેલ હતું. જૂનાગઢ પોલીસની તપાસમાં ગાડી ભાડે લેનાર ઈસમ ચોટીલા મંદિર દર્શન કરવા ગયેલ હોઈ, ચોટીલા પોલીસ મારફતે ત્યાંના મંદિર પરિસર તથા રોડના સીસીટીવી ફૂટેજ ચેક કરાવતા, ત્યાં બે મહિલા અને બે પુરુષ સાથે જૂનાગઢ થી ગુમ થનાર અશ્વિન પરમાર દેખાયેલ હતા. ઉપરાંત ટોલટેક્સ ખાતેના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવામાં આવેલ હતા. ત્યાં ચોટીલા પણ આરોપી નાનજી ઉર્ફે નાસિરખાન અને મંજુ ઉર્ફે મરીયમની હાજરી મળી આવેલ હોઈ, આરોપી નાનજી ઉર્ફે નાસિરખાન પઠાણ અંગે પણ ઈ ગુજકોપ આધારે સર્ચ કરવામાં આવતા, આ આરોપી ભૂતકાળમાં, ખૂન, લૂંટ, છેતરપિંડી, હની ટ્રેપ, જેવા ગંભીર ગુન્હાઓમાં સંડોવાયેલ હોઈ, તેને ઉઠાવવામાં આવે તો, આખી ઘટના જાણવા મળે તેમ હોઈ, જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપી નાનજી ઉર્ફે નાસિરખાન પઠાણ તથા પ્રવિણાબેન ઉર્ફે મધુબેન પાણખાણીયાને ઉઠાવી લેતા, પકડાયેલા બંનેએ જૂનાગઢ પોલીસ સમક્ષ બેવડી હત્યાની કબૂલાત કરેલ હતી. આરોપી પ્રવિણાબેન ઉર્ફે મધુબેન પાણખાણીયા બાબતે પણ પોકેટ કોપ એપ્લિકેશન આધારે સર્ચ કરવામાં આવતા, જુગાર ધારા અને જાહેરનામા ભંગના કુલ 03 ગુન્હાઓમાં પકડાયેલ હોવાની વિગતો પણ પોલીસને જાણવા મળેલ હતી. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ ખાતેથી ગુમ થયેલ યુવાન અશ્વિન પરમારની તપાસમાં ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવતા, બેવડી હત્યાનો ભેદ ખુલવા પામેલ હતો.
આમ, જૂનાગઢ પોલીસ દ્વારા તપાસમાં ટેક્નિલોજીનો ભરપૂર ઉપયોગ કરી, ગણત્રીના સમયમાં ગુમ થયેલ વ્યક્તિની તપાસ આધારે બેવડી હત્યાનો ગુન્હો ડીટેક્ટ કરી, આરોપીઓને પકડી પાડી, વેકરી ગામ નજીકના તળાવમાંથી બંને લાશ શોધી કાઢી હતી. જૂનાગઢ પોલીસ દ્વારા તાજેતરમાં ગોંડલ ખાતે બનેલ બનાવમાં ઉકેલવામાં આવેલ ડબબલ મર્ડર કેસમાં જૂનાગઢ પોલીસ દ્વારા ટેક્નિકલ સોર્સ તથા ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવેલ હતો.

જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પણ જૂનાગઢ જિલ્લામાં ઈ ગુજકોપ પ્રોજેકટ અન્વયે સારી કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની દરખાસ્ત ડીજીપી કચેરી ખાતે મોકલવામાં આવી હતી. જે પૈકી જૂનાગઢ જિલ્લા પોલીસ ટીમના જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ આર.કે.ગોહિલ તથા વાયરલેસ પીએસઆઈ પી.એચ. મશરૂની ઈ-કોપ એવોર્ડ ડિસેમ્બર 2020 માટે પસંદગી કરવામાં આવેલ છે. જેઓ ત્રણેય પોલીસ અધિકારીઓ આજરોજ ડીજીપી કચેરી ખાતે એક સાદા સમારંભમાં ગુજરાતના પોલીસ વડા ડીજીપી આશિષ ભાટિયાના હસ્તે ઈ-કોપ એવોર્ડ સ્મૃતિ ચિન્હ અને સન્માન પત્ર એનાયત કરવામાં આવેલ હતા.
જૂનાગઢ જિલ્લા પોલીસ ટીમના જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ આર.કે.ગોહિલ તથા વાયરલેસ પીએસઆઈ પી.એચ. મશરૂની ઈ-કોપ એવોર્ડ ડિસેમ્બર 2020 માટે પસંદગી કરી, એવોર્ડ એનાયત કરવામાં આવતા, પોલીસ અધિકારીઓને જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા પણ અભિનંદન આપવામાં આવેલ છે.
હુસેન શાહ જુનાગઢ