- હવે આ બાળકો પણ પોતાના ઘરે બેસીને ટીવીના માધ્યમથી અભ્યાસ કરી શકે છે
- શિક્ષકના સેવાભાવી કાર્યાને જોઈ અન્ય દાતાઓએ પણ 10 ટીવી તેમજ ડીશ કનેક્શનનું દાન કર્યું
નડિયાદ. મહેમદાબાદના છાપરા ગામના એક શિક્ષકે એક ઉત્તમઉદાહરણ આપતું સેવાનું કાર્ય કર્યું છે. હાલની કોરોના મહામારીને પગલે સમગ્ર શાળા-કોલેજો બંધ છે. ત્યારે ઓનલાઈન તેમજ ટીવીના માધ્યમ દ્વારા બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે. તેવામાં આ શિક્ષકે ગરીબ બાળકો પણ ભણતરથી વિખૂટા ના રહે તે માટે ટીવી તેમજ ડીશ કનેક્શનનું દાન કર્યું છે. જેથી ગરીબ બાળકો પણ પોતાના ઘરે બેસીને ટીવીના માધ્યમથી અભ્યાસ કરી શકે છે.
કેટલીક શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસ પણ ચાલુ કરવામાં આવ્યા
આ વર્ષે સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે. ત્યારે વિદ્યાર્થીની સુરક્ષાને ધ્યાનમાં લઈને માર્ચ મહિનાથી દેશભરની શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે. ત્યારે કેટલીક શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસ પણ ચાલુ કરવામાં આવ્યા છે. પરંતુ ગરીબ તેમજ માધ્યમ વર્ગના બાળકોનું શું? આવા પરિવાર પાસે ટીવીના પણ ફાફા હોય છે ત્યારે તેમના બાળકોને ઓનલાઈન અભ્યાસ મળે એ વિચાવું પણ અઘરુ છે. તેવામાં મહેમદાબાદના છાપરા ગામમાં આવેલી એક પ્રાથમિક શાળાના શિક્ષકે આવા બાળકોના ભવિષ્ય માટે એક અનોખુ દાન કર્યું છે. તેઓએ બાળકોના ઘરમાં ટીવી-ડીશ કનેક્શન લગાવી આપ્યું છે. જેથી તેઓ પણ ટીવીના માધ્યમથી અભ્યાસ કરી શકે છે. શિક્ષકના આ સેવાભાવી કાર્યાને જોઈ અન્ય દાતાઓએ પણ 10 ટીવી તેમજ ડીશ કનેક્શન દાન કર્યું છે.
શિક્ષકના આ ઉમદા કાર્યની જિલ્લા પ્રાથમિક શાળાના શિક્ષણાધિકારીએ નોંધ લીધી
શિક્ષકની આ પહેલના કારણે હવે આ ગામના બાળકો ઘરે જ બેસીને ટીવીના માધ્યમથી અભ્યાસ કરી શકે છે. શિક્ષકના આ ઉમદા કાર્યની જિલ્લા પ્રાથમિક શાળાના શિક્ષણાધિકારીને જાણ થતા તેઓએ જાતે જ છાપરાની પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શિક્ષકને અભિનંદન પાઠવ્યું હતું. તેમજ તેમની હાજરીમાં જ બાળકોને ટીવી તેમજ ડીશ કનેક્શન આપવામાં આવ્યા હતા.