શાકભાજી, ફળ અને ઔષધિ હવે કરાઇ એકેડમીમાં જ ઉગે છે
અમદાવાદ. કોરોનાના કારણે કેટલાય લોકોના જીવનમાં અને જીવન શૈલીમાં પરિવર્તન આવી ગયું છે. જેમાં ગુજરાત પોલીસ પણ બાકાત નથી. કરાઈ પોલીસ એકેડમીમાં છેલ્લા 27 વર્ષથી બાવળિયાનું જંગલ હતું તે હવે ઔષધિ વન બની ગયું છે. શાકભાજીવાળા સુપર સ્પ્રેડરના કારણે આવેલા વિચાર બાદ કરાઈ પોલીસ એકેડમી હવે જાતે જ શાકભાજી ફળ અને ઔષધિ ઉગાડી રહી છે.
ગાંધીનગર કરાઈ પોલીસ એકેડમીમાં 80 એકર જગ્યામાં હાલ કેડેટ માટે તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. પણ અચાનક કોરોના આવી જતા અન્ય સ્થળોની જેમ અહીંયા પણ કોરોનાનો ડર વ્યાપી ગયો છે. તે સમયે લોકડાઉન હતું અને કેડેટ માટે રોજ બહારથી શાકભાજી લાવવું પડતું હતું. જે અધિકારીઓ માટે ચિંતાનું કારણ પણ હતું.

પણ અહીંયા જ કશું બની શકે તે માટે અધિકારીઓ દ્વારા શું થઈ શકે તે માટે પ્રયાસ કરવા વિચાર કરવામાં આવ્યો હતો. આ અંગે કરાઈ પોલીસ એકેડમીના ઇન્ચાર્જ મયકસિંહ ચાવડાએ દિવ્યભાસ્કરને જણાવ્યુ હતું કે, અહીંયા પહેલા બાવળિયા જ હતા પણ અમે જેસીબીથી બાવળિયા કાઢી નાખ્યા અને ત્યાં શાકભાજી ઉગાડવાનું શરૂ કરી દિધુ છે. તેની સાથે તુલસી, અરડૂસી અને અન્ય આયુર્વેદિક વન ઉભું કર્યું છે. જે હાલની સ્થિતિમાં ખૂબ જરૂરી હતું. એક અંદાજ પ્રમાણે કરાઇમાં દર વર્ષે 50 હજાર કિલો શાકભાજી જરૂર પડે છે જે હવે આવનારા સમયમાં તેની જરૂરિયાત ખરીદી ઓછી થઈ જશે.

