જામનગર શહેરમાં હાલ કોરોનાના સારવાર હેઠળ ૧૦૨ એકટિવ કેસ

0
316

લોકડાઉન દરમિયાન કોરોના મામલે લગભગ સલામત તબક્કે રહેલું જામનગર શહેર અનલોક બાદ કોરોનાનું હોટસ્પોટ બની ગયું હોય તેમ કોરોનાએ શહેરમાં ભયજનક રીતે આક્રમણ કર્યું છે. અનલોકમાં અનિયંત્રિત રીતે વિસ્તરેલા કોરોના સંક્રમણથી શહેરનું આરોગ્ય તંત્ર પણ હેબતાઇ અને હાફી ગયું હોય તેમ જણાય રહ્યું છે. તંત્ર પાસે હવે લોકોને સમજાવવા અને અપીલ કરવા સિવાય કોરોનાને નાથવાની નક્કર કોઇ યોજના હોય તેમ જણાતું નથી. કોરોનાના ભયાવહ સંક્રમણનો ખ્યાલ એ વાત પરથી આવે છે કે, છેલ્લા બે સપ્તાહમાં શહેરમાં નવા 131 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા એક સપ્તાહમાં 69 કેસ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 23 શહેરીજનો જીવ કોરોના ભરખી ગયો છે.

જામનગર શહેરમાં કોરોના સંક્રમણનું સ્ટેટીસ્ટીકસ જોઇએ તો આજે સવાર સુધીમાં કુલ 345 લોકો સંક્રમણનો શિકાર બન્યા છે. જ્યારે 220 સંક્રમિતો કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. જ્યારે 102 દર્દીઓ હાલ કોરોના સામે જજુમી રહ્યા છે. બીજા અર્થમાં કહીએ તો શહેરમાં હાલ કોરોનાના 102 એકટીવ કેસ મોજુદ છે. જામનગર શહેરમાં 21 જુલાઇ સુધીમાં આરોગ્ય તંત્ર દ્વારા કુલ 5122 શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યકિતઓના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 4801 સેમ્પલ ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.

શહેરમાં હાલ 536 વ્યકિતઓને હોમકવોરન્ટાઇન, 196ને હોટલ કવોરન્ટાઇન અને 60 વ્યકિતને સરકારી કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે. શહેરમાં સતત વધતા જતાં કોરોના પોઝિટીવ કેસને પગલે વહિવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ 248 કન્ટેઇનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યા છે. જે પૈકી 21 જુલાઇની સ્થિતિએ શહેરમાં 100 કન્ટેઇનમેન્ટ વિસ્તારો સક્રિય છે. શહેરના આરોગ્ય તંત્ર દ્વારા 21 જુલાઇ સુધીમાં 26 લાખ 81 હજાર 493 લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે. આ સ્ક્રિનિંગની પ્રક્રિયા એ સતત પ્રક્રિયા છે. જેને કારણે સમયાંતરે એક થી વધુ વખત સ્ક્રિનિંગ કરવામાં આવતું હોય ઉપરનો આંકડો દર્શાય રહ્યો છે.

અહેવાલ: સાગર પટેલ, જામનગર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here