કતારગામમાં દૂધની ડેરીમાં વૃદ્ધને ચપ્પુના ઘા મારી લૂંટ, માલિકના ભત્રીજાએ લૂંટ ચલાવી હોવાની શંકા

0
263
  • દૂધ લેવા આવવાનું બહાનું કરી લૂંટ ચલાવાય
  • અંદાજીત 1.80 લાખની લૂંટ કરી લૂંટારું ફરાર

સુરત. શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી ડેરીમાં સવારે લૂંટારૂ ત્રાટક્યા હતા. ડેરીમાં હાજર ડેરી માલિકના વૃદ્ધ પિતાને ચપ્પુના ઘા મારી લૂંટારૂઓ 1.80 લાખની રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા. ડેરી માલિકના જણાવ્યા પ્રમાણે તેમના જ ભત્રીજાએ તેના સાથી મિત્ર સાથે મળી લૂંટ ચલાવી હોવાની શંકા વ્યક્ત કરી છે. જેથી આ શંકા આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વૃદ્ધને માથામાં 8 અને નાક પર 2 ટાકા આવ્યા
કતારગામ વિસ્તારમાં આવેલા કુબેરનગરમાં અરજણભાઈ કનસાગરા(ઉ.વ.72) પરિવાર સાથે રહે છે અને નજીકમાં દૂધની ડેરી ચલાવતા પુત્રને મદદ કરે છે. અરજણભાઈના પુત્ર અશોકે જણાવ્યું હતું કે બે જણા બાઇક પર આવ્યા હતા. કાઠિયાવાડી ભાષા બોલતા હતા. ત્યારબાદ દૂધ લેવા આવવાનું બહાનું કરી મારા પિતાને ચપ્પુના ઘા મારી 3 દિવસનો વકરો મળી 1.80 લાખની લૂંટ કરી ભાગી ગયા છે. પિતાને માથામાં 8 અને નાક પર 2 ટાકા આવ્યા છે અને આંખમાં ગંભીર ઇજા થઈ છે.

ભત્રીજા પર લૂંટની શંકા
અશોકે વધુમાં જણાવ્યું હતું કે, લૂંટ પાછળ ગામડે રહેતા ભાઈ જગદીશનો પુત્ર ગીત (ભત્રીજો) ની સંડોવણી દેખાય રહી છે. લૂંટ બાદ ઘરે આવ્યો હતો અને લિંબાયતના હોય એવું કહી ચાલી ગયો હતો. ગીત લોકડાઉનમાં 6 બાઇક ચોરીના કેસમાં જુવેનાઇલ કસ્ટડીમાં હતો. બીમાર પડતા સિવિલમાં દાખલ થતાં અમે જ જામીન પર છોડાવ્યો હતો.

ભત્રીજો આ પહેલા પણ ચોરી કરતા પકડાયેલો
અશોકે વધુમાં જણાવ્યું કે, ગીત માત્ર બે ટાઈમ જમવા જ ઘરે આવતો હતો. રાત્રે તેના ઐયાસ મિત્રો સાથે રખડ્યા કરતો હોય છે. છેલ્લા 3 દિવસથી જમવા પણ આવ્યો નથી. 5 મહિના પહેલા સુતેલા પિતાના માથા નીચેથી દુકાનની ચાવી ચોરી દુકાનમાંથી 40-45 હજારની ચોરી કરતા મે રંગેહાથે પકડ્યો હતો તો બાથરૂમમાં ભાગીને સંતાઈ ગયો હતો. દરવાજો તોડી બહાર કાઢ્યો તો ગીતે મારા પર એસિડ એટેક કર્યો હતો. 4 મહિના પહેલા પણ 10 હજારની ચોરી કરી હતી. માર મારતા ઘરના એક ખુણામાં મૂકેલા ડબ્બામાંથી રૂપિયા કાઢી પરત આપ્યા હતા. આજદિન સુધીમાં અઢી લાખ રૂપિયા ચોરી કરીને વાપરી કાઢ્યા છે. જેથી આજની લૂંટમાં પણ એની સંડોવણી દેખાય રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here