જસદણ નજીકથી કતલખાને ધકેલાતા 8 મૂંગા પશુઓ ભરેલું આઈસર ઝડપાયું, બે શખ્સોની ધરપકડ.

0
421

જસદણના ગોખલાણા બાયપાસ રોડ પાસેથી ગત રાત્રીના એક આઈસરમાં 8 મૂંગા પશુઓને ક્રુરતાપૂર્વક ભરી કતલખાને લઈ જવામાં આવતા હોવાની બાતમીના આધારે રાજકોટ જીલ્લા અખિલ ભારતીય ગૌરક્ષા સમિતિના યુવાનોએ જસદણ પોલીસને સાથે રાખી કતલખાને ધકેલાતા 8 મૂંગા પશુઓના જીવ બચાવ્યા હતા. જ્યારે આઈસરમાં સવાર બે શખ્સોની જસદણ પોલીસે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


પ્રાપ્ત વિગતો મુજબ, જસદણના ગોખલાણા બાયપાસ રોડ પાસેથી ગત રાત્રીના રાજકોટ જીલ્લા અખિલ ભારતીય ગૌરક્ષા સમિતિના પ્રમુખ કાર્તિકભાઈ હુદડ, જસદણ તાલુકા પ્રમુખ રાજુભાઈ ધાધલ, દીપકભાઈ વાઘેલા અને મંથનભાઈ રવિયા સહિતના ગૌરક્ષકોએ સ્થાનિક પોલીસને સાથે રાખી બાતમીના આધારે કતલખાને ધકેલાતા 8 મૂંગા પશુઓ ભરેલ આઈસર નં.GJ-01HT-5459 તેમજ તેમાં બેઠેલા બે શખ્સો બાબુ વિભા મેવાડા(ઉ.વ.45) અને તેનો સગીરવયનો પુત્ર રાહુલ(ઉ.વ.17)(રહે બન્ને-ગલસાણા,તા-ધંધુકા,જી-અમદાવાદ) ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ આઈસરમાં 4 ગાયો અને 4 વાછરડીઓને દોરડાથી ક્રુરતાપૂર્વક બાંધવામાં આવ્યા હતા અને ઘાસચારો કે પીવાના પાણીની કોઈ જ વ્યવસ્થા કર્યા વગર જ ખીચોખીચ ભરી કતલખાને ધકેલાતા હતા. આ બનાવમાં જસદણ પોલીસની પ્રાથમિક તપાસમાં આ વાહન અમદાવાદ જીલ્લાના ધંધુકા તાલુકાના ગલસાણા ગામથી ધોરાજી જતું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી જસદણ પોલીસે આઈસર કિં.રૂ.4,00,000, 8 મૂંગા પશુઓ કિ.રૂ.1,80,000 અને મોબાઈલ નંગ-2 કિ.રૂ.5500 મળી કુલ કિ.રૂ. 5,85,500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવમાં જસદણ પોલીસે બન્ને આરોપીઓ સામે એનીમલ્સ એકટ ૧૯૬૦ની કલમ ૧૧(૧) (એ), (ઈ)(એફ)(એચ) અને આઈપીસી ૧૧૪ મુજબ ગુન્હો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી. બાદમાં જસદણ પોલીસે અને ગૌરક્ષકોએ તમામ પશુઓને વિંછીયા પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા. આ બનાવની આગળની કાર્યવાહી જસદણ પોલીસ મથકના પીએસઆઈ આર.પી. કોડિયાતર ચલાવી રહ્યા છે.

અહેવાલ કરશન બામટા.આટકોટ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here