સુરતની જેલમાં ભુજના યુવાનની હત્યા કરાયાનો પરિવારજનોનો આક્ષેપ

0
352

હતભાગીના બેરેકમાં રહેલા માથાભારે શખ્સોએ મારમાર્યો હોવાની આશંકા : પાસામા ધકેલાયેલો યુવાન ચોથી તારીખે છુટવાનો હતો તે પૂર્વે જ મંગળવારે થયું મોત

ભુજ : અહીંના યુવાનને પાસાના કેદી તરીકે સુરતની લાજપોર જેલમાં ધેકલાયો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે પરિવારજનોએ યુવાનની હત્યા કરાઈ હોવાનો આક્ષેપ કર્યો છે સાથે જ જેલ પ્રશાસનની બેદરકારી હોવાનું પણ કહ્યું હતું.પ્રાપ્ત વિગતો મુજબ અગાઉ મારામારી અને હત્યાના બનાવમાં સંડોવાયેલા બે સગાભાઈઓને પાસા હેઠળ અમદાવાદ અને સુરતની જેલમાં ધકેલાયા હતા. ત્રણેક માસ અગાઉ ભુજના અસલમ ઈસ્માઈલ ઉર્ફે બાપાડોને સુરતની લાજપોર જેલમાં તેમજ તેના ભાઈ અખતર ચાકીને અમદાવાદની જેલમાં ધકેલાયા હતા. જેમાં સુરતની જેલમાં મોકલાયેલા અસલમ ચાકીનું મૃત્યું થયું હતું. બનાવને પગલે હતભાગીના પરિવારે હત્યા કરાયાની આશંકા વ્યકત કરી છે. મૃતકના કાકા અકબર ચાકીએ જણાવ્યું હતું કે, મારા ભત્રીજાનું સુરતની જેલમાં મર્ડર કરાયું છે. ૩ મહિના અગાઉ તેને ખોટી રીતે પાસાની કાર્યવાહી કરી સુરતની જેલમાં ધકેલાયો હતો. આવતીકાલે ચોથી તારીખે તે છુટવાનો હતો, પરંતુ તે પહેલા જ તેનું મોત થતા અમને પૂરી શંકા છે કે, તેની હત્યા કરાઈ છે અને હત્યા પાછળ જેલ પ્રશાસનની પણ બેદરકારી રહેલી છે. હતભાગીના પિતા ઈસ્માઈલ ચાકીએ કહ્યું હતું કે, તેની બેરેકમાં માથાભારે શખ્સો હતો જેના દ્વારા તેમના દિકરા સાથે મારકુટ કરાતી હતી. બેરેક બદલાવા માટેની રજૂઆત પણ જેલના જવાબદારોને કરાઈ હતી. ત્રણ દિવસ પહેલા જ્યારે અસલમે તેના પિતાને ફોન કર્યો હતો ત્યારે તેણે કહ્યું હતું કે, મારા માટે દુઆ કરજો. તેના પિતાએ વધુમાં ઉમેર્યું હતું કે, એ દિવસે તેને પેટમાં ખુબ દુખાવો હતો. તેની પાસળી ભાંગી પડી હતી. મે જેલરને ફોન કરી દવાખાને લઈ જવાનું કહ્યું હતું, પરંતુ તેઓ બીજા દિવસે હોસ્પિટલ લઈ ગયા હતા અને બાદમાં તેનું મોત નીપજ્યું હતું. ત્યારે જેલ પ્રશાસનની બેદરકારી ગણાવી તેમના દિકરાની હત્યા થઈ હોવાના પરિવારે આક્ષેપો કર્યા હતા. કેટલાક પરિવારજનો હતભાગીનો મૃતદેહ લેવા માટે સુરત ગયા છે અને આ મામલે યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here