વડોદરા:67 વર્ષના મહિલાએ કેન્સર મુક્ત થયા બાદ બે વખત ચારધામની યાત્રા કરી….

0
180

મજબૂત મનોબળ ધરાવતા ધનલક્ષ્મીબહેન રાણા કેન્સર મુક્ત થયા બાદ બે વખત ચારધામની યાત્રા કરી આવ્યા છે

  • સહેજ પણ ડર્યા વિના મહિલાએ કેન્સર સામે દટીને સામનો કર્યો અને કેન્સર મુક્ત થયા
  • ધનલક્ષ્મીબહેન કેન્સરને હરાવ્યા બાદ બે વખત ચારધામ સહિત અનેક સ્થળોએ યાત્રા કરી આવ્યા છે

આજે વિશ્વ કેન્સર દિવસ છે, ત્યારે વાત કરવીએ એવા મહિલાની જેઓએ માત્ર 6 મહિનામાં જ કેન્સરને માત આપીને બે વખત ચારધામની યાત્રા કરી છે. વડોદરાના VIP રોડ પર રહેતા ધનલક્ષ્મીબહેન રાણાએ માત્ર 6 મહિનામાં જ ગળાના કેન્સરને માત આપી છે. કેન્સર મુક્ત થયા બાદ તેઓ બે વખત ચારધામની યાત્રા, નર્મદા પરીક્રમા, બોધ ગયા અને રામેશ્વર સુધી સહિત દેશના સુપ્રસિદ્ધ તિર્થસ્થાનોની યાત્રા કરી છે. હજી પણ તેઓ યાત્રા કરી રહ્યા છે. કેન્સરને હરાવનાર ધનલક્ષ્મીબહેને જણાવ્યું હતું કે, મન મક્કમ હોય તો ગમે તેવા રોગને મ્હાત આપી શકાય છે. મક્કમ મનને કારણે જ આજે હું સ્વસ્થ છું અને મારું તમામ કામ મારી જાતે કરું છું.

જમવામાં તકલીફ થતાં રિપોર્ટ કરાવચા ગળાનું કેન્સર ડીટેક્ટ થયું
વડોદરાના VIP રોડ પર આવેલી દર્શન પાર્ક સોસાયટીમાં 67 વર્ષના ધનલક્ષ્મીબહેન રાણા પુત્ર સંજીવ અને તેના પરિવાર સાથે રહે છે. ધનલક્ષ્મીબહેન અને તેમનું પરિવાર ખુશમય જીવન પસાર કરી રહ્યા હતા. જ્યાં એકાએક ધનલક્ષ્મીબહેનને જમવાની તકલીફ શરૂ થઇ હતી. તેઓએ ફેમિલી તબીબ પાસે નિદાન કરાવી દવાઓ લેવાનું શરૂ કર્યું હતું, પરંતુ, કોઇ ફરક પડ્યો ન હતો. જેથી તેઓએ નિષ્ણાત તબીબોને મળી ગળામાં થતી તકલીફ અંગે નિદાન કરાવ્યું હતું. જરૂરી મેડિકલ રિપોર્ટ કઢાવ્યા બાદ ગળાનું કેન્સર ડીટેક્ટ થયું હતું.

ધનલક્ષ્મીબહેન પોતાના બધા કામ જાતે જ કરે છે

ધનલક્ષ્મીબહેન પોતાના બધા કામ જાતે જ કરે છે

ગળાનું કેન્સર હોવાની ખબર પડતા મહિલા સ્તબ્ધ થઇ ગયા
નિષ્ણાત તબીબે ધનલક્ષ્મીબહેનને ગળાનું કેન્સર હોવાનું જણાવતા ધનલક્ષ્મીબહેન એક સમયે કેન્સરની વાત સાંભળીને સ્તબ્ધ થઇ ગયા હતા. તે સાથે તેમનો પુત્ર અને પરિવારજનો પણ ચિંતામાં આવી ગયા હતા. જોકે, ઠાકોરજી ઉપર અપાર શ્રદ્ધ રાખતા ધનલક્ષ્મીબહેને કેન્સરની વાતને સહજતાથી લઇ પુત્રને યોગ્ય સારવાર કરવા જણાવ્યું હતું. અને પુત્ર તથા પરિવારને જણાવ્યું કે, તમે ચિંતા કરશો નહીં મારો ઠાકોરજી મારી સાથે છે. મને કેન્સર મટી જશે અને હું ચાર ધામની યાત્રા કરવા પણ જઇશ. માતાની હિંમત જોઇ પુત્ર અને પરિવારજનોમાં પણ હિંમત આવી ગઇ હતી અને પોતાની મમ્મી કેન્સરના રોગમાંથી બહાર નીકળી જાય તે માટે જરૂરી સારવાર શરૂ કરાવી હતી.

કેન્સર હોવા છતાં માતાની હિંમત જોઇને પરિવારમાં પણ હિંમત આવી ગઈ હતી

કેન્સર હોવા છતાં માતાની હિંમત જોઇને પરિવારમાં પણ હિંમત આવી ગઈ હતી

કેન્સરથી ડર્યા વિના 6 મહિનામાં જ તેને માત આપી
કેન્સરને મ્હાત આપનાર ધનલક્ષ્મીબહેન રાણાએ જણાવ્યું હતું કે, આજે પણ એ દિવસ મને યાદ છે. જ્યારે ડોક્ટરે મને ગળાનું કેન્સર હોવાનું જણાવ્યું હતું. ડોક્ટરની કેબિનમાં એક તબક્કે પોતાને કેન્સર હોવાનું સાંભળીને સ્તબ્ધ થઇ ગઇ હતી, પરંતુ, હિંમત એકઠી કરીને કેન્સરની દવા શરૂ કરી હતી. કિમોથેરાપી સહિતની કેન્સરની દવા કરી હતી. તબીબોના જણાવ્યા પ્રમાણે જરૂરી પરેજી પણ પાડી અને લગભગ 6 માસ સુધી કેન્સરની દવા કરીને કેન્સરને માત આપી હતી.

મહિલાને કેન્સર સંપૂર્ણ મટી ગયા બાદ બે વખત ચાર ધામની યાત્રા કરી

મહિલાને કેન્સર સંપૂર્ણ મટી ગયા બાદ બે વખત ચાર ધામની યાત્રા કરી

કેન્સર મુક્ત મહિલા પોતાના બધા કામ જાતે જ કરે છે
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કેન્સર સંપૂર્ણ મટી ગયા બાદ બે વખત ચાર ધામની યાત્રા કરી હતી. ચાર ધામની યાત્રા કર્યા બાદ નર્મદા પરીક્રમા કરી હતી, ત્યાર પછી બોધ ગયા અને રામેશ્વરમની યાત્રા કરી હતી. યાત્રા કરવા પણ એકલી જ ગઇ હતી. આજે હું રસોઇથી માંડીને ઘરના તમામ કામ જાતે કરું છું. આજે 67 વર્ષની ઉંમરે પણ હું એકદમ સ્વસ્થ છું. હજી પણ હું યાત્રા કરવા માટે ફીટ છું.

ચારધામની યાત્રા દરમિયાન તેમના ગ્રુપ સાથેે ધનલક્ષ્મીબહેન રાણા

ચારધામની યાત્રા દરમિયાન તેમના ગ્રુપ સાથેે ધનલક્ષ્મીબહેન રાણા

મહિલા કહે છે કે, મન મક્કમ હોય તો ગમે તેવા રોગને માત આપી શકાય
ધનલક્ષ્મીબહેન રાણાએ આજે વિશ્વ કેન્સર દિવસે કેન્સર પીડિત લોકોને સંદેશો આપતા જણાવ્યું કે, હવે કેન્સર એટલે કેન્સલનું વાક્ય ભૂતકાળ થઇ ગયું છે. અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા થઇ રહેલી સારવારના કારણે કેન્સર હવે મટી શકે છે. જોકે, કેન્સર હોય કે પછી કોઇપણ જીવલેણ રોગ હોય મન મક્કમ હોય તો ગમે તેવા રોગને મ્હાત આપી શકાય છે. તે મારો જીવતો જાગતો દાખલો છે. કેન્સરથી ગભરાવાની જરૂર નથી. હિંમતથી સામનો કરશો તો ગમે તેટલા સ્ટેજનું કેન્સરને માત આપી શકશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here