જૂનાગઢ સિવિલ હોસ્પીટલમાં કોરોના સહિતની બિમારીઓની સારવારમાં ગંભીર બેદરકારી

0
649

જૂનાગઢ સિવિલ હોસ્પીટલમાં કોરોના સહિતની બિમારીઓની સારવારમાં ગંભીર બેદરકારીની વ્યાપક ફરીયાદો ઉઠી રહી છે. સમગ્ર હોસ્પીટલનું તંત્ર જાણે કે ધણી ધોરી વગરનું હોય તેવી સ્થિતિ પંરવર્તી રહી છે. જેમાં પણ જુનિયર તબિબોની હડતાલ થતાં સ્થિતિ અત્યંત વણસી ગઈ છે જેને કારણે કોરોના વોર્ડમાં દર્દી આવ્યો નહી કે મર્યો નહી તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગતરાત્રે જ બનેલી એક આવી ઘટનામાં જૂનાગઢનાં બ્લોચવાડા વિસ્તારમાં રહેતા ૭૦ વર્ષનાં વૃધ્ધને કોરોના વોર્ડમાં દાખલ કર્યાનાં માત્ર ૮ કલાકમાં તેમનું કરૂણ મૃત્યુ નિપજયું હતું. કોરોના વોર્ડમાં આ વૃધ્ધનું ૮ કલાકથી પણ ઓછા સમયમાં મૃત્યુ થતાં અનેક સવાલો ઉભા થયા છે. આ મૃતકનાં પરીવારજનોએ હોસ્પીટલ તંત્રની ગંભીર બેદરકારીનો આક્ષેપ કર્યો છે. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ બ્લોચવાડા વિસ્તારમાં રહેતા અમીનભાઈ હાજી અબ્દુલ ગફાર વિંછી (ઉ.વ.૭૦)ને ગઈકાલે પ.૦૦ કલાકે સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને સિવિલ હોસ્પીટલનાં ૭માં માળે આવેલ કોવિડ વોર્ડમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારે ત્યાં કોઈ ડોકટર હતા નહી, વેન્ટીલેટર નહોતું, ઓકસીજન પણ ન હતું, દર્દીની કોઈપણ પ્રકારની સારવાર થઈ નહી, કોઈ દવા આપવામાં આવી નહી અને તેનું પરીણામ એ આવ્યું કે, ૮ કલાકનાં ગાળામાં જ દર્દીનું મૃત્યુ થયું. આ અંગે મૃતકનાં પુત્ર સાજીદ વિંછીએ કહયું કે, તેમના પિતાને સાંજે પાંચ વાગ્યે કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા અને રાત્રે ૧૧ કલાકે બાજુનાં દર્દીનો ફોન આવ્યો કે તમારા પિતાની તબિયત ખરાબ છે, જલ્દી આવો, હું તુરત જ હોસ્પીટલ પહોંચ્યો પરંતુ મને કોવિડ વોર્ડમાં જવા દેવામાં આવ્યો નહી, ફરી ૧૧.૩૦ કલાકે મારા પિતાની બાજુમાં દર્દી હતા તેનો પાછો ફોન આવ્યો કે તમારા પિતાની તબિયત ખૂબજ ગંભીર થઈ ગઈ છે તમે જલ્દી આવો, તેથી હું ગમે તેમ કરીને હું કોવિડ વોર્ડમાં પહોંચ્યો ત્યારે મારા પિતાની હાલત ખુબજ નાજુક હતી ત્યારે કોઈ ડોકટર, વેન્ટીલેટર કે ઓકસીજનની સુવિધા ન હતી. મારા પિતાની કોઈ જ પ્રકારની સારવાર કરવામાં આવી ન હતી. માત્ર એક નર્સીંગ સ્ટાફ અને પટ્ટાવાળા હતા. હું મારા પિતાને સ્ટ્રેચરમાં પહેલા માળે લઈ આવ્યો તો ત્યાં પણ કોઈ ડોકટર હાજર ન હતા કે કોઈ સારવાર થઈ નહી. પરીણામે મારા પિતા સારવાર વગર મૃત્યુ પામ્યા અને રાત્રીનાં ૧.૦૦ કલાક સુધી હોસ્પીટલનાં કોઈ જવાબદાર વ્યકિતઓ હાજર ન હતા.