- 500 વર્ષ પછી બનવા જઈ રહેલા મંદિરનો શિલાન્યાસ 3 ઓગસ્ટથી, કાશીના વિદ્વાન કરશે અનુષ્ઠાન
- અડવાણી, જોશી સહિત તમામ મુખ્યમંત્રીને આમંત્રણ અપાયું
લખનઉ. શ્રીરામ જન્મભૂમિ મંદિરના શિલાન્યાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે માત્ર 32 સેકન્ડ હશે. આ અભિજિત મુહૂર્તની 32 સેકન્ડમાં 500 વર્ષના પ્રયાસોને સાકાર કરવાની શરૂઆત થશે. આ શુભ મુહૂર્ત જ્યોતિષશાસ્ત્રમાં ઉત્તર-દક્ષિણના સંગમમાંથી નીકળે છે. ઉત્તર ભારતમાં 5 ઓગસ્ટના રોજ ભાદ્રપદ અને દક્ષિણ ભારતમાં શ્રાવણ મહિનો છે. મુહૂર્તનો સમય 5 ઓગસ્ટના રોજ મધ્યહ્ન 12 કલાકને 15 મિનિટની આસપાસનો છે. આ દુર્લભ અભિજિત મુહૂર્તને કાશીના પ્રકાંડ વિદ્વાન ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે કાઢ્યું છે.
અભિજિત મુહૂર્તમાં શિલાન્યાસ સુનિશ્ચિત કરવા માટે કાશી વિદ્વત પરિષદના મંત્રી પ્રો. રામનારાયણ દ્વિવેદીની સાથે ત્રણ આચાર્ય નજર રાખશે. દેશના જુદાં-જુદાં રાજ્યોમાંથી આવેલા વૈદિક આચાર્યો 3 ઓગસ્ટથી શિલાન્યાસ શરૂ કરશે. શરૂઆત મહાગણેશ પૂજનથી થશે. શિલાન્યાસમાં ગણતરીના લોકોને જ આમંત્રણ અપાયું છે. જેમાં પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, પૂર્વ મંત્રી મુરલીમનોહર જોશી, વિનય કટિયાર, ઉમા ભારતી સહિત તમામ રાજ્યોના સીએમ સામેલ છે.
પ્રો. દ્વિવેદીએ કહ્યું કે પ્રથમ દિવસે મહાગણેશ પૂજનની સાથે પંચાગ પૂજન થશે. બીજા દિવસે 4 ઓગસ્ટના રોજ સૂર્ય સહિત નવગ્રહની પૂજા થશે. 5 ઓગસ્ટના રોજ વરુણ, ઈન્દ્ર વગેરે દેવતાઓની સાથે પૂજા થશે. પાયો પહેલાથી જ ખોદીને રખાશે. વડાપ્રધાનને અડધી મિનિટમાં શિલાન્યાસની સામગ્રીને સંકલ્પ સાથે સ્પર્શ કરીને પાયામાં સ્થાપિત કરવાની રહેશે. આ શુભ મુહૂર્ત અંગે કેટલાક વિદ્વાનોએ વાંધો ઉઠાવ્યો છે. પ્રો. દ્વિવેદીએ કહ્યું કે, ભારત ભૂમિનો આકાર વિશાળ છે. રાષ્ટ્રીય બાબતોમાં શુભ મુહૂર્તને સમગ્ર દેશના સંદર્ભમાં નક્કી કરવાનું સારું હોય છે. કાશી વિદ્વત પરિષદ દેશની ટોચની સંસ્થા તરીકે ઓળખાય છે, આથી શિલાન્યાસના શુભ મુહૂર્ત પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી.
રામાનંદી પરંપરાથી શિલાન્યાસ થશે: આચાર્ય સત્યેન્દ્ર દાસ
આ બાજુ, રામમંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે આ રામલલ્લાના મંદિરનો શિલાન્યાસ છે, આથી રામાનંદી પરંપરાથી જ પૂજા થશે. 5 શિલાઓ નંદા, જયા, ભદ્રા, રિક્તા અને પૂર્ણાની પૂજા કરાશે. ચાર શિલાઓ ચાર દિશાઓમાં અને એક વચ્ચે મુકાય છે. શિલાઓ સ્થાપિત કર્યા પછી તેમાં તમામ નદીઓ અને સમુદ્રનું જળ અર્પિત કરાશે. તમામ તીર્થો ઉપરાંત ગૌશાળા અને અશ્વશાળાની માટી અને ઔષધિઓની પણ પૂજા કરાશે. પૃથ્વી શેષનાગના ફેણ પર ટકેલી છે અને શેષનાગ કચ્છપના ઉપર છે, એટલે ચાંદીના શેષનાગ અને કચ્છપને પંચધાતુ અને પંચરત્નો સાથે કાંસ્ય કળશમાં સ્થાપિત કરાશે.