કોરોનામાં મેદસ્વીતા બની BSFની મુશ્કેલી, ગુજરાતના 60 જવાનોને વેઇટ ટ્રેનિંગ માટે રાજસ્થાન મોકલવાની ફરજ પડી

0
272

160 કિલો વજનના જવાનના મોત પછી ખુલાસો, પેટ્રોલિંગ ઘટ્યું, એક જગ્યાએ ડ્યુટીથી વજન વધ્યું21 દિવસની ટ્રેનિંગમાં સવારે 45 મિનિટ પીટી-યોગ, સાંજે 90 મિનિટ ગેમ્સ અને રોજ 10 ગ્રામ અળસી ખાવાનો નિર્દેશ

અમદાવાદ. કોરોનાની સાઇડ ઇફેક્ટની અણધારી સમસ્યા સર્જાઈ છે. મેદસ્વી પોલીસ જવાનોની જેમ હવે વિશ્વની સૌથી મોટી બોર્ડર ફોર્સ બીએસએફના જવાનો પણ મેદસ્વીતાનો શિકાર બની રહ્યા છે. કોરોનાકાળ દરમ્યાન બોર્ડર પર પગપાળા પેટ્રોલિંગ ઓછી થઈ છે જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. એક જગ્યાએ જવાનો ભેગા થાય નહીં એ માટે કસરત પણ બંધ કરવામાં આવી છે. સાથે જ સતત 8થી 16 કલાક એક જગ્યાએ ઉભા રહીને કે બેસીને રહેવાની ડ્યુટી કરાવવામાં આવે છે. આ કારણોસર મેદસ્વીતાની સમસ્યા સર્જાઈ છે. તેના કારણે ગત ચાર મહિનામાં જવાનોના વજનમાં ઝડપી વધારો આવ્યો છે. 

હાર્ટ અટેકથી મોતની સમસ્યાથી પરેશાન બીએસએફે આ માટે તમામ સહાયક ટ્રેનિંગ સેન્ટર (એસટીસી)માં હેલ્થ અવેરનેસ કેમ્પ શરૂ કરી દીધા છે. તેમાં દૂર દૂરથી જવાનોને મોકલવામાં આવી રહ્યા છે. ગુજરાત ફ્રન્ટિયરના 60 જવાનોનો બીએમઆઇ (બોડી માસ ઇન્ડેક્સ) વધારે આવતા તેમને જોધપુર ફિટનેસ કેમ્પમાં મોકલવામાં આવ્યા છે. રાજસ્થાન ફ્રન્ટિયરના આવા 58 જવાનો છે. આ તમામને જોધપુરમાં 21 દિવસના કેમ્પમાં મોકલાયા છે. 

અહીં મેડિકલ ચકાસણી બાદ જવાનોને ગેમ્સ, પીટી, યોગ અને ભોજન વિશે જાગૃત કરવામાં આવે છે. ખાસ કરીને ડાયેટ કન્ટ્રોલ કરવા માટે સલાહ આપવા ડાયટીશ્યન પણ છે. જવાનોને એવી ટ્રેનિંગ અપાઈ રહી છે જેથી ટ્રેનિંગ પછી ડ્યુટી વખતે પણ તેઓ વજનને નિયંત્રણમાં રાખી શકે અને ચુસ્ત થઈને સરહદની સુરક્ષા કરી શકે. ટ્રેનિંગમાં જવાનોને સપ્તાહમાં ત્રણ વખત લંચમાં નૉન વેજ ભોજન, મેસની રસોઈમાં વપરાયેલા તેલનો ઉપયોગ નહીં કરવો, સવારે 45 મિનિટ પીટી તથા સાંજે 90 મિનિટ ગેમ્સ રમવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે તેમને દરરોજ 10 ગ્રામ અળસી ખાવાનું પણ કહેવાય છે. 

હાર્ટ એટેકના લીધે 3 મહિનાથી રાત્રે નૉન વેજ બંધ
વર્ષ 2015માં દર સપ્તાહે સરેરાશ 7 જવાનોના હાર્ટ એટેકથી મોતની ઘટનાઓ સામે આવ્યા બાદ રાત્રિના ભોજનમાં નૉન વેજ બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે વજન વધવાથી હાર્ટ એટેકના લીધે મૃત્યુની ઘટનાઓ નોંધાઈ હતી. ખાસ કરીને 24માંથી 16 કલાક જવાનો ડ્યુટી પર જાય છે જેના કારણે વર્કઆઉટ માટે પૂરતો સમય મળતો નથી. હાર્ટ એટેકમાં જીવ ગુમાવનારા જવાનોનું સરેરાશ વજન 80 કિલો હતું. 

એક મોત બાદ દેશભરમાં તપાસ શરૂ
જોધપુર સ્થિત બીએસએફ એસટીસીમાં ગત અવેરનેસ કેમ્પમાં બિકાનેર સેક્ટરની 114 બટાલિયનના 45 વર્ષીય જવાન વિનોદસિંહનું 15 જુલાઇના રોજ આવ્યા હતા. તેમનું વજન 160 કિલો હતું. બીજા દિવસે પીટી દરમ્યાન તેમણે શ્વાસ લેવામાં તકલીફ જણાવી એ પછી તેમને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. તેઓ હેડક્વાર્ટરને રિપોર્ટ આપશે. આ ઘટના બાદ વધુ વજન ધરાવતા જવાનોને ફીટ રાખવા માટે ટ્રેનિંગ શરૂ થઈ. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here