રાજકોટ-મુંબઈની સ્પાઈસ જેટની ફ્લાઈટ સપ્ટેમ્બર સુધી સ્થગિત

0
401

રાજકોટથી એર ટ્રાફિકના અભાવે એરલાઇન્સ કંપનીઓ મુંબઈની ફ્લાઈટ ઉડાવતી નથી

રાજકોટ. સ્પાઈસ જેટે 1 જુલાઈથી રાજકોટથી મુંબઈની રોજ બે ફ્લાઈટ ઉડાવવાની જાહેરાત કરી હતી. સ્પાઈસ જેટની બંને ફ્લાઈટ પૈકી એક ફ્લાઈટ સવારે અને બીજી સાંજે રાજકોટ એરપોર્ટ પરથી ઉડાન ભરવાની હતી, પરંતુ હાલ કોરોના મહામારીને કારણે એર ટ્રાફિક નહીં મળવાને કારણે ખાનગી એરલાઇન્સ કંપનીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. તેના અંતર્ગત જ સ્પાઈસ જેટે રાજકોટથી ઉડાન ભરનારી બંને ફ્લાઈટ આગામી સપ્ટેમ્બર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. 

રાજકોટથી મુંબઈ અને દિલ્હી એર ઇન્ડિયાની ફ્લાઈટ ઉડાન ભરી રહી છે
જો કે હાલ રાજકોટથી મુંબઈ અને દિલ્હી એર ઇન્ડિયાની ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. એર ઇન્ડિયાની રાજકોટથી દિલ્હી દર મંગળવારે અને ગુરુવારે બપોરે 3 કલાકે ઉડાન ભરી રહી છે, જ્યારે રાજકોટથી મુંબઈની ફ્લાઈટ દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે સાંજે 7.30 કલાકે ઉડાન ભરી રહી છે. રાજકોટથી હાલ જે ફ્લાઈટ ઓપરેટ થઇ રહી છે તેમાં પણ ગણતરીના જ મુસાફરો યાત્રા કરી રહ્યા છે. હાલ નવી ફ્લાઈટ શરૂ કરવામાં આવે તો પણ ખાલી ઉડાવી પડે તેવી સ્થિતિ હોવાને કારણે સ્પાઇસ જેટે સપ્ટેમ્બર સુધી રાજકોટના ઓપરેશન સ્થગિત કર્યા છે.