- આનાથી બેંકો પર રૂ. 7,900 કરોડનું વધારાનું ભારણ આવશે
- આ પગાર વધારો નવેમ્બર 2017થી લાગુ કરવામાં આવશે
નવી દિલ્હી. ઇન્ડિયન બેંક એસોસિએશન (IBA) અને યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) વચ્ચે બેંક કર્મચારીઓના પગાર વધારાને લઈને સહમતી સધાઈ છે. લાંબા સમયથી ચાલતી વાતચીત બાદ બંને પક્ષો બેંક કર્મચારીઓના પગારમાં 15% વધારો કરવાની વાત પર સહમત થયા છે. બુધવારે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના હેડકવાર્ટરમાં આ બેઠક મળી હતી અને મોડી સાંજે તેના પર નિર્ણય આવ્યો હતો.
પગાર વધારા અંગે 2017થી વાતચીત ચાલતી હતી
IBA અને UFBU વચ્ચે મે 2017થી બેંક કર્મચારીઓના પગાર વધારા અંગે વાતચીત ચાલુ હતી. આ સમાધાનથી બેંકો પર વાર્ષિક રૂ. 7,900 કરોડનો વધારાનું ભારણ વધશે. જાહેર ક્ષેત્રની બેંકો, પ્રાઈવેટ બેંકો અને વિદેશી બેંકો સહિત 37 બેંકોએ પોતાના કર્મચારીઓના પગાર વધારા અંગે નિર્ણય લેવા IBAને અધિકાર આપ્યો છે.
વધારો 2017ની અસરથી લાગુ થશે
બેંક યુનિયન અને IBA વચ્ચે પગાર વધારા માટે થયેલા સમાધાન મુજબ આ વધારો નવેમ્બર 2017ની અસરથી લાગુ થશે. સમાધાન મુજબ પગાર અને ભથ્થામાં 15% વધારો માર્ચ 2017ની પે સ્લીપના આધારે આપવામાં આવશે.